Main Menu

Friday, February 17th, 2017

 

અમરેલીમાં ઇમરજન્‍સી 108માં જોડીયા બાળકોનો જન્‍મ

અમરેલી,
અમરેલીથી 15 કિ.મી.દુર વડેરા ગામે વાડી વિસ્‍તારમાં રહેતા અને મજુરી કરતા સંગીતાબેન રાજુભાઇ ભીંડે ઉ.વ.28ને વહેલી સવારે પ્રસ્‍તુની પીડા ઉપડતા સંગીતાબેનના પતિ રાજુભાઇએ 108માં ફોન કર્યો હતો અને ફરજ પરના ઇએમટી સાગર મકવાણા તથા પાઇલોટ હરસુરભાઇ વાળાએ વડેરા ગામે જઇ તપાસ કરી એમ્‍મ્‍યુલન્‍સમાં અમરેલી લાવતા હતા ત્‍યારે રસ્‍તામાં પીડા વધુ ઉપડતા શ્રી સાગર મકવાણા અને અમદાવાદના 108ના ગાયનેકોલોજીસ્‍ટે પ્રસ્‍તુતી કરાવી જોડીયા બાળકોનો જન્‍મ કરાવેલ છે અને ત્રણેય જીવ બચાવી સુંદર કામગીરી કરી છે.


લાલકામાં વૃઘ્‍ધને સમાધી બાદ શંકા દર્શાવતા ગ્રામજનો રોષિત

બાબરા તાલુકાનાં લાલકા ગામે વયોવૃઘ્‍ધ ભવાયા બચુભાઇ નાનજીભાઇ ઉ.વ.100નું તા.14-2-17ના સવારે મૃત્‍યુ પામ્‍યા બાદ પરિવાર કુટુંબ દત્‍તક પુત્ર ગ્રામજનો દ્વારા મૃતકની ઇચ્‍છા મુજબ તેમની જમીનમાં શાસ્‍ત્રોકત વિધી મુજબ સમાધી આપવામાં આવેલ. મૃતકનાં અગાઉ લગ્‍ન દરમિયાન તેમની પત્‍નિના ત્રણ આંગળીયાત સંતાન પૈકીનાં વાઘેલા મનુભાઇ બચુભાઇ રે.જસદણ દ્વારા પોલીસમાં આપેલ અરજમાં ભવાયા ઘનશ્‍યામ શિવરામ, ભવાયા જીવણ શિવરામ, ભવાયા રાજાશીવરામ,રાઠોડ ઘુઘા શંભુ રે. લાલકા તા.બાબરા દ્વારા તેમના પિતાના નામે ચાલતી જમીન ગેરકાયદેસર પચાવી પાડવામાં આવી હોવાની સાથોસાથ આ બાબતે મામલતદાર બાબરા અને પ્રાંત અધિકારી લાઠી સમક્ષ દાવા ચાલુ છે. અને મૃતકને પુરતુ ખાવાનુ આપતા નહિ હોવાનું અરજીમાં જણાવેલ. મૃતક તેમના આંગળિયાત પુત્રના ઘરે જસદણ રહેવા ચાલ્‍યા ગયા બાદ લાલકા રહેતા ચારેય ઇસમો વૃઘ્‍ધને જમીન પાછી આપવાનું જણાવી લાલકા ગામે જણાવેલ. અચાનક તેમના મૃત્‍યુ બાદ તેમને સમાધી આપવામાં આવતા રહસ્‍યમય સંજોગોમાંમૃત્‍યુ થયાનું અને એકાંતનો લાભ લઇ મારી નાખવામાં આવ્‍યા હોવાની શંકા દર્શાવી મૃતકનુ પીએમ કરવા અરજ કરાઇ છે. લાલકા રહેતા સામા પક્ષનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવતા અરજી કરનાર આંગળિયાત પુત્ર હોવાની સાથોસાથ તેમની માતાનાં મૃત્‍યુ બાદ કોઇ પ્રકારનો અવર જવરનો વ્‍યવહાર નહિ હોવાની સાથે સાથે ફક્‍ત જમીનનાં વિવાદનાં કારણે ખોટી અરજી કર્યાનું જણાવેલ છે. મૃતક બચુભાઇ નિઃસંતાન હતા તેમના નાનાભાઇ શિવરામભાઇના પુત્રો પૈકીનાં ઘનશ્‍યામભાઇને તેમણે દત્‍તક પુત્ર જાહેર કરી તમામ જમીન તેમની હૈયાતીમાં ચાર વર્ષ પહેલા તેમના નામે કરી આપેલ. આંગળિયાત પુત્ર કે પુત્રીના લગ્‍ન અને તેની માતાનાં મૃત્‍યુ બાદ કયારેય મૃતકની સારસંભાળ રાખવામાં આવી નથી. આંગળિયાત પુત્ર મનુભાઇ બચુભાઇ, અમીચંદભાઇ વાઘેલા દ્વારા જમીનની લાલચે દત્‍તક પુત્રને તેના પરિવારે હેરાન પરેશાન કરવા અરજી કરવામાં આવી હોવાનું અને 100 વર્ષના વૃઘ્‍ધ બચુભાઇનું મૃત્‍યુ કુદરતી શ્‍વાસની બિમારીથી થયાનું અને તેના શરીર ઉપર કોઇ ઇજાનાં નિશાન નહિ હોવાનું પોલીસ મથકે ગ્રામજનોએ દોડી જઇ લેખીત નિવેદન આપવામાં આવેલ. પીએસઆઇ રામાવતનાં જણાવ્‍યા અનુસાર આંગળિયાત પુત્ર મનુ બચુ અને અમીચંદની અરજી બાદ પોલીસ લાલકા ગામે દોડી જઇ દત્‍તકપુત્ર પરિવાર અને ગ્રામજનોનાં નિવેદન સમાધી સ્‍થળ સ્‍થિતિ નિરિક્ષણ થવા પામેલ છે. મૃતકને સમાધી તા.14-2ના આપવામાં આવેલ તમામ અરજ, પોલીસ રીપોર્ટ ગ્રામ્‍ય નિવેદન અને અરજદાર દ્વારા પીએમ કરાવવાની માંગ સંદર્ભે કાગળો બાબરા તાલુકા એકઝી.મેજીસ્‍ટ્રેટ, પ્રાંત અધિકારી ચિંતન વૈષ્‍ણવ સમક્ષ રજુ કરવામાં આવશે. અને તેમના હુકમ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું શ્રી રામાવત દ્વારા જણાવવામાં આવેલ.


