Main Menu

Saturday, December 30th, 2017

 

લીલીયાના સાંજણટીંબામાં વિદ્યાર્થીઓ ખાનગી શાળા તરફ વળ્‍યા

સાજણટીંબા
સાજણટીંબા એટલે વિશ્‍વહિંદુ પરિષદના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ પ્રવિણભાઇ તોગડીયાનું ગામ. ગામની વસ્‍તી અંદાજે હજારની અગિયારસોની છે. ગામમાં ધોરણ-1 થી 8 સુધીનો અભ્‍યાસ માટે પ્રાથમિક શાળા આવેલ છે જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહયા છે પરંતુ લોકોએ હવે સરકારી શાળાઓનો વિશ્‍વાસ ગુમાવવાના કારણે વિદ્યાર્થીઓને સરકારી શાળાને બદલે પ્રાઇવેટ શાળા કે હાઇસ્‍કુલમાં વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરવા માટે અમરેલી સુધી આવી રહયા છે. અમરેલી જ્ઞાનદિપ ખાનગી શાળામાં સ્‍કુલનું વાહન વિદ્યાર્થીઓને તેડવા માટે અને મુકવા માટે આવે છે અને બાલમંદિરથી કોલેજ સુધી વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે અમરેલી આવી રહયા છે. સાજણટીંબામાં સાવરકુંડલા-દામનગર, વડીયા-લીલીયા, લાઠી-હાથીગઢ, અમરેલીએસ.ટી.બસની સુવિધા છે. ખેતીવાડીમાં એકધારો પાવર મળતો નથી તેમજ પાવર ખેતીવાડીમાં કયારેક રાત્રે તો કયારેક દિવસે મળે છે આ વિસ્‍તારમાં બાર સિંહો વસવાટ કરી રહયા છે જેના કારણે ખેતીવાડીમાં રાત્રીના પાવર આપવામાં આવતા ખેડૂતોને જીવના જોખમે સીમમાં જવું પડે છે અને હાલમાં રોજ અને ભૂંડનો ત્રાસ પણ દિવસેને દિવસે વધતો જાય છે આ બાબતે સરકારશ્રીમાં અવાર-નવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ નક્કર પરિણામ મળતું નથી. ગામને મહિનું પાણી આઠ દિવસે એક જ વખત મળે છે જે બાબતે રજૂઆત કરવા છતાં પણ બહેરા તંત્રના કાને અવાજ સંભળાતો નથી આ વિસ્‍તારમાં તળ પાણી ફલોરાઇડયુક્‍ત હોવાના કારણે પુર્વધારાસભ્‍ય ખોડીદાસબાપા ઠક્કરના સમયમાં કાળુભાર યોજનાનું પાણી શરૂ કરાવેલ જે સગવડતા સારી હતી પરંતુ તે યોજનાનો લાભ બંધ કરવામાં આવતા ગ્રામજનોને હાલમાં પીવાના પાણીની હાડમારી ભોગવવી પડે છે. ખેતીવાડીમાં રોજ અને ભૂંડના ત્રાસના કારણે ચોમાસામાં માત્ર કપાસનું જ વાવેતર કરવામાં આવે છે જયારે રવિ સીઝનમાં શિયાળામાં ઘઉં, જીરૂ, અજમા જેવા પાકોનું વાવેતર કરીને તેનું રખોપું કરવા રાત-દિવસના ઉજાગરા ખેડૂતોને કરવા પડે છે આ વર્ષે કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધવાના કારણે પાકને મોટીનુકસાની થયેલ છે તેમજ શરૂઆતમાં ત્રુટક-ત્રુટક વરસાદ થવાના કારણે ખેડૂતોને ત્રણ વખત વાવણી કરવી પડી હતી અને ખેડૂતોને કપાસમાં મોટી નુકસાની હોવા છતાં પૂરતો ભાવ મળતો નથી. પાકવિમા માટે ફરજીયાત પ્રીમીયમ ખેડૂતને ન હોવું જોઇએ આ એક ખેડૂતો માટેનો કાળો કાયદો છે તેમ ગામના ખેડૂત ઘનશ્‍યામભાઇએ જણાવેલ. 2012માં નરેન્‍દ્રભાઇ મોદીએ ધિરાણનું વ્‍યાજ માફ કરવા જણાવેલ જે વ્‍યાજ હજુ સુધી માફ કરવામાં આવ્‍યું નથી ખેડૂતોએ નવા વિજકનેકશનો માટે 2013/14માં માંગણી કરવા છતાં હાલમાં 2018નું વર્ષ શરૂ થવામાં છે ત્‍યારે 1પ જેટલા ખેડૂતોને ખીતીવાડીના વિજકનેકશનો હજુ સુધી મળ્‍યા નથી. ગામમાં અને પ્‍લોટમાં 40 ટકા ગટરનું કામ થયેલ છે હજુ 60 ટકા ગટરનું કામ બાકી છે જેના કારણે રોડના કામો પણ હજુ સુધી બાકી રહયા છે. જે કામ થયું છે તે નાણાપંચ અને જિલ્લાઆયોજનમાંથી બનાવવામાં આવેલ છે જયારે ધારાસભ્‍ય કે સાંસદ દ્વારા ગ્રાન્‍ટ ફાળવવામાં આવે તો વિકાસના કામો થઇ શકે વાયરફેન્‍સીંગ માટે 2015માં ખેડૂતોએ ફોર્મ ભરેલ પરંતુ, જૂના ફોર્મ પાસ ન થતા રદ્દ કરવામાં આવેલ અને જેના કારણે ખેડૂતો વાયરફેન્‍સીંગથી વંચિત રહી ગયેલ છે.


