Main Menu

Monday, March 19th, 2018

 

અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

રાજુલાના ધારાસભ્યનું સસ્પેન્શન તાત્કાલીક રદ્દ કરવામાં ન આવે તો જલદ આંદોલન કરવાને ચીમકી સાથે અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેક્ટરને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત વિધાનસભામાં તા. ૧૪ના બનેલી ઘટના બાદ રાજુલ-જાફરાબાદા મત વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને ૩ વર્ષ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીને ઉગ્ર વિરોધ દ્રશાવવામાં આવ્યો હતો. સમાજ દ્વારા જણાવાયું છે કે અંબરીશભાઈ પોતાના વિસ્તારના વિકાસના મુદ્દે, ગરીબો, વંચીતો અને પછાત લોકોના વિકાસના મુદ્દે આલની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે જેને પરહિતાર્થે લેવામાં આવેલું પગલુ ગણાવીને તેમના સસ્પેન્શનના નિર્ણયને અન્યાયી ગણાવવામાં આવ્યો હતો. તેમણે સંપૂર્ણ લોકશાહી ઢબે રજૂઆત કરી હોવા છતાં જનતાના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમમસ્ત અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા રાજેલીના ધારાસભ્યના સસ્પેન્શનનો નિર્ણય તાત્કાલીક રદ્દ કરવા માટે માગણી કરવામાં આવી છે અને જો સસ્પેન્શન પાછું લેવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.


હોર્ન વગાડવાની ના પાડનાર યુવાન પર છરી વડે હુમલો

રાજકોટ, તા. 18 માર્ચ

નવલનગર શેરી નંબર ૩માં રહેતા દર્શન સંજયભાઈ ભટ્ટી (ઉ.વ. ૨૧) ઉપર ગઈકાલે રાત્રે સ્વામીનારાયણ ચોકમાં બાલાજી મંદિર પાસે ચાર લુખ્ખાઓએ છરીથી હિચકારો હુમલો કર્યો હતો. તેણે એક આરોપીને પોતાના ઘર પાસે હોર્ન વગાડવાની ના પાડતા તેનો ખાર રાખી તેની ઉપર હુમલો કરાયો હતો. માલવીયાનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓ માટે નજીવી બાબતે છરીથી હુમલા, મારામારી, તોડફોડ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પોલીસનાં ડર વગર લુખ્ખાઓ રોજ પોલીસની જ આબરૃના ધજાગરા ઉડાડી રહ્યા છે છતાં પોલીસ ગમે તે કારણસર કડકાઈ દાખવતી નથી. દર્શન ગઈકાલે રાત્રે તેના ઘર પાસે રહેતો ત્યારે આરોપી સંજય એક્ટિવા પર હોર્ન વગાડતો ત્યાંથી પસાર થતાં તેને ટપાર્યો હતો. પરિણામે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે ગમે તે કારણસર પોતાનું એક્ટિવા ત્યાં મુકી જતો રહ્યો હતો. ત્યારબાદ દર્શનને સ્વામીનારાયણ ચોકમાં બોલાવાયો હતો. જ્યાં ચાર આરોપીઓએ છરી વડે તેની ઉપર હુમલો કરતા ડાબી આંગળીમાં, જમણાં હાથના બાવડામાં ઈજા થઈ હતી. આ ઉપરાંત ગડદા પાટુનો પણ બેફામ માર માર્યો હતો અને તેને ખૂનની ધમકી આપી હતી. તેને બાદમાં સિવિલમાં ખસેડાયો હતો. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ચાર આરોપીઓ કાનો ડાયાભાઈ ડાવેરા (૨૨) તેના ભાઈ સંજય, રૃપેશ બાબુ સોલંકી (રહે. ત્રણેય નવલનગર) અને કુલદીપ વિનુભાઈ મેસવાણીયા (૨૧, રહે. વિનાયકનગર)ની ધરપકડ કરી હતી. કાનો આ અગાઉ પણ શરીર સંબંધી ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયાનું પોલીસે જણાવ્યું હતું.


જિલ્લામાં દારૃ પકડાવાનો સિલસિલો યથાવત્ : પિયજના બોરકૂવા ઉપરથી ૧૬ લાખનો દારૃ-બિયરનો શિકાર

ગાંધીનગર જિલ્લામાં હાલ પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કલોલ તાલુકાના પિયજ ગામમાં આવેલા બોરકુવાની ઓરડીમાં દરોડો પાડીને વિદેશી દારૃ અને બિયરના ટીન મળી કુલ ૧૯.૫૭ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. આ વિદેશી દારૃનો જથ્થો પ્રતાપજી ગણેશજી મારવાડીનો હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ સાથે અડાલજ અને ચિલોડા પોલીસ દ્વારા પણ વિદેશી દારૃ પકડવામાં આવ્યો છે.    ગાંધીનગર જિલ્લામાં હાલ છેલ્લા અઠવાડીયાથી પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને દેશી વિદેશી દારૃનું વેચાણ અને હેરાફેરી કરતાં લોકોને પકડવામાં આવી રહયા છે. ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ટી.આર.ભટ્ટે સ્ટાફના માણસોને સતત એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી વિદેશી દારૃ હેરાફેરી કરતાં શખ્સોને પકડવા તાકીદ કરી હતી. જે અંતર્ગત એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો.મનુજી અને દીલીપસિંહને બાતમી મળી હતી કે કલોલ તાલુકાના પીયજ ગામની સીમમાં આવેલા વિક્રમજી ગણેશજી ઠાકોરના બોરકુવા ઉપર વિદેશી દારૃનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ઓરડીમાંથી વિદેશી દારૃ અને બિયરની ૮૫૪૪ બોટલ મળી આવી હતી. જેની કિંમત ૧૬ લાખ જેટલી થવા જાય છે જ્યારે એક કાર અને જીપ સાથે વિક્રમજી ગણેશજી ઠાકોર રહે.પિયજ, અર્જુનસિંહ ભારમલરામ બિસ્નોઈ અને પિયજના લાલાજી ચેલાજી ઠાકોરેને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ ૧૯.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ વિદેશી દારૃનો મુખ્ય સુત્રધાર કલોલનો પ્રતાપજી ગણેશજી મારવાડી હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ વિદેશી દારૃ કયાંથી લવાયો હતો અને કયા લઈ જવાનો હતો તે જાણવા માટે પણ પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ અડાલજ પોલીસ દ્વારા પણ અડાલજ એફસીઆઈના ગોડાઉન પાસેથી ૪૧ નંગ વિદેશી દારૃની બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચિલોડા પોલીસે પણ હિંમતનગર તરફથી આવતી કારમાંથી વિદેશી દારૃની દસ પેટી સાથે ધવલ ખુરાજી સોલંકી અને અમદાવાદના પવન રવિન્દ્રસિંહ તોમરને ૧.૩૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જિલ્લામાં શરૃ થયેલી પ્રોહીબીશન ડ્રાઈવના કારણે બુટલેગરો અને દારૃની હેરાફેરી કરતાં ખેપીયાઓમાં ફફડાટ ફેલાયો છે.