Main Menu

Monday, May 11th, 2020

 

મહેસાણામાં શ્રમિક વૃદ્ધાએ પોલીસને આંખમાં આંસુ સાથે કહ્યું કે સાહેબ, 4 ફૂડ પેકેટ વધુ મળી શકે ?

અમરેલી,
નોવેલ કોરોના વાઇરસ કોવિડ 19 થી ફેલાયેલ બીમારીને વૈશ્વિક સંસ્થાએ મહામારી જાહેર કરી છે જેના કારણે દેશમાં જુદા જુદા તબક્કાનું લોક ડાઉન અમલમાં છે.આ લોક ડાઉનમાં રોજ કમાઈને રોજ ખાનારાઓ ટકી રહયા છે તેનું એક કારણ માનવતા ના નાતે લોકો એક બીજાને જે મદદ કરે છે તે પણ છે.આવીજ એક ઘટના મહેસાણામાં બનવા પામેલ છે,જેની હકીકતો જોતા હૃદય કંપી ઉઠે.
લોક ડાઉનમાં ગરીબોમાં માટે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સોસીયલ ડિસ્ટનસિંગ સહિત સંપૂર્ણ તકેદારી સાથે બનાવેલા ભોજનના ફૂડ પેકેટ બનાવી ગરીબો સુધી પહોંચાડવામાં આવે છે.આજે વૈશાખી ભર બપોરે કોરોના મહામારી એ આણેલા લોક ડાઉનમાં ગરીબો માટે મહેસાણા જિલ્લા ટ્રાફિક પોલીસના સબ ઇન્સ્પેકટર શ્રી મનોજ એન.રાઠોડ નામના અધિકારી ફૂડ પેકેટનું વિતરણ કરતા કરતા મહેસાણા વિસનગર રોડ ઉપર ગયેલા જ્યાં સામાન્ય ઝાડી જેવા વિસ્તારમાં એક વૃદ્ધ માજી નજરે ચડતા શ્રી મનોજ રાઠોડ પી.એસ.આઈ.દ્વારા તેઓને એક ફૂડ પેકેટ આપ્યું હતું.રાજસ્થાનથી મજૂરી માટે આવેલા આ ગરીબ પરિવારે સપ્તાહમાં કેટલાક દિવસ જમવાનું ન મળવાના કારણે ભૂખ્યો પણ રહે છે.વૃદ્ધ માજીયે ફૂડ પેકેટ લીધા બાદ પોલીસ અધિકારી રાઠોડને જે કહ્યું તેનાથી પોલીસ અધિકારી ગમગીન થઈ ગયા, વૃદ્ધ માતા એ કહ્યું સાહેબ 4 પેકેટ બીજા આપોને.મનોજ રાઠોડે કહ્યું કે કેમ ઘરમાં કેટલા લોકો છો ? સામે માજીયે કહ્યું કે આમ તો અમે 5 લોકો છીએ પણ ઘરે ખાવાનું કાઈજ નથી અને દીકરીને ડિલિવરી થઈ છે.ત્યાર બાદ મનોજ રાઠોડ રૂબરૂ માજીના ઘરે જઈ જરુંર મુજબ ફૂડ પેકેટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,લોક ડાઉનમાં ગરીબોને ભોજન મળે છે તેનું એક કારણ આવા અધિકારી અને સામાજિક કેવા સેવા કરતા લોકો પણ છે.જો કે વાત આટલેથી અટકતી નથી, મનોજ રાઠોડ ઘરે ગયા બાદ આ પરિવારની આપવીતી સાંભડયા બાદ સુઈ શક્યા નોહતા અને આખી વાત પોતાની પત્ની ને કરી હતી, ત્યાર બાદ સવારે પોતાની પત્નીને સાથે લઈને મનોજ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર ફરી વૃદ્ધ માતાના ઘરે પહોંચ્યા હતા મનોજ રાઠોડે આ પ્રસુતિ થયેલ દીકરી માટે ઘી,ગોળ,ગુંદ,સૂકો મેવો,ઓ.આર.એસ. સહિત જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ જેમાંથી બેન ને પૌષ્ટિક આહાર મળી રહે તેવી ચીજ વસ્તુઓ આપી આવ્યા હતા અને પોતાનો મોબાઈલ નંબર આપી કહ્યું હતું કે ગમે ત્યારે કોઈ તકલીફ કે કોઈ પણ જરૂર લાગે તો સંપર્ક કરવા જણાવેલ હતું,રાઠોડ દ્વારા આપેલ વસ્તુઓ થી પ્રસુતિ પામેલ બેન અને વૃદ્ધ માતા બંને ગદગદ થઈ ગયેલા.લોક ડાઉનમાં ઉત્તમ સેવા આપતા મહેસાણા જિલ્લા પોલીસે આવા અનેક ગરીબો ને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ આપી માનવ અસ્તિત્વને ટકાવી રાખવા મથામણ કરી છે.