અમરેલી માર્કેટયાર્ડ દ્વારા અકસ્‍માત વીમા – શિક્ષણ સહાયના ચેક અર્પણ

અમરેલી,
અમરેલી માર્કેટયાર્ડમાં ચેરમેનશ્રી પી.પી. સોજીત્રા દ્વારા ખેડુતો, વેપારીઓ, મંજુરો, તોલાટ, ગ્રામ્‍ય તેમજ શહેરીજનોને પોતાના પરીવારના સભ્‍ય ગણી અવનવી વિકાસની યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓથી ખેડુતો, વેપારીઓ સર્વેને માર્કેટયાર્ડમાંથી મદદરૂપ થઇ શકાય તેઓ કામગીરી કરી રહ્યા છે.માર્કેટયાર્ડ અમરેલી દ્વારા અમરેલી તાલુકાના અકસ્‍માતને મૃત્‍યુ પામેલા ખેડુતો ખાતેદારોના પરીવારોને વિમા સહાય યોજના તેમજ આર્થિક રીતે નબળા બાળકોને ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે શૈક્ષણીક સહાયોજના અંતર્ગત આજરોજ તા.28-12-17 ના રોજ કુંટુબોને રૂા.50,000 મુજબના ચાર ચેકો અર્પણ કરવામાં આવ્‍યા હતા. તેમજ આર્થીક રીતે નબળી પરીસ્‍થિતીના અને ઉચ્‍ચ ડિગ્રમાં અભ્‍યાસ માટે શૈક્ષણિકસહાયના 31 ચેકો અર્પણ કરવામાં આવ્‍યા હતા.આમ બજાર સમીતિના ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા, વા.ચેરમેન શ્રી કાળુભાઇ ભંડેરી, ડિરેકટરશ્રીઓ મોહનભાઇ નાકરાણી, ધીરૂભાઇ ગઢીયા, ચતુરભાઇ ખુંટ, શંભુભાઇ દેસાઇ, કૌશિકભાઇ વેકરીયા, વિનુભાઇ નાકરાણી જયેશભાઇ નાકરાણી, રમેશભાઇ કોટડીયા, ભુપતભાઇ મેતલીયા, પ્રવિણભાઇ રાણપરીયા વિગેરે ઉપસ્‍થિત રહી ચેકો અર્પણ કરવામાં આવ્‍યા હતા.