નલિતા કાંડના આરોપીને કડક સજા કરવા માંગણી

બાબરા,
કચ્‍છના નલિયા ગામે સર્જાયેલા કાંડમાં આરોપીને કડક સજા કરવા યુવક કોંગ્રેસ પ્રમુખ જીતેન્‍દ્ર સોલંકીને આગેવાનીમાં કેન્‍ડલમાર્ચ યોજી ભાજપ વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કર્યો હતો.ભાજપ સરકારમાં વારંવાર જુલ્‍મો થાય છે તેને હાંકી કાઢવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્નમમાં કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઇ સિંધવ, હિંમતભાઇ રાછડીયા, શ્રી ધનાભાઇ અને હોદેદારો તથા આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.


બાબરા અવધ ટાઇમ્‍સ મ્‍યુરો કાર્યાલયની મુલાકાતે પુર્વ ધારાસભ્‍ય સિઘ્‍ધાર્થ પરમાર

બાબરા,
બાબરા અવધ ટાઇમ્‍સ મ્‍યુરોની મુલાકાતે પુર્વધારાસભ્‍ય સિઘ્‍ધાર્થ પરમારે આવી શુભકામના પાઠવી હતી.તેમની સાથે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્‍ય બાબુભાઇ વિંઝુડા તેમજ રાષ્‍ટ્રીય દલિત મહાસંઘના રાજકોટ શહેર પ્રમુખ રમેશભાઇ સોલંકી, મહામંત્રી હેરી રાણવા અને લીગલ શેલના હરેશ મેવાડા સાથે રહ્યા હતા.મ્‍યુરો ચીફ પ્રતાપભાઇ ખાચરે સ્‍વાગત કર્યુ હતુ.


