Main Menu

Wednesday, October 23rd, 2019

 

અમરેલી જિલ્લામાં કૃભકોના 39 ડેલીગેટો બિનહરીફ

અમરેલી,દેશના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી તથા શ્રી પરસોતમભાઇ રૂપાલાના નેતૃત્વમાં તેમની હોમપીચ અમરેલી જિલ્લાએ અનોખી સમરસતાભરી પહેલ કરી છે અમરેલી જિલ્લામાં કૃભકોના 39 ડેલીગેટો બિનહરીફ થયા છે.શ્રી દિલીપ સંઘાણી તથા શ્રી પરસોતમભાઇ રૂપાલાના માર્ગદશર્ન હેઠળ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા, જિલ્લા બેન્કના વાઇસ ચેરમેન શ્રી અરૂણ પટેલ, જિલ્લા સંઘના પ્રમુખ શ્રી જયંતીભાઇ પાનસુરીયાની ટીમે અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રે સમરસતા લાવી દીધી હતી ગઇ કાલે શ્રી અરૂણ પટેલ જિલ્લા મથકના ડેલીગેટ તરીકે ચૂંટાયા પછી આજે તાલુકા મથકોના ડેલીગેટોની ચૂંટણી થઇ હતી.જેમા જિલ્લામાંથી તમામ 38 ડેલીગેટો બીનહરીફ થયા હતા.


રાજુલામાં ખેતીવાડી કનેકશનમાં ખોડીયાર ફીડરમાંથી કાયમી ફોલ્ટમાં રહેતા આવેદન પત્ર પાઠવાયુ

રાજુલા, રાજુલા તાલુકાના ખેડુત ભાઇઓને રાજુલામાં આવેલ ખેતીવાડી વિજ કનેકશન ખોડીયાર ફીડર કાયમી ફોલ્ટમાં રહેતા છેલ્લા એક મહિનાથી ખેડુતોને નિયમસર વિજળી મળતી નથી. આ ફીડર નીચે 375 જેટલા કનેકશન છે. લાઇન ખુબજ લાંબી છે. તેથી આ લાઇનમાં બે ફીડર કરવાની ખેડુતોએ લેખીતમાં રજુઆત કરેલ છે. પરંતુ આદિશામાં કોઇ કાર્યવાહી કરેલ નથી. લાઇન લાંબી હોવાના કારણે ફોલ્ટ શોધવામાં પણ હેલ્પરને બે દિવસ લાગે છે. ખોડીયાર ફીડર શરૂ રહેતુ નથી. અને કાયમી ફોલ્ટ માં રહેતા ખેડુતોને સિંચાઇ માટે કુવામાં પાણી હોવા છતા વિજળીના વાંકે સિંચાઇ કરી શકતા નથી. આ બાબતે તાલુકાના ખેડુતો દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ સબ ડીવીઝન રાજુલાને આ બાબતે આવેદન પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે.


રાજુલાના વાવેરા રોડ ઉપર બે બાઈક અથડાતા બેના મોત, બેને ગંભીર ઇજા

રાજુલા, રાજુલા ના વાવેરા રોડ પર મોડી રાતે ચાંદલીયા ડુંગર નજીક 2 બાઇકો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો છે વિગતો એવા પ્રકાર ની મળી રહી છે 2 લોકો ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જેમા કાળુભાઇ કાનાભાઈ સોલંકી ઉંમર 22 રે દેવકા,અને સંજયભાઈ ગોવીદભાઈ મકવાણા 23 રે રાજુલા આ બંને ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને આ ઘટના મા અતિ ગંભીર રીતે ઇજા પામેલા કેલાસબેન કાનાભાઈ ઉંમર 18 રે દેવકા અને સોહિલ મહંમદ બેલીમ 22 રે રાજુલા આ બંને ને ગંભીર ઇજા ઓ થઈ હતી જેને લઈ ને તાત્કાલિક બને ઇજાગ્રસ્થ ને ભાવનગર હોસ્પિટલ ખસેડયા હતા જોકે ઘટના ની જાણ થતાં પ્રથમ 108 ની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પોહચી ઇજાગ્રસ્ત ને રાજુલા હોસ્પિટલ પોહચાડ્યા હતા અને સેવાભાવી સંસ્થા ની એમ્બ્યુલન્સ ચાલક યોગેશભાઈ કાનાબાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી જય મૃતકો ની લાશ રાજુલા હોસ્પિટલ ખસેડી હતી જોકે ત્યાર બાદ સમાચાર વાયુવેગ પ્રસરી જતા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર પણ અહીં દોડી આવ્યા હતા અને શહેર ના કેટલાક યુવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા જોકે દિવાળી જેવા તહેવાર સમયે આ પ્રકાર નો ગંભીર અકસ્માત સર્જાતા ભારે ગમગીની ભર્યો માહોલ ઉભો થયો હતો.


