Main Menu

Friday, June 1st, 2018

 

સિંગાપોર મહત્વપૂર્ણ સાથી, ભારતને તેના પર સંપૂર્ણ ભરોસોઃ પી.એમ.મોદી

સિંગાપોર: ત્રણ રાષ્ટ્રના પ્રવાસના આખરી દોરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોર પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદી સિંગાપોરના વડા પ્રધાન લી.એચ. લુંગને મળ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી ત્યાર બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે સિંગાપોર ભારતનો મહત્ત્વપૂર્ણ સાથી છે અને સિંગાપોરની કંપનીઓ પર ભારતને સંપૂર્ણ ભરોસો છે. બંને દેશો સુરક્ષા અને સાયબર સુરક્ષા બાબતે સાથે મળીને કામ કરશે.

અમે બંનેએ મેરીટાઈમ સિક્યોરિટી પર સૈદ્ધાંતિક વિચારોની આપ-લે કરી છે અને રૂલ્સ બેઝ્ડ ઓર્ડર પર પ્રતિબદ્ધતા દાખવી છે. અમે ખુલ્લા, સ્થિર અને યોગ્ય આંતરરાષ્ટ્રીય ટ્રેડ-રિજિમ ટકાવી રાખવા સંમતિ વ્યક્ત કરી છે. પ્રવાસી ભારતીયોએ સંબોધતાં પી.એમ. મોદીએ જણાવ્યું હતું કે સિંગાપોર સાથે અમારા સંબંધો ઉષ્માભર્યા છે. અમે જ્યારે અમારાં દ્વાર દુનિયા માટે ખોલ્યાં અને પૂર્વ તરફ જોયું તો સિંગાપોર ભારત અને આસિયાન વચ્ચે સેતુ બની ગયું.

મોદીએ જણાવ્યું હતું કે અમારા રાજદ્વારી સંબંધોમાં કોઈ તિરાડ નથી કે કોઈ શંકા નથી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પર એક જ અવાજમાં વાત કરે છે. સિંગાપોરના જહાજ અવારનવાર અમારા ત્યાં રોકાય છે. બંને સિંહ (ભારત અને સિંગાપોર) સાથે મળીને ભવિષ્ય તરફ આગળ વધી શકે છે. અમારા સંરક્ષણ સંબંધો વધુ મજબૂત છે અને બંને દેશો સમય સાથે કદમ મિલાવીને આગેકૂચ કરી રહ્યા છે.

આર્થિક સુધારાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે અમારું અર્થતંત્ર હવે સ્થિર થઈ ગયું છે. આર્થિક સુધારા ઝડપથી લાગુ પાડવામાં આવી રહ્યા છે. એક નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.


01-06-2018