ધારાસભ્‍યશ્રી દુધાતનું કુંડલા પંથકના ગામોમાં સ્‍વાગત

અમરેલી,
સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત ધારાસભામાં ચૂંટાયા પછી પ્રથમ વખત જ સાવરકુંડલાના ગામડાઓમાં જતાં ઠેર-ઠેર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વંડા નિલકંઠ મહાદેવ મંદિરે ભરતભાઇ સાટીયા, ભરતભાઇ તળાવિયા, કનુભાઇ ગોલેતરે સ્‍વાગત કર્યુ હતું જયારે ફાચરીયા ગામે બેચરભાઇ રામાણી, શૈલેષભાઇ ગોસ્‍વામી, મનુભાઇ રામાણી તથા ફાચરીયામાં દાનુભાઇ ખુમાણ, બળવંતભાઇ,અમરૂભાઇ ખુમાણ,ઇન્‍દુભાઇ મહારાજ તથા મેકડામાં લાલજી મંદિર ખાતે મહંત શ્રી સેવાદાસબાપુ, ઉપસરપંચ અનિરૂઘ્‍ધભાઇ ધાધલ અને ધોબા ગામે પટેલવાડી ખાતે તથા મોટા ભમોદરામાં નરેશભાઇ ખુમાણ, સરપંચ ધર્મેન્‍દ્રભાઇ, પરેશભાઇ ખુંટ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને આગેવાનો સાથે બેઠકમાં લોકપ્રશ્‍નોની ચર્ચા-વિચારણાઓ કરી હતી અને લોકોની મુશ્‍કેલી નિવારવા ખાત્રી આપી હતી.


બગસરામાં બે દુકાનમાં આગ : સાડા સાત લાખનું નુકસાન

બગસરામાં સ્‍ટેશનરોડ ઉપર આવેલી દરજી અને પાનની દુકાનમાં ઇલેકટ્રીક શોટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠતા રૂપિયા સાડા સાત લાખની નુકસાની થઇ હોવાનું બહાર આવ્‍યું છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, બગસરામાં સ્‍ટેશનરોડ ઉપર પેટ્રોલપંપ પાસેઆવેલી કેતનભાઇ હિંમતભાઇ શિકોતરા રેડ એન્‍ડ ટેઇલર અને તેની બાજુમાં જ આવેલી અશોકપરી શીવપરીની શિવમ પાનમાં આજે વહેલી સવારે સાડા પાંચથી પોણા છ વાગ્‍યાના અરસામાં ઇલેકટ્રીક શોટસર્કિટને કારણે આગ ભભૂકી ઉઠતા ફ્રાયર ફાઇટરને જાણ કરાઇ હતી.
પરંતુ જયારે દોઢેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી ત્‍યાં સુધીમાં રેડ એન્‍ડ ટેઇલરમાંથી સિલાઇ કામના છ કોમ્‍પ્‍યુટરાઇઝ મશીન કિં.રૂા.95000 તથા 30 તૈયાર શુટ, 300 જોડી કપડા, ટેબલ અને પંખો તથા ઇસ્‍ત્રી મળી કુલ રૂા.600000 વસ્‍તુઓ સળગી ગઇ હતી
જયારે, બાજુમાં જ આવેલી શિવમ પાનમાં પણ બે ફ્રિઝ તથા ખાદ્યપદાર્થના પદાર્થો મળી રૂા.દોઢ લાખની વસ્‍તુઓ સળગી ગઇ હોય પોલીસમાં તેની જાણ કરવામાં આવી હતી.


