Main Menu

Tuesday, March 13th, 2018

 

UP જેલોમાં મળી રહી છે એઈડ્સની સજા? ભયજનક રીતે HIV પોઝીટીવ કેદીઓની સંખ્યામાં વધારો

યુપીની જેલમાં HIV ગ્રસ્ત કેદીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. ડાસના, મેરઠ અને ગોરખપુર જેલ બાદ હવે મુઝફ્ફરનગરની જેલમાં પણ 6 કેદી HIV પોઝીટીવ મળ્યા છે. જે બાદ સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે. જેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. તે કેદીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. જેલ અધિકારી એ.કે. સક્સેનાએ જણાવ્યુ કે ગત દિવસોમાં જેલમાં બ્લડ ચેકઅપ શિબિર રાખવામાં આવી હતી. જેમાં દરેક કેદીઓ અને બંધકોના બ્લડની તપાસ કરવામાં આવી હતી. જેમાં 6 કેદીઓમાં HIV પોઝિટિવ મળ્યા છે. જે બાદ તેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. સતત આ પ્રકારના સમાચારોથી ગોરખપુર, મેરઠ સહિત પ્રદેશની અડધો ડઝન જેલોના કેદીમાં અત્યારે ડર પેદા થયો છે. કેમ કે એઈડ્સનું જોખમ તેમના ઉપર મોત બનીને ફરી રહ્યુ છે. અગાઉ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં ડાસના જેલના 27 કેદીઓ HIV વાઈરસ ગ્રસ્ત મળ્યા છે. ડૉક્ટરોએ દરેક 5000 કેદીઓ માટે HIV પરીક્ષણનો આદેશ આપ્યો છે. ગત વર્ષે 49 કેદીઓને HIV પોઝીટીવ મળ્યા હતા. ગાઝિયાબાદના મુખ્ય ડૉક્ટર અધિકારી એન.કે.ગુપ્તાએ જણાવ્યુ કે રોગીઓને નિયમિત તપાસ અને દવાઓ મળે છે. તે દરેક 27 કેદીઓને નિયમિત તપાસ અને નિષ્ણાંતો અને નિ:શુલ્ક દવાઓ મળે છે. અમે HIVના લક્ષણો માટે સમય-સમય પર અન્ય કેદીઓની તપાસ પણ કરીએ છીએ.