ધારીમાં વિવિધ કાર્યકારી મંડળી દ્વારા 4 હજાર ગુણી ચણાની ખરીદી

અમરેલી,સરકાર દ્વારા ગુજકોમાસોલ દ્વારા ધારી વિવિધ કાર્યકારી સહકારી મંડળી મારફત ટેકાના ભાવથી ચણાની ખરીદીનો નિર્ણય લેવાતા ધારી વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા શ્રી રમણીકભાઇ સોજીત્રાના માર્ગદર્શન નીચે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા સંગીન વ્યવસ્થા કરવામાં આવી છે. ધારી તાલુકામાંથી ટેકાના ભાવે ચણા વેચવા માટે 2360 અરજીઓ ઓનલાઇન આવી હતી. તે પૈકી 4 હજાર ગુણી ચણાની ખરીદી ચાલુ છે ધારી વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ચણાની ખરીદી માટે ખેડુતોને મુશ્કેલી ન પડે તે માટે 5 કાંટા શરૂ કરવામાં આવ્યા છે જેથી ઝડપથી ચણાની ખરીદી થઇ શકે તેમજ ધારી વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ચેરમેન શ્રી રમણીકભાઇ સોજીત્રાના નેતૃત્વમાં એક ટીમ જેમાં કનુભાઇ નશીત, ઘનશ્યામભાઇ રૂડાણી, સુરેશભાઇ, મહેન્દ્રભાઇ બોઘરા, દિશાંત સોજીત્રા, વિપુલ સોજીત્રા, અશ્ર્વિનભાઇ ગજેરા, માધવજીભાઇ દુધાત સહિતની ટીમ સતત ખડેપગે રહે છે 1975 મણ ખરીદી થતાં ટેકાના ભાવને કારણે ગુજકોમાસોલ દ્વારા ખેડુતોને રોજના રૂા.10 લાખનો ફાયદો થાય છે. ધારી વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ટીમ સાથે ગુજકોમાસોલના પ્રતિનીધી તરીકે શ્રી અકબરી અને તેનો સ્ટાફ પણ સેવા આપી રહયાં છે. સહકારી આગેવાન અને જિલ્લા બેંકનાં ડાયરેક્ટર શ્રી બી.એલ.હિરપરાએ પણ ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો. ટેકાના ભાવે ખરીદીમાં ખેડુતો ચણા સાફ કરીને લાવે છે એટલે રીજેકટ થવાનો કોઇ પ્રશ્ર્ન જ રહેતો નથી મંડળી દ્વારા ખરીદી માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી ખેડુતો પણ ખુશ છે તેમ રમણીકભાઇ સોજીત્રાએ જણાવ્યુ છે.