અમરેલી જિલ્લાના ગામડાઓમાં અમુક જ્ઞાતિઓ બિલકુલ ગાયબ થઇ ગઇ

કાઠીયાવાડ માટે અને કાઠીયાવાડના ગ્રામ્‍ય જીવન માટે અનેક કથાઓ, બનાવો આજે પણ લોકોની વાતોમાં છે. કાઠીયાવાડના બળુકા માનવીઓ જેની રખાવટ મહેમાનગતિ અને શુઘ્‍ધ ખાણીપીણી હવે માત્ર વાતોમાં જ રહે તેવું ભવિષ્‍ય દેખાઇ રહયું છે કારણકે આજથી એક પેઢી અગાઉ પહેલાના જમાનામાં અમરેલી જિલ્લાના ગામડાઓમાં અઢારેય વરણના લોકો રહેતા હતાં પણ હવે ગામડાઓમાં અમુક જ્ઞાતિઓનું અસ્‍તિત્‍વ જ નથી રહયું. અમરેલી જિલ્લાના ગામડાઓમાં અમુક જ્ઞાતિઓ બિલકુલ ગાયબ થઇ ગઇ છે.
જે ગામડાઓમાં લુહારની કોઢ હોય, સોનીની દુકાન હોય, મોચીની દુકાન હોય, દરજીની દુકાન હોય, કાપડીયાની દુકાન હોય, ગાંધીની દુકાન હોય, વાણંદની દુકાન તો હોય જ પણ અત્‍યારે 2000ની નીચેની વસ્‍તી ધરાવતા ગામડાઓમાં તો ઠીક પણ તેનાથી વધુ વસ્‍તી ધરાવતા અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી આજે ત્રણ-ચાર જ્ઞાતિઓ તો બિલકુલ રહી જ નથી તે સ્‍થળાંતર કરી ગઇ છે. આજથી પચ્‍ચીસેક વર્ષ પહેલા ગામડામાં ભૂદેવ, વાણીયા, લોહાણા, સોની જેવી જ્ઞાતિઓ રહેતી અને પોતપોતાના વ્‍યવસાય કરતી હતી. પણ 1980ના દાયકામાં સૌરાષ્‍ટ્રમાં બનેલી રાજકીય હત્‍યાઓની ઘટનાઓને કારણેગામડાઓમાં વસતી જનતા પોતાનું અસલામત ગણવા લાગી હતી અને ત્‍યારથી ગામડાઓ છોડી શહેરમાં જવાનું શરૂ થઇ ગયું હતું આમ તો જો કે તેની શરૂઆત 1970ના દાયકામાં સુરત જવા માટેથી થઇ ગઇ હતી.
ગામડાઓમાં યુવાનોને રોજગારીનો પહેલો પ્રશ્‍ન ઉભો થયો હતો કારણકે એક ખેડૂતની 100 વિઘા જમીન હોય અને ત્રણ દિકરા થાય તો 30-30 વિઘાના ટુકડા થાય અને તેને પણ બે-બે દિકરા થાય તો એ 15-15 વિઘા થઇ જાય જેના કારણે આવક ઘટતી જાય આ માટે ખેડૂતે ખેતીના વિકલ્‍પમાં હિરો પસંદ કર્યો સુરત ખેડયું, અમદાવાદ ખેડયું અને ગામડાઓમાંથી પહેલા તબક્કે સાહસીક યુવાનો બહાર નીકળ્‍યાં. આમ છતાં એ સમયે ગામડામાં દરેક વરણના લોકો અને વ્‍યવસાયો હતાં પણ કાળક્નમે થઇ રહેલા શહેરીકરણે ગામડાઓને ભાંગી નાંખ્‍યા હતાં.
