Main Menu

Saturday, September 14th, 2019

 

રામોદ નજીકથી કતલખાને ધકેલાતા ત્રણ બળદો ભરેલ યુટીલીટી સાથે એક શખ્સ ઝડપાઇ ગયો

બાબરા,બાબરા તાલુકા સહિત સૌરાષ્ટ્ર માં બિનઅધિકૃત પશુ હેરફેર ના ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલ શખ્સ દ્વારા ગોંડલ તાલુકા માં પોતાના વાહનો સાથે ડેરાતંબુ નાખી અને આર્થિક લાલચ માટે પશુ કતલખાને ધકેલવા ની પ્રવૃતિ કેટલાક સમય થી હાથધરી હોવાની પૂર્વ બાતમી ના કારણે બાબરા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી અમરેલી અને ગોંડલ ગૌ મંડળ ગૌ રક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા છેલ્લા કેટલાક સમયથીપશુ કતલખાને ધકેલનારા લીસ્ટેડ શખ્સ ને પકડી પાડવા ગૌ રક્ષકો દ્વારા કામગીરી હાથ ધરવા માં આવી હતી જે અંતર્ગત બાબરા ગૌરક્ષા માં અવ્વલ કામગીરી કરનાર મૌલિકભાઈ તેરૈયા અને ગજેન્દ્રભાઈ શેખવા અને ગોંડલ ના ગોરધનભાઈ પરવડા ને મળેલી બાતમી ના આધારે ગોંડલ તાલુકા ના રામોદ ગામે રાત્રી ના ત્રણ કલાકે પહોચી હાઇવે ઉપર પસાર થતા યુટીલીટી નંબર જી જે 14 04 એ ટી 4302 રોકવા પ્રયાસ કરતા ચાલક ફિલ્મી ઢબે કાચા રસ્તા ઉપર વાહન સાથે નાસી નાસી જતા તેનો પીછો કરવા માં આવેલો અને વાહન કાદવ માં ખુપી જવાથી બળદ નંગ 3 સાથે બાબરા તાલુકા ના દરેડ ગામનો રમેશ ઉર્ફે ભગત રાણા ગરૈયા આબાદ ઝડપાયો હતો ગૌરક્ષકો દ્વારા તેની સામે ગોંડલ તાલુકા ના કોટડા સાંગાણી પોલીસ મથક માં આપેલી ફરિયાદ માં જણવ્યા મુજબ ઝડપાયેલ શખ્સ સામે અગાઉ બિન અધિકૃત પશુ હેરફેર કરવા ના ગુના સબબ બાબરા,ધોલેરા,વિછીયા પોલીસ મથકો માં ગુના રજીસ્ટર થયેલા છે અને પકડાયેલ પશુ ધન અમદાવાદ તરફ ના કતલખાને ધકેલવામાં આવી રહ્યા હતા પોલીસે 3 જીવ બળદ સહિત યુટીલીટી વાહન મળી રૂપિયા 2,71,000 નો મુદ્દામાલ ઝપ્ત કરી એક ની ધરપકડ કરી આગળ ની તપાસ હાથ ધરી છે


બાબરાના ચમારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓચીંતા મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી ઠૂંમર

બાબરા,હાલ ચોમાસાની સિઝન શરૂ હોય ત્યારે લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં લોકોને પૂરતી આરોગ્ય લક્ષીઓ સેવા બાબતે તેમજ મેડિકલ સાધનોની જાત માહિતી માટે લાઠી વિધાનસભા ના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારોમાં પ્રવાસ કરી તાલુકામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગામડાઓમાં આવેલ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત કરી તબીબો સાધનોનું નિરીક્ષણ કરી તબીબી સ્ટાફ સાથે બેઠક કરી લાઠી વિધાનસભા વિસ્તારમાં થતી આરોગ્ય લક્ષી સેવાઓની માહિતી જાત મેળવી જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ચમારડી ગામમાં આવેલ અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી અહીં આપવામાં આવતી આરોગ્ય લક્ષીસેવાઓ તેમજ ગામડાઓમાં થતી આરોગ્ય લક્ષી સેવાઓની જાત માહિતી ધારાસભ્ય દ્વારા મેળવી જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા તબીબો સાથે બેઠક કરી ચોમાસાની સીઝનમાં લોકોને ઉત્તમ અને સરળતાથી તબીબી સેવાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર ની ચમારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત વેળાએ અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા,તાલુકા પંચાયતના સભ્ય કુલદીપભાઈ બસિયા,,સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા


ચલાલામાં રાતોરાત 250 ઘરની લાઇટો ચાલુ થતા લોકો ખુશ

ચલાલા,ચલાલા પીજીવીસીએલની કામગીરીથી ચલાલા પંથકના લોકોમાન ખુશીનો માહોલ છવાયો છે.અને શહેરીજનો તેઓની કામગીરીની પ્રસંશા થઇ રહી છે.ચલાલામાં તા.10/9ના રાત્રીના 10 વાગ્યે મોચી બજાર પરાશાળા પાસે મોટા ધડાકા સાથે 100 કે.વી.નું ટ્રાન્સફોર્મ બળી જતા ચલાલા વિસ્તારના વોર્ડ નં.3 અને વોર્ડ નં.4 ના અંદાજે 250 ઘરની લાઇટ બંધ થઇ જતા આ વિસ્તારના લોકો રોડ પર આવી ગયા હતા.વરસાદી માહોલ જરમર અને ભારે વરસાદના ઝાપટા અને વિજળીના ધડાકા ભડાકા વચ્ચે ઘરની લાઇટ જતી રહેતા અને માખી,મચ્છર અને જીવાતના ઉપદ્રવના ત્રાસથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.રોડ ઉપર આવેલા લોકો દ્વારા પીજીવીસીએલ ઓફીસે ન.પા.પ્રમુખશ્રી હિમંતભાઇ દોંગા, ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઇ વાળા, મહામંત્રી પ્રકાશભાઇ કારીયા, સુર્યવીરભાઇ વાળા સહિતનાઓ ઉપર લાઇટ સમય મર્યાદામાં ચાલુ કરાવવા માટે રીતસર ફોનનો મારો ચાલુ થઇ જતા અને ફોન પર લાટિ ચાલુ કરાવવા માટે રજુઆતો થતા ઉપરોક્ત તમામ આગેવાનો પીજીવીસીએલના કાર્યદક્ષ અને ફરજનિષ્ઠ ઉજનેર શ્રી પરમારના હેડક્વાટર પહોંચી તેમને જગાડી રજુઆત કરતા.આ રજુઆતની ગંભીરતા સમજી તેમના સ્ટાફને બોલાવી ચર્ચા કરી માર્ગદર્શન અને સુચના આપી.8 કર્મચારીઓને કામે લગાડી સતત ત્રણ કલાકની ભારે જહેમત બાદ રાત્રીના 1:30 કલાકે 250 ઘરે પુન:લાઇટ શરૂ કરાવી અંજવાળા કરતા 250 ઘરના ભાઇઓ બહેનો અને યુવાનો અને બાળકોમાં સંતોષ સાથે આનંદની લાગણી વ્યાપી હતી.ચલાલા પીજીવીસીએલના ઇજનેરશ્રી પરમાર રાતોરાત તેમના કર્મચારીની ટીમને માર્ગદર્શન અને સુચના આપી લાઇટ શરૂ કરાવી દેતા.વોર્ડ નં.3 ના રહીશ દિલીપભાઇ નાગલા, મયુરભાઇ સોની, વિપુલભાઇ કારીયા, દેહાભાઇ વાળા, બાલાભાઇ જેઠવા, રાધ્ોશ્યામભાઇ દેવમુરારી સહિત વોર્ડ નં. 4 ના દિપકભાઇ મકદાણી, હિતેષભાઇ રબારી, રવીરાજભાઇ તલાટીયા, કનુભાઇ ધાધલ, જયેશભાઇ વિઠલાણી, મયુરભાઇ ચૌહાણ, ભરતભાઇ ધાધલ, રામભાઇ ચરખાવાળા, સબીરભાઇ હથીયારી, ગુણાભાઇ મીસ્ત્રી, મુસ્તુફાભાઇ હથીયારી, અલ્તાફભાઇ ભાગવાણી સહિત ભાઇઓ અને બહેનોએ પીજીવીસીએલના કર્મઠ અને ફરજનિષ્ઠ ઇજનેરશ્રી પરમાર અને તેમના કર્મચારીઓને ફોન પર અભિનંદન પાઠવી પ્રસંશા કરી ખુશી વ્યક્ત કરી હતી.રાત્રીના ચાલુ વરસાદે વિજળીના કડાકા ભડાકા વચ્ચે 100 કે.વી.નું ટ્રાન્સમીટર બળી જતા 200 કે.વી.ના ટ્રાન્સમીટરમાં કેબલ જોડી સતત ત્રણ કલાકની મહામહેનત કરી લાઇટ શરૂ કરાવી હતી.
શ્રી પરમારના માર્ગદર્શન અને સુચના મુજબ દિવસની ફરજ બજાવી રાત્રીના ફરજ પર ન હોવા છતા કર્મચારી મહેશભાઇ રાઠોડ, મનાતભાઇ ,નિનામાભાઇ, મનીશભાઇ, મજમુભાઇ, રાહુલભાઇ સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.અવાર નવાર વિજફોલ્ટમાં ઇમરજન્સીમાં કામગીરી કરી શહેરીજનોને વિજ પુરવઠાની સેવા ચાલુ રહે તે પ્રકારની કામગીરીથી લોકોમાં પ્રસંશા થઇ રહી છે.તેમ પાલીકાના પ્રમુખ હિંમતભાઇ દોંગા , ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઇ વાળા, મહામંત્રી પ્રકાશભાઇ કારીયા, શહેર ભાજપ આગેવાન સુર્યવીરભાઇ વાળાની યાદીમાં જણાવાયુ છે.