અમરેલીનાં માણેકપરામાં સીસી રોડનો પ્રારંભ

અમરેલી માણેકપરા વિસ્‍તારમાં સીસી રોડના નવીનીકરણના કામનો પાલિકા પ્રમુખશ્રી અલ્‍કાબેન ગોંડલિયાએ પ્રારંભ કરાવતા આ વિસ્‍તારના રહેવાસીઓમાં આનંદની લાગણી છવાઇ છે.
શહેર વિકાસ સમિતિના ચેરમેન શ્રી પી.પી.સોજીત્રા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જે.પી.સોજીત્રાની વિશેષ ઉપસ્‍થિતિમાં અને પાલિકાના ઉપપ્રમુખ શ્રીનટુભાઇ સોજીત્રા, કારોબારી સમિતિના ચરમેન શ્રી સંદિપ ધાનાણી, આ વિસ્‍તારના સભ્‍ય શ્રીે હિરેનભાઇ સોજીત્રા, પ્રકાશભાઇ કાબરીયા, ભારતીબેન શકુલ, પંકજભાઇ રોકડ તથા ચીફ ઓફિસરશ્રી કેતનભાઇ વાનાણી, એન્‍જીનીયર શ્રી એચ.પી.ખોરાસીયાની હાજરીમાં ગણેશ કોમ્‍પલેક્ષથી શરૂ કરીને બી.એમ.ચોક સુધીના સીમેન્‍ટ કોન્‍ક્નીટ ટ્રીમીક રોડનો પ્રારંભ પાલિકા પ્રમુખ શ્રીમતિ ગોંડલિયાએ શ્રીફળ વધેરીને કરાવ્‍યો હતો.સમગ્ર શહેરના આઠ વોર્ડમાં ભુગર્ભ ગટરના કારણે માર્ગોની હાલત અત્‍યંત જર્જરીત થઇ જતા પાલિકાના કોંગી શાસકો દ્વારા પંદર કરોડના ખર્ચે આવા માર્ગોના સમારકામ અને નવીનીકરણના કામો શરૂ કરવામાં આવ્‍યા છે.જજર્રીત માર્ગોના કારણે હાલાકી ભોગવતા નગરજનોએ કામ શરૂ થતા રાહત અનુભવી છે.


અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી વાળાની બદલી કરવા માંગણી કરતા શ્રી પીપી સોજીત્રા

અમરેલી,
અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાએ અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડી.વી.વાળા ઉપર પીડીએમ ભ્રષ્‍ટાચારના ગંભીર આક્ષેપો કરી તેઓ અગાઉ ધારી મામલતદાર અને રાજુલા મામલતદાર હતા ત્‍યારે તેની સામે ભાજપના આગેવાનો અને ધારાસભ્‍યોએ ફરિયાદ કરી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી કર્મચારી અને અરજદારો સાથે ગેરવર્તન કરતા હોવાનું આક્ષેપ કરી શ્રીસોજીત્રાએ  પત્રમાં આક્ષેપ કર્યો છે કે મે ગેસ એજન્‍સીના સંચાલકો ગ્રાહકો પાસેથી બોટલદીઠ 10 અને 20 રૂપિયા ખોટી રીતે લેતા હોય તેની ફરિયાદ કરતા તપાસ કરવાને બદલે 10 20 રૂપિયામાં શું કામ પડો છો તેવુ જણાવેલ અને લાઠીમાં બે નંબરી જથ્‍થાની પીડીએમ કરેલ નથી અને ભ્રષ્‍ટાચાર કરી રહેલ છે તેમ અંતમાં જણાવ્‍યું હતું.


ગેસ સિલીન્‍ડર ધારકો પાસેથી વધારે પૈસા લેવાના મામલે પગલા લેવાયા છે : શ્રી વાળા

અમરેલી,
અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દિલીપસિંહ વાળાએ તેમની ઉપર થઇ રહેલા આક્ષેપો અનુસંધાને જણાવ્‍યું છે કે ગ્રાહકો અને લાભાર્થીઓનો હિત નજર સામે રાખી કાયદેસરની કાર્યવાહી પુરવઠા તંત્ર દ્વારા કરવામાં આવે છે છેલ્લા ચાર માસની અંદર ગેરરીતી કરતા 13 દુકાનદારોના લાયસન્‍સ ગેરરીતી જણાતા સસ્‍પેન્‍ડ કર્યા છે. અને તે પૈકીના ત્રણ રદ કર્યા છે જો કોઇ ગેસ સિલીન્‍ડરમાં પૈસા વધારે લેતુ હોય તો પુરવઠા તંત્રના નાયબ મામલતદારથી લઇ મારા પોતાના ખુદના મોબાઇલ અને ફોન નંબર આપી અખબારમાં જાણ કરી છે કે અમને જાણ કરો તાત્‍કાલીક પગલા લેવાશે અને લાઠીના મામલે અમે પીડીએમના કાગળો કર્યા છે અમે ખોટુ કરતા નથી અને ખોટી રીેતે કોઇથી ડરતા નથી નિયમનુસારની કાર્યવાહી દરેક સામે થશે.તેમઅંતમાં જણાવેલ છે.