આમ છતાં અમરેલીનું વડેરા છે તો ત્‍યાં આજે લોહાણા, સોની જેવી જ્ઞાતિઓનો વ્‍યવસાય છે પણ એમનું બીજું ઘર શહેરમાં હોય આમ અમુક-અમુક ગામડાઓમાં તો પોતાના વ્‍યવસાય ચાલુ રાખી અને રહેવાનું વેપારીઓએ શહેરમાં કરી નાંખ્‍યુ છે. ગામડાઓનો આધાર ગણાતા પટેલ સમાજના તેજસ્‍વી સંતાનો હવે શહેરોમાં છે ગામડાઓમાં ત્રણ હજાર રૂપિયા એક વિઘાના ફાર્મે જમીન વાવી દેવા માટે આપી દેવામાંઆવે છે એક અંદાજ મુજબ અમરેલી જિલ્લાના ગામડાઓમાં અત્‍યારે ખેતીનું કામ સંભાળતા હોય તેવા દાહોદ-ગોધરા અને મઘ્‍યપ્રદેશના ચાર લાખથી વધારે લોકો છે. જેના કારણે કાઠીયાવાડના ગામડાનું ગામડાપણુ ં તેની અસલ લિજજત અને લહેકો રહયા નથી.અમરેલી જિલ્લાના મોટાભાગના ગામડાઓની હાલત અત્‍યારે એવી છે કે, દર વર્ષે ગામડામાં 10 ડેલીએ તાળા લાગે છે કારણકે વડીલો ગામડામાં રહેતા હોય અને સંતાનો શહેરોમાં રહેતા હોય ઘરમાં બે જ વ્‍યક્‍તિઓ રહેતી હોય તેમાં એકનું મૃત્‍યુ થાય એટલે ડેલીએ તાળું લાગી જાય છે જેના કારણે આજથી 25 વર્ષ પહેલા ધમધમતા ગામડાઓમાં આજે સુનકાર વ્‍યાપી ગયો છે. પહેલા ગામડામાં એવી ગોઠવણ હતી કે ખેડૂત ખેતી કરે,ક્ષત્રિય ગામનું રક્ષણ કરે, વાણીયા-વેપારી વેપાર કરે અને ગામડું લીલા લેર કરે પણ આ સમાજ વ્‍યવસ્‍થાનું વર્તુળ વિખાઇ ગયું છે. અમુક ગામડાઓમાં દાદાગીરીઓના કારણે ગામડાઓ ખાલી થયા નાના ગામમાં રોજ ઉઠીને માથાકુટ કરવી તેના કરતાં ગામ છોડી શહેરમાં જવું સારૂં તેવા કારણે સૌથી વધુ ગામડાઓ ખાલી થયા છે અને હવે પરિસ્‍થિત એવી ઉભી થઇ છે કે, ગામડાઓમાં માથાકુટ કરવા માટે માણસો મળતા નથી જેથી તે પણ રાજુલા-ચલાલા-અમરેલી જેવા શહેરો તરફ વળ્‍યાંછે.
પહેલાના જમાનામાં ગામડાઓમાં લાઇટ ન હતી, પાણીના ટેન્‍કર દોડાવવા પડતા હતાં, રસ્‍તાઓ ખરાબ હતાં આમ છતાં ગામડાઓ સમુઘ્‍ધ હતાં. પણ રોજગારી અને સુરક્ષાના અભાવે ગામડાઓ ભાંગ્‍યા છે દેશનું અને ગુજરાત તથા અમરેલી જિલ્લાનું અર્થતંત્ર આજે પણ ગામડાઓ અને ગામડાઓની ખેતી આધારિત છે ત્‍યારે ગામડું ભાંગ્‍યુ છે અને ગામડાની ખેતી પણ હવે ભાંગે તેનો કમ્‍જો પટેલ, આહિર, દરબાર, કોળી કે દલિતને બદલે બહારથી આવનારી પ્રજા પાસે ચાલ્‍યો જાય અને ગામને સીમાડે એ રામ-રામ ના લહેકાને બદલે બીજું કંઇક સાંભળવા મળે તો નવાઇ નહિં પામતા. કારણકે અત્‍યારે ગામડાઓના ચોરામાં સાંજના આરતી વખતે મશીનો મુકાઇ ગયા છે 10 ગામડામાંથીને એક ગામડામાં જ આરતી વખતે બાળકો હાજર રહે છે. અમરેલી જિલ્લાઓના ગામડાઓની સંસ્‍કૃતિને અનેક સમસ્‍યાઓ ખતમ કરી રહી છે તે પણ કડવી વાસ્‍તવિક્‍તા છે.


30-12-2017

thumbnail of 31-12-17