અમરેલી શહેર અને જિલ્લામાં બેંકોના કર્મચારીઓની હડતાલ

અમરેલી,ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોશીએશનના આદેશ મુજબ અમરેલી શહેર અને જિલ્લામાં રાષ્ટ્રીય કૃત બેંકોના કર્મચારીઓ આજ રોજ તા. 22/10 મંગળવારનાં હડતાલ પર જતા દિવાળી ટાંણે કરોડો રૂપિયાનો વ્યવહાર ઠપ્પ થયો હતો. અમરેલી જિલ્લામાં સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, યુકો બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, સિન્ડીકેટ બેંક, આંઘ્ર બેંક, અલ્હાબાદ બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, વિજીયા બેંક સહિત 17 જેટલી બેંકોનાં 450 થી 500 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાતા. બેંકોનો વ્યવહાર ઠપ્પ થતા લોકો દિવાળી ટાંણે નાણાંની જરૂરીયાત સમયે પરેશાનીમાં મુકાયા હતાં. અમરેલી લાઠી રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડાની શાખાએ જુદી જુદી બેંકોના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોનાં સરકારનાં મર્જરના વિરોધમાં, એન.પી.એ. રીકવરી માંગણી માટે, ગ્રાહકોનાં ખાતામાં ઉધારવામાં આવતા સર્વિસ ચાર્જ ઘટાડવા, ડીપોઝીટ પર લોકોને અપાતા વ્યાજમાં વધારો કરવા બેંકોમાં પુરતા સ્ટાફની ભરતી કરવાની માંગ સાથે બેંકના કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતાં.


અમરેલીમાં એક સામ શહિદો કે નામ લાગણીઓનો લોકડાયરો યોજાયો

અમરેલી,અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત પોલીસ શહિદદિન નિમિતે સોમવારના રાત્રીના 8:30 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં. એક સામ વીર શહીદો કે નામ લાગણીઓનો લોક ડાયરો યોજાયો હતો. જેમાં ખ્યાતનામ સાહિત્યકાર માયાભાઇ આહીર, નામાંકિત ભજનીક કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ દ્વારા ડાયરામાં લોકોને ડોલાવ્યા હતાં અને જમાવટ કરી હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાનાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા, સાંસદ નારણભાઇ કાછડીયા, ગુજકોમાસોલના ચેરમેને દિલિપભાઇ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, કૌશીકભાઇ વેકરીયા, ડો.ભરતભાઇ કાનાબાર, જીતુભાઇ ડેર, ડો. જી.જે.ગજેરા, જીતુભાઇ ગોળવાળા, આઇ.જી. અશોકકુમાર યાદવ, એસ.પી.નિર્લિપ્ત રાય, એ.એસ.પી.પ્રમેસુખ ડેલુ, જિલ્લા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરી જનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. મોડી રાત સુધી કલાકારોએ ડાયરામાં જમાવટ કરતા લોકો જુમી ઉઠયા હતાં. કિર્તિદાન ગઢવીએ શહિદો માટે ગીત રજુ કરતા આમ જનતાએ મોબાઇલની લાઇટ ચાલુ કરી શહિદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.


અમરેલી જિલ્લામાં ખેતીપાકમાં પારાવાર નુકસાની વેરતું માવઠું

અમરેલી,ઓણ સારો વરસાદ પડતા માંડવીનો પાક સારો થયો હતો અને ભાવ સારા શરૂ થયા હતા તેવા સમયે જિલ્લાના અમુક વિસ્તારોમાં કુદરતે આપી અને પાછુ છીનવી લીધ્ાું હોય તેવી સ્થિતિ માવઠાએ સર્જી છે. ચોમાસાનીે સતાવાર વિદાય પછી મંગળવારે પડેલા માવઠાને કારણે ખેતીપાકોમાં પારાવાર નુકસાન થયુ હોવાના અહેવાલો મળી રહયા છે.અમરેલી જિલ્લામાં ખેતીપાકની મૌસમમાં ખેતરોમાં પાક તૈયાર કરી અને ઘરભેગો કરવામાં જે સમયસર હતા તેને સોના જેવું ઉત્પાદન થયું છે અને જે મોડા પડયા તેને નુકસાની ગઇ છે. અમરેલી જિલ્લામાં ખેતીપાકમાં માવઠાને કારણે પારાવાર નુકસાની થઇ હોવાના સમાચાર મળી રહયા છે માવઠાને કારણે અમરેલી શહેરમાં રોડ ઉપર પાણી વહી ગયા હતા જયારે જિલ્લાના સાવરકુંડલા, ખાંભા,ધારી, લીલીયા પંથકમાં વરસાદને કારણે ખેતીપાકોને ગંભીર નુકસાન ગયું છે શીંગ વરસાદમાં પલળી જવાને કારણે કાળી થવાની શકયતા છે જયારે માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં રહેલ માંડવી, ખેતરોમાં રહેલા પાથરાઓ પલળી ગયા હોવાને કારણે ઢોરનો પાલો બગડયો છે તથા આ માવઠાને કારણે કપાસ લાલ થઇ જવાની દહેશત સેવાઇ રહી છે. અમરેલી જિલ્લા ફલ્ડ કંટ્રોલમાં નોંધાયેલા વરસાદના આંકડાઓમાં આજે સવારનાં 6 થી 4 સુધીમાં અમરેલી- 18 મી.મી., સાવરકુંડલા-22મી.મી., ખાંભા -11 મી.મી., ધારી -5 મી.મી., અને લીલીયા-4મી.મી. વરસાદ નોંધાયો હતો. હજુ પણ આકાશમાં વાદળાઓ ઘેરાયેલા રહેતા હજુ પણ વધ્ાુ વરસાદ પડવાની શકયતા રહી છે.


error: Content is protected !!