Main Menu

Friday, December 15th, 2017

 

બાબરાના નાની કુંડળમાં દેશી દારૂ બનાવવાની આધુનિક ફેકટરી ઝડપાઇ

બાબરા,બાબરા તાલુકાની નાની કુંડળમાં પોલીસે દુર્ગંધ વગર અને એકદમ કોલ્‍ડ હાલતમાં તૈયાર થતા દેશીદારૂની ચાલું મીની ફેકટરી આધુનિક ઢબની રેઇડ દરમિયાન પકડી પાડવામાં આવી છે.પો.ઇન્‍સ. એસ.એમ.વરૂને મળેલ બાતમીના આધારે નાની કુંડળની સીમમાં રેઇડ પાડતાં કોળી વનરાજ વાલજી રાઠોડ ઉ.વ.28ની વાડીમાં ધમધમી રહેલ દેશીદારૂની આધુનિક ભઠ્ઠીમાં 600 લિટર દેશીદારૂ બનાવવાનો આથો તથા 25લિટર દારૂ લોખંડના બેરલ 2, પ્‍લાસ્‍ટીકના કેરબા નંગ8 મળી કુલ રૂા.2950ના મુદ્દામાલ સાથે વાડી માલિક વનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ હતી. પોલીસ જમાદાર એસ.એમ.તડવી, હે.કોન્‍સ કિશનભાઇ હાડગરડાના જણાવ્‍યા મુજબ છેલ્‍લા ત્રણ દિવસથી જિલ્લાપોલીસ વડા જગદીશ પટેલના આદેશ અને ના.પો.અધિક્ષક એલ.બી.મોણપુરાના માર્ગદર્શન મુજબ નાની કુંડળ ગામે દેશીદારૂની ચાલુ ફેકટરી ઉપર પોલીસ સાથે ત્રાટકયાં બાદ અચરજ લાગતી રીતે દારૂ બનાવવાના સાધનો ગોઠવવામાં આવ્‍યા હતાં અને એકદમ કોલ્‍ડ અને દુર્ગંધ વગરનો દારૂ બનતો હોવાનું ખ્‍યાલમાં આવેલ. રેઇડ દરમિયાન દેશીદારૂના આથાનો નાશ કરવામાં આવ્‍યો હતો અને ઝડપાઇ ગયેલ શખ્‍સની પૂછપરછ બાદ દારૂના સપ્‍લાઇ કરનારા તથાવેંચારાને ઝડપી પાડવા પોલીસ દ્વારા વ્‍યૂહરચના કરવામાં આવી છે.


અમરેલી જિલ્લાપંચાયતની બિલ્‍ડીંગનું નવનિર્માણ કરાશે

અમરેલી,
અમરેલી જિલ્લાપંચાયત કચેરીનું બિલ્‍ડીંગ લાંબા સમયથી જર્જરીત બનતાં તેમના સ્‍થાનેનવું બિલ્‍ડીંગ નિર્માણ પામશે. હાલમાં જિલ્લાપંચાયત કચેરીના બંને બિલ્‍ડીંગોને તોડવાની કામગીરી આરંભી દેવામાં આવી છે જેમાં એક વિભાગની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે બાજુમાં આવેલ બીજા બિલ્‍ડીંગને પણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બંને બિલ્‍ડીંગની જગ્‍યાએ એક વિશાળ બિલ્‍ડીંગ નવું નિર્માણ પામશે.
જે માટે જિલ્લા પંચાયત દ્વારા ટેન્‍ડરો બહાર પાડીને અમદાવાદના જયોતિ ઇન્‍ફાટે્રક કંન્‍ટ્રકશનને કામ આપવામાં આવેલ છે.
5960 સ્‍કેવર મીટરમાં જિલ્લાપંચાયતનું નવું બિલ્‍ડીંગ રૂા.15 કરોડ 47લાખ 45.892ના ખર્ચે તૈયાર થશે.
આ નવા બિલ્‍ડીંગને તૈયાર થતા બે વર્ષ જેવો સમય લાગશે. આ બિલ્‍ડીંગના આગળના ભાગે પાર્કિંગની સુવિધા, ગ્રીનરી, બગીચો નિર્માણ કરી સુંદર બિલ્‍ડીંગ નિર્માણ પામશે.
હાલમાં જિલ્લા પંચાયત કચેરીનું અમરેલી બહુમાળીભવનમાં પહેલાં જયાં આરટીઓ કચેરી બેસતી તે સ્‍થળે ફેરવવામાં આવેલ છે.


અમરેલીના ટીંબા ગામના વતની યુવાન ચિરાગ હરિયાણીએ અમરેલીજિલ્લામાં પ્રથમ કવરસોંગ તૈયાર કર્યુ