જાફરાબાદના લુણસાપુર નજીક છકડો રિક્ષા પલ્‍ટી જતા 15 ને ઇજા

જાફરાબાદ,જાફરાબાદના લુણસાપુર નજીક છકડો રિક્ષામાં શ્રમિકો મિતીયાળા આવતા હતા ત્‍યારે લુણસાપુર નજીક છકડો રીક્ષાનું પાછળનું ટાયર નિકળી જતા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલ્‍ટી મારી જતા 15 જેટલા શ્રમિકોને ઇજા થયેલ જેમાં  9ને ગંભીર ઇજા થતા મહુવા દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવમાં ઇજા પામેલાઓમાં અરૂણાબેન અરજણભાઇ બાંભણીયા, મનિષાબેન મેહુલભાઇ સાખટ, જાગુબેન ભીમાભાઇ જાદવ, સવિતાબેન કરશભાઇ સોલંકી, આશાબેન જીણાભાઇ બાળદિયા, દયાબેન ગભાભાઇ સોલંકી, કંચનબેન ભીમાભાઇ ભાલીયા, સવિતાબેન શિયાળ, સવિતાબેન મનજીભાઇ સાખટ, લીલાબેન મનજીભાઇ સાખટ, શાંતુબેન ગભાભાઇ સાખટ, દયાબેન ભવાનભાઇ બારૈયા, જયાબેન ભીમાભાઇ ભાલીયા, દિપાબેન મનુભાઇ સાખટનો સમાવેશ થાય છે આ બનાવની જાણ થતા ધારાસભ્‍યહિરાભાઇ સોલંકી ઇજાગ્રસ્‍તોની વહારે હોસ્‍પિટલે દોડી ગયા હતા પીઆઇ શ્રી વાઢેર પોલીસ સ્‍ટાફ સાથે દોડી ગયા હતા.


ધારીના વેકરીયા પરામાં આડા સંબંધોમાં નડતરરૂપ પત્‍નીને પતિએ લોખંડની કોસથી મારમાર્યો

અમરેલી,
ધારીના વેકરીયા પરામાં નયનાબેન ધર્મેશભાઇ સોલંકીના પતિ ધર્મેશ ભીખા સોલંકીને તેની ભાભી લતાબેન હરેશભાઇ સાથે આડો સંબંધ હોય તેના કારણે ધર્મેશે તેણીને નડતરરૂપ હોવાથી ગાળો આપી શારીરીક, માનસીક ત્રાસ દઇ લોખંડની કોસ વડે મારમાર્યાની ફરિયાદ ધર્મેશ અને લતાબેન બંને સામે નોંધાવતા ધારી પોલિસે તપાસ હાથ ધરી છે.


અમરેલીના શહિદ પંકજ અમરેલીયા હત્‍યા કેસમાં વિડીયો સીડીની રીવીઝન રદ કરતી સેશન્‍સ કોર્ટ

અમરેલી,
અમરેલીના ક્નાઇમ બ્રાંચના હેડ કોન્‍સટેલબ શહિદ પંકજ અમરેલીયા હત્‍યા કેસમાંરેલીના વિડીયો રેકોડીંગની સીડીની માંગણી કરતી રીવીઝન અમરેલીની સેશન્‍સ કોર્ટે ફગાવી હતી.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે તા.19/7/2016ના રોજ અમરેલીમાં બનેલા બનાવમાં એલસીબીના હેડ કોન્‍સટેબલ પંકજભાઇ અમરેલીયાનું મૃત્‍યુ થતા તેમની હત્‍યા બદલ ગુનો દાખલ થયો હતો.આ કેસના નીંગાળા-2 ગામના મહિલા આરોપીએ ચીફ જયુડીશયલ કોર્ટમાં રેલીના વિડીયો રેકોડીંગની સીડી માંગી હતી જેને અદાલતે નકારી હતી.ચીફ કોર્ટના આ હુકમ સામે આરોપીઓ અમરેલીના પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી જે.આર.શાહ સમક્ષ રીવીઝન કરતા કોર્ટે નીચલી અદાલતનો હુકમ ભુલભરેલો નથી તેમ જણાવી તેની રીવીઝન રદ કરી હતી.