વડીયામાં રોજડાનું ટોળું ત્રાટકયું ખેડૂતની પાંસળી તોડી

અમરેલી, રોજડા ભેલાણ તો કરી જતા હતા પણ હવે નવો પ્રશ્ર્ન સામે આવ્યો છે વડીયાના દેવળકી ગામે ખેડૂત કિશોરભાઈ ઘૂસાભાઈ પટોળીયા પોતાની વાડીએ કામ કરતા હોય અચાનક રોજડા નું ટોળું 8 થી 10 આવી ચડયું હતુ અને કિશોરભાઈને ચકદી નાખતા આ ખેડૂત ની પાસલી તૂટી જતા ગામના ખેડૂતોએ તેને ગોંડલ ડો. વાઘેલાને ત્યાં સારવારમાં ખસેડેલ છે.


સોમવારથી નવા ટ્રાફીક નિયમોનું કડક પાલન : શ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,અમરેલી રાજયભરમાં સોળમી તારીખે સોમવારથી કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એકટનું પાલન થવાનું છે ત્યારે ત્યારે આજે અમરેલીમાં પત્રકારોને સંબોધતા એસપી શ્રી નિર્લિપ્ત રાયે જણાવેલ કે, સરકાર આવક માટે નહી પણ લોકોની સલામતી માટે નવા ટ્રાફીકના નિયમોનું સખ્તાઇથી પાલન કરાવવાની છે અને અમરેલીમાં સોળમીથી મેગા ટ્રાફીક ઝુંબેશ શરૂ કરાનાર છે. આ માટે શરૂઆત પોલીસ પોતાનાથી કરશે તેમ શ્રી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતુ અને તેમના આદેશ અનુસાર અમરેલીમાં પોલીસ હેડ કર્વાટર ખાતે પોલીસના જ અસંખ્ય વાહનો સામે કાર્યવાહી કરી હતી અને અનેક વાહનો ડીટેઇન કર્યા હતા.
એસપી શ્રી નિર્લિપ્ત રાયે જણાવેલ કે, જયાં પોલીસની હાજરી નહી હોય ત્યા કેમેરા કામ કરશે અને આ મેગા ઝુંબેશની અમલવારી અમરેલી જિલ્લાના ખુણેખુણા સુધી કરવામાં આવશે.
આ ઝુંબેશનો હેતુ સમજાવતા એસપી શ્રી નિર્લિપ્ત રાયે જણાવેલ કે, વાહન અકસ્માતોમાં ખુન કરતા પણ વધારે લોકોના મોત થઇ રહયા છે અમરેલી જિલ્લામાં છેલ્લા આઠ માસમાં ખુનના આઠ બનાવો બન્યા છે પણ વાહન અકસ્માતમાં 75ના લોકોના મોત થયા છે અને 72 જેટલા લોકોના હાથ પગ ભાંગ્યા હોય તે પ્રકારની ગંભીર ઇજાઓ થવા પામી છે. જો સીટ બેલ્ટ અને હેલ્મેટ તથા ટ્રાફીકના કાયદાનું સખત પાલન થાય તો આ બનાવો અટકાવી શકાયા હોત જેથી નાગરિકોને કાયદાનું પાલન કરવા અનુરોધ કરાયો છે.
એસપી શ્રી નિર્લિપ્ત રાયે જણાવેલ કે આ કાયદામાં દંડ કરવાની સતા હેડ કોન્સટેબલ અને તેના ઉપરી અધિકારીને છે ટ્રાફીક બ્રીગેડ કે કોન્ટેબલ કે લોકરક્ષક દળના જવાનને માત્ર આ અંગે વાહનચાલકને સક્ષમ અધિકારી પાસે લઇ જવાની સતા છે. દારૂ પી વાહન ચલાવવામાં થાણા અધિકાારીને લાયસન્સ ડીટેઇન કરવાનો અધિકાર નવા કાયદામાં અપાયો છે અને ધ્ાુમ સ્ટાઇલથી કે વધારે અવાજ કરી કે ચીસો પાડી બાઇક ચલાવનારની સામે પણ સખત પગલાની જોગવાઇ છે જેનો પુરો અમલ થશે.જો એમ્બ્યુલન્સ કે ફાયર જેવા ઇમરજન્સી વાહનોને કોઇ સાઇડ ન આપે તો તેની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાશે.આજ રીતે જરુર વગર હોર્ન વગાડવામાં પણ દંડ થશે તેમ એસપી શ્રી નિર્લિપ્ત રાયે જણાવ્યુ હતુ.


error: Content is protected !!