ચાવંડ ચેકપોસ્ટે અમર ડેરી દ્વારા 10 હજાર છાશનાં પાઉંચનું વિતરણ

અમરેલી,
કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા નાફસ્કોબ ના ચેરમેન સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન તેમજ સૂચનાથી નારણભાઈ કાછડીયા અશ્વિનભાઇ સાવલીયા કૌશિક ભાઈ વેકરીયા, જીતુભાઈ ડેર તેમજ ટીમ સહકાર અને ટીમ સંગઠન ની આગેવાનીમાં વતનમાં પરત ફરતા લોકો માટે છાશ પાણી નાસ્તાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં કોરોના કોવિડ 19 ની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સુરત અમદાવાદમાં વસતા લોકોને વતનમાં આવવાની પરવાનગી મળતા બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો તેમજ અમરેલી જિલ્લાના લોકો પરત આવી રહ્યા છે ત્યારે જિલ્લાના પનોતા પુત્ર કેન્દ્રના કૃષિ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા તેમજ નાફસ્કોબ ના ચેરમેન સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન અને સૂચના થી વતનમાં પરત આવતા લોકોને જરૂરી સુવિધા અને વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચાવંડ પોસ્ટ પર જિલ્લામાં પ્રવેશ કરતી તમામ બસના પ્રવાસીઓનું સ્કેનિગ કરવામાં આવે છે ત્યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક ભાઈ વેકરીયા, જીતુભાઈ ડેર, ભાવનાબેન ગોંડલીયા, ભુપેન્દ્રભાઈ બસિયા, તુષારભાઈ જોશી, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, રાજુભાઈ માંગરોળીયા ની આગેવાનીમાં સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં ધોમધખતા તાપમાં અમીના ઓડકાર જેવી તાજી ઠંડી છાશ અમર ડેરીના માધ્યમથી 10000 પાઉચ વિતરણ કરવામાં આવ્યા હતા, સ્થાનિક આગેવાનો આહિર સમાજના પ્રમુખ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતુભાઈ ડેર ભાજપ અગ્રણી ભરતભાઈ પાડા, કાળુભાઈ સાવલિયા દ્વારા ચા પાણી થેપલા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ ઉપરાંતઅમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક ભાઈ વેકરીયા તુષારભાઈ જોશી ,ઘનશ્યામભાઈ ત્રાપસીયા વિશ્વ હિન્દુ પરિષદના હસુભાઈ દુધાત ,ભરતભાઈ કાનાણી વેપારીના મહા મંડળ,મેહુલભાઈ ધોરાજીયા, મનીષભાઈ ધરજીયા તમે વિવિધ આગેવાનો દ્વારા પાણી તેમજ બિસ્કિટ્સ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.બાબરા થી ભુપેન્દ્રભાઈ બસિયા ,જગદીશ ભાઈ નાકરાણી બાબરા તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ તેમજ ટીમ સંગઠન દ્વારા ઠંડા પાણીના કેરબા ની સેવા પૂરી પાડવામાં આવી હતી.
તેમજ આરએસએસ દ્વારા તમામ પ્રવાસીઓ માટે પુલાવ તેમજ સુંદર છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સેવાકીય પ્રવ્રૂતિ બાદ વતનમાં પરત આવતા તમામ લોકોને સુરક્ષિત સેવા સામાજિક અંતર જાળવવા માસ્ક બાંધવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી અને બધીજ વ્યવસ્થાઓ નુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીમ સંગઠન ટીમ સહકાર આગેવાનો ના માર્ગદર્શન હેઠળ આ ઉપરાંત મયુરભાઈ હિરપરા ,મગનભાઈ ,ભરતભાઈ સુતરીયા ,ડેની રામાણી ,ચંદુભાઈ રામાણી ,કિરીટભાઈ વામજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


ધારીમાં ક્વોરન્ટાઇન સેન્ટરમાં રસોડુ સંભાળી લેતું સેવાભાવી બજરંગ ગૃપ

ધારી,ગુજરાતમાં લોકડાઉન શરૂ થયુ ત્યારથી જ માનવસેવા એ જ પ્રભુસેવાના સુત્રને સાચા અર્થમાં સાર્થક કરવા બજરંગ ગૃપ ધારી પંથકમાં ભારે લોકપ્રિય બનેલ છે.
લોકડાઉન શરૂ થયુ ત્યારથી આજ સુધી બજરંગ ગૃપ દ્વારા શેલ્ટર હોમમાં બપોરે અને સાંજે બંને ટાઇમ રસોડુ શરૂ કરી બપોરે 500 અને રાત્રે 500 ઉપરાંતના લોકોને ભોજન પીરસી સેવા આપવામાં આવે છે ઉપરાંત સેલ્ટર હોમમાં લોકોને ભોજન સહિતની સેવાઓ અપાય છે.
એટલુ જ નહી બજરંગ ગૃપ દ્વારા આજ સુધીમાં ગામડે ગામડે જઇને 2 હજાર ઉપરાંતની કીટોનું વિતરણ કરવામાં આવ્યુ છે. અનેક ભુખ્યાજનોનો જઠરાગ્નિ શાંત કરવા ભોજન ઉપરાંત રાશન સામગ્રી વિતરણ કરી ખરા સમયે બજરંગ ગૃપ મદદરૂપ બનેલ છે તેથી આ પંથકમાં બજરંગ ગૃપ અને તેના સેવાભાવીઓ પરેશભાઇ પટ્ટણી, મનીષભાઇ જોષી, દિનેશભાઇ લુણાગરીયા, શ્રી ગોપાલભાઇ, શ્રી નીમેષ વાળા, શ્રી દુર્ગેશભાઇ સહિત બજરંગ ગૃપના કાર્યકરો સતત સેવામય રહે છે. માત્ર ધારી જ નહી ગામડે ગામડે જઇને લોકોને પડતી મુશ્કેલી અને જોઇતી મદદ માટે બજરંગ ગૃપ હંમેશા તત્પર રહે છે.
આમ ખરા અર્થમાં બજરંગ ગૃપ આ પંથકના લોકોની સેવા કરી રહયુ છે. ત્યારે બજરંગ ગૃપને બિરદાવવુ જ રહયું.