27 વર્ષની યુવતીને ભગાડનાર 48 વર્ષના આધેડની રોડ પર જ ધોળા દિવસે હત્યા

રાજકોટ તા.13/03/2018

કોઠારીયા રોડ પરના ગોવિંદનગર મેઈન રોડ પર માધવ હોલની પાછળ જૂની સૂર્યોદય સોસાયટી-૫માં રહેતા અને કડિયા કામ કરતા મુકેશ મોહનભાઈ વાળા નામના ૪૮ વર્ષના કડિયા આધેડ ૨૭ વર્ષની કાજલ નામની કોળી યુવતીને ભગાડી જઈ તેની સાથે લીવ ઈન રિલેશનશીપ કરાર કરતા તેનો ખાર રાખી સોમવારે કાજલના પિતરાઈ ભાઈ વિશાલ કાળુભાઈ ચૌહાણે તેની છરીના અડધો ડઝન ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને મોડી રાત્રે ઝડપી લીધો હતો. આ હત્યા બપોરે પોણા ચાર વાગ્યે કેદારનાથના ગેઈટ સામે સરાજાહેર કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો. હત્યાનો ભોગ બનનાર મુકેશભાઈના પત્ની અમિતાબેને (૩૮) ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેના લગ્ન ૨૧ વર્ષ પહેલા થયા હતા. તેના ગર્ભાશયમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. પરિણામે તેને સંતાન પ્રાપ્ત થયું ન હતું. આ બાબતથી ખિન્ન તેનો પતિ મુકેશ અવારનવાર બીજા લગ્ન કરવાની વાત કરતો હતો. ગયા વર્ષે ભાદરવા માસમાં તેના પતિને ઢેબર કોલોનીમાં મુકેશ ચૌહાણનું મકાન પાડીને નવું મકાન બનાવવાનું કામ મળ્યું હતું. આ કામ દરમિયાન મુકેશની પુત્રી કાજલ કે જેની ઉંમર ૨૭ વર્ષ છે તેની સાથે તેના પતિને પરિચય થયા બાદ તેની સાથે લગ્ન કરવાની વાત તેને કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગઈ તા. ૧ માર્ચના રોજ હોળીના દિવસે તેનો પતિ તેને ઢેબર કોલોની લઈ જવા રવાના થયો હતો અને કહ્યું કે કાજલનો ફોન તેની ઉપર આવ્યો છે. તેને તે પોતાની સાથે લઈ જવાના છે. ત્યારબાદ બંને ઢેબર કોલોની પહોંચતા જ કાજલ આવી હતી અને તેણે કહ્યું કે હવે હું તમારી સાથે જ રહેવાની છું. ત્યારબાદ ત્રણેય રાજકોટથી ઉંચાકોટડા,તળાજા સહિતની જગ્યાઓએ દર્શન કરવા ગયા હતા. ગઈ તા. ૬ માર્ચના રોજ તેના પતિએ સાવરકુંડલામાં નોટરી રૃબરૃ કાજલ સાથે લીવ ઈન રિલેશનશીપનો કરાર કર્યો હતો. આ પછી ત્રણેય અલગ-અલગ જગ્યાએ ફર્યા હતા. ગઈ તા. ૧૦મી માર્ચે ત્રણેય સાવરકુંડલા હતા ત્યારે તેના પતિના મોબાઈલ પર ભક્તિનગર પોલીસનો ફોન આવ્યો હતો અને પોલીસે કહ્યું કે કાજલ ઘરેથી જતી રહી છે. તેના ભાઈએ ગુમ થયાની ફરિયાદ કરી છે. જો કાજલ તમારી સાથે હોય તો તમે તેને લઈને આવી જાઓ. આ વાતચીત બાદ ત્રણેય ત્યાંથી રાજકોટ આવવા રવાના થયા હતા. ત્રણેય સીધા ભક્તિનગર પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાં ત્રણેયની પોલીસે પુછપરછ કરી નિવેદનો લીધા હતા. એટલું જ નહીં કાજલના માતા અને ભાઈઓને પણ બોલાવતા બધા આવ્યા હતા અને સમજાવટ કરતા કાજલ તેમની સાથે જવા તૈયાર થઈ હતી. તે અને તેનો પતિ પણ ત્યાંથી નિકળ્યા બાદ તેના પતિને હવે કાજલના ભાઈઓ મારી નાખશે તેવી બીક લાગતા ઘરે જવાને બદલે બહારગામ જતા રહ્યા હતા. ત્યારબાદ આજે સવારે ૧૧ વાગ્યે બંને બહારગામથી પરત ઘરે આવ્યા હતા. ત્યાં બપોરે અઢી-ત્રણેક વાગ્યે કાજલનો કાકાનો પુત્ર વિશાલ ચૌહાણ તેમના ઘરે આવ્યા હતા અને તેના પતિને કહ્યું કે, તમારે મારી બહેનને ભગાડી ન જવાય. આવું ન કરાય તેમ કહી એકાદ કલાક રકઝક કરી હતી. જે વધી જતા અંતે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ તેના પતિ બાઈક પર અને વિશાલ પોતાના એક્ટિવા પર ઘરેથી નિકળ્યા બાદ બંને કોઠારીયા મેઈન રોડ પરના કેદારનાથના ગેઈટ સામે પાનની દુકાન નજીક પહોંચ્યા હતા. ત્યાં વિશાલે ફરીથી ઝઘડો શરૃ કર્યો હતો. લગભગ ૧૫ મિનિટ સુધી બોલાચાલી થયા બાદ અચાનક વિશાલ છરી કાઢી તેના પતિ મુકેશભાઈ પર તૂટી પડયો હતો અને પેટમાં, પડખામાં, છાતી ઉપર છરીના અડધો ડઝન ઘા ખૂન્નસપૂર્વક ઝીંકી આંતરડા બહાર કાઢી ભાગી ગયો હતો. આ પછી મુકેશભાઈને લોહી નિંગળતી હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં ભક્તિનગરના પી.આઈ. વિરલ ગઢવી, નિલેશ મકવાણા સહિતનો સ્ટાફ ઉપરાંત અધિકારીઓ ઘટનાસ્થળે અને સિવીલે દોડી ગયા હતા અને અમિતાબેનની ફરિયાદ પરથી વિશાલ વિરુદ્ધ ગુનો નોંધી મોડી રાત્રે તેને રૈયા રોડ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે મૃતક તેની બહેનને ભગાડી જતા તેનો ખાર રાખી પતાવી દીધાની કેફિયત આપી હતી.


13-03-2018