અમરેલી,અમરેલી જિલ્લામાં છેલ્‍લી ટેકનોલોજી અને આધુનિકીકરણ હવે તરત જ આવે છે આમ છતાં ફિલ્‍મીક્ષેત્રે અને નાંટયક્ષેત્રે અમરેલી પાછળ છે. બે દિવસ પહેલાં જ અમરેલીના વિદ્યાર્થીઓએ શોર્ટ ફિલ્‍મ બનાવી છે તો અમરેલીના ટીંબા ગામના સાયન્‍સના વિદ્યાર્થી ચિરાગ હરિયાણીએ અમરેલી જિલ્લામાં સર્વપ્રથમ જુના જમાનાના ગીતને વણી લઇ અને તેનો નવો આવિષ્‍કાર કરી કવરસોંગ બનાવ્‍યું છે અને તેના ટ્રેલરનું આજે સાંજે 6 વાગ્‍યે યુટયુબ ઉપર પ્રેજન્‍ટેશન કરાશે. ટીંબા ગામના ચિરાગ હરિયાણીએ પોતાના અવાજમાં શીકવા નહિં કીસી સૈ સોંગને કવરવર્જન બનાવ્‍યું છે. જેની સીનેમેટ્રોગ્રાફી પ્રશાંત ગોહિલે અને ડાયરેકટીંગ સૌરભ પાથરે કર્યુ છે. આ સોંગ માટેનું શુટિંગ અમરેલી અને દિવમાં કરવામાં આવ્‍યું છે તેનું રેકોર્ડીંગ અમદાવાદ કરાયું છે. આજે સાંજે 6 વાગ્‍યે એસ.આર્ટ પ્રોડેકશન અથવા તો ચિરાગ હરિયાણી સર્ચ કરી યુટયુબ ઉપર ટ્રેલર જોઇ શકાશે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, ચિરાગ હરિયાણીએ રેપરસીંગર બાદશાહ અને મોનાલી ઠાકુર સામે ઓડીશન આપેલ છે.


અમરેલી જિલ્લા વિદ્યાસભા પ્રા. સ્‍કુલમાં વેજીટેબલ ડે ની ભવ્‍ય ઉજવણી કરાઇ

અમરેલી,ડો.જીવરાજ મહેતા સંસ્‍થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા પ્રા.શાળામાં વેજીટેબલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. વેજીટેબલ ડે અંતર્ગત ધો.1 થી પ ના નાના ભૂલકાઓએ વિવિધ શાકભાજીના રોલ મોડેલ બનીને સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતાં. નાના ભૂલકાઓ દ્વારા વેજીટેબલને લગતા બાલગીત, પપેટ વગેરે રજૂ કરવામાં આવ્‍યા હતાં.આ ઉપરાંત રસોડાને લગતી સામગ્રીઓ રજૂ કરીને એક નવા જ કાર્યને ઓપ આપ્‍યો હતો. આ તકે સંસ્‍થાના વ્‍યવસ્‍થાપકશ્રી, આચાર્યશ્રી તેમજ શિક્ષણગણે વિદ્યાર્થીઓની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી તથા ભાગ લીધેલ ભૂલકાઓ તેજ શિક્ષકશ્રીને અભિનંદન પાઠવ્‍યા હતાં.


બાબરાના તાઇવદરમાં ગંદકીના ગંજ; રોગચાળાનો ખતરો

બાબરા,
બાબરા તાલુકાના નાના એવા તાઇવદર ગામે ગંદકીની મસમોટી સમસ્‍યા હલ કરવામાં સ્‍થાનીક ગ્રામપંચાયત કચેરી આંખ આડા કાન કરતી હોવાથી ગ્રામ્‍ય આગેવાન તથા લતાવાસી દ્વારા અરજ આવેદન આપી ઉચ્‍ચ સતાવાળાનો કાન ખેંચ્‍યો હોઇ તેમઆગામી સમયમાં સ્‍વચ્‍છતાને પ્રધાન્‍ય નહીં આપવામાં આવે તો ગ્રામજનોને સાથે રાખી ગાંધી ચિંઘ્‍યા રાહે આંદોલન કરવા ચીમકી આપવામાં આવી છે. તાઇવદર રહેતા પ્રવિણભાઇ મોહનભાઇ મજલાણી દ્વારા તાલુકા વિકા અધિકારી, મામલતદારશ્રી બાબરા જિલ્લા આરોગ્‍ય અધિકારીને સંબોધી લખેલાપત્રોમાં તેમના રહેણાંક વિસ્‍તાર સહિત તાઇવદર ગામમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ તથા રહેણાંક મકાન અંદર ગંદકી ભર્યા પાણી ભરાવાથી યાતના ભોગવી પડી રહી છે.
જાહેરમાં શૌચક્નીયા, ઢોરઢાંખરના ખાતરની ગંદકી તથા બજારના રાહદારી ચાલવાના રસ્‍તા ઉપર કાદવ કીચડ ભરેલા પાણીથી રોગચાળો સામાન્‍ય રીતે માથુ ઉંચકી રહયો છે.
હાલ રાજયમાં ડેંન્‍ગ્‍યુ, મેલરીયા, ટાઇફોડ, ચીકનગુનિયા સહિતની બીમારી વકરી રહી છે. થોડા વર્ષ પહેલા નજીકના કરીયાણા ગામે કોંગ્રોફીવર રોગથી 7 લોકોના જીવ ગુમાવવા પડયા હતાં જેથી ભવિષ્‍યમાં આવનારી આફત ટાળવા તાઇવદર ગામે તુરંત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવા અનુરોધ થયો છે. અન્‍યથા આવનારા સમયમાં ગાંધી ચીંઘ્‍યા રાહે આંદોલનની ચીમકી સાથે હીજરત કરવા ફરજ પડનાર હોવાનું અંતમાં જણાવ્‍યું છે.


15-12-2017

thumbnail of 15-12-17