એસપીશ્રી નિર્લિપ્ત રાય ચેકપોસ્ટ અને કવોરન્ટાઇન સેન્ટરોની મુલાકાતે

અમરેલી,
લોકડાઉનનાં આજે 50મો દિવસ પુરો થનાર છે. અમરેલીનાં એસપીશ્રી નિર્લિપ્ત રાય સતત ચેકપોસ્ટ અને ક્વોરન્ટાઇન સેન્ટરોની મુલાકાતો લઇ જરૂરી સુચનાઓ આપી રહ્યાં છે. કોરોના વાયરસથી બચવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને આજે 50મો દિવસ પુરો થશે છેઉલ્લા 49 દિવસથી અમરેલી જિલ્લાના ખુણે ખુણામાં એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા તકેદારી રખાઇ રહી છે ત્યારે આજે જિલ્લાની ચાવંડ અને ભોરીંગડા ચેકપોસ્ટની મુલાકાત તેમણે લીધી હતી.
આ ઉપરાંત સરકાર દ્વારા શરૂ થયેલા કવોરન્ટાઇન સેન્ટરની પણ મુલાકાત લઇ અને લોકોને કવોરન્ટાઇન પાળવા તથા નિયમોનું પાલન કરવા અને જ્યારે ફરજ પરના ડોકટર મેડીકલ તપાસણી કરી રજા આપે ત્યારે જ ઘેર જઇ કોરોનાથી બચવા અને લોકોને બચાવવા સરકારની તમામ ગાઇડલાઇન અને કાયદાનું પાલન કરવા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ લોકોને સુચના આપી અપીલ કરી હતી.


લોકડાઉનના 50માં દિવસમાં પ્રવેશતુ અમરેલી હજુ પણ લીલુછમ્મ

અમરેલી,અમરેલી જિલ્લાના રીયલ હીરો અને જે છેલ્લા કેટલાય સમયથી નિરાતે ઉંઘ્યા નથી તેવા કોરોના વોરીયર્સ કલેકટરશ્રી આયુષ ઓક, એસપીશ્રી નિર્લિપ્ત રાય અને ડીડીઓ શ્રી તેજસ પરમારની અવિરત મહેનત વચ્ચે આજે લોકડાઉનના 50માં દિવસમાં પ્રવેશતુ અમરેલી હજુ પણ લીલુછમ્મ એટલે કે ગ્રીન ઝોનમાં રહયું છે અને તે પોલીસ તંત્રના લોકડાઉનની કડક અમલવારીને કારણે શક્ય બન્યુ છે તેમાં કોઇ શંકા નથી છેલ્લા 5 દિવસથી ગ્રીન ઝોનને કારણે બજારોને અડધા દિવસની મળેલી છુટને કારણે લોકોના વેપાર ધંધાઓ શરૂ થયા છે લોકો નવી રોજગારી શોધવા બહાર નીકળી રહયા છે અને જનજીવન થાળે પડી રહયુ છે પણ આ ત્યાં સુધી જ શક્ય રહેશે જ્યાં સુધી અમરેલીમાં કોરોનાનો કેસ ન આવે અને જે લોકો અમદાવાદ સુરતથી આવ્યા છે તે કવોરન્ટાઇનના અને સામાજિક અંતરનો ચુસ્તપણે પાલન કરે બાકી કોરોના અમરેલી જિલ્લામાંથી પેદા થતો નથી તે આવશે તો બહારથી જ આવશે અને આપણે જ તેમને લાવશું.
બીજી તરફ શનિવારે કોઇ નવરાઓએ સોમવારે બંધ છે તેવી અફવા ફેલાવી હતી આ અંગે અમરેલી વેપારી મંડળના પ્રમુખ શ્રી સંજય વણજારાએ જણાવ્યુ હતુ કે સોમવારે બંધની કોઇ સુચના નથી માત્ર અફવા છે ગ્રીન ઝોનમાં અપાયેલી છુટ વચ્ચે મંગળવારથી ખુલેલા અમરેલી શહેરમાં આજે રવિવારે પણ બેકી સંખ્યાની દુકાનો શરૂ રહેશે.
દરમિયાન અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ છે કે હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોએ આખા કુટુંબે હોમ કવોરન્ટાઇન થવાનુ રહેશે તેમજ સરપંચશ્રીઓએ હોમ કવોરન્ટાઇનનો ચુસ્તપણે અમલ કરાવવાનો રહેશે જે લોકોને તાવ, શરદી કે ઉધરશ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલીક કંટ્રોલ રૂમ ટેલીફોન નં. 02792 228212 ઉપર જાણ કરવાની રહેશે જિલ્લા આરોગ્ય અધિકારીના આ નિર્ણયથી સુરતથી અમરેલી જિલ્લામાં પ્રવેશેલા તમામ લોકોના પરિવારને પણ હવેથી હોમ કવોરન્ટાઇન પાળવુ પડશે સાથે સાથે સરપંચશ્રીએ તેમના ગામમાં અન્ય જિલ્લા તેમજ રાજ્યોમાંથી આવેલ લોકોનું અદ્યતન રજીસ્ટર નીભાવવાનુ રહેશે અને બિનકાયદેસર લોકોની જાણ કરવાની રહેશે.


error: Content is protected !!