Main Menu

સતાધારમાં શ્રી રૂપાલાની ઉપસ્થિતીમાં પુ.જીવરાજબાપુની નિર્વાણ વિધી

જૂનાગઢ જિલ્લાના સતાધાર આપાગીગાની જગ્યા એ આજરોજ સદગત જીવરાજ બાપુની સમાધિનુ સંતો મહંતોની ઉપસ્થિતીમાં પુજન, જારણ વિધિ યોજાઇ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ વિશેષ ઉપસ્થિત રહી જીવરાજબાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે સતાધારએ સૌરાષ્ટ્ર સહિત અનેક તીર્થોમાંનું વિશેષણ સમાન છે.સતાધાર એ તો જાગતુ પીરાણુ છે. અહીં અઢારે આલમ એક પંગતમાં બેસીને ભજન -પ્રસાદ ગ્રહણ કરે એ જ સામાજીક સમરસતા પ્રદિપ કરે છે.
જ્ઞાતિ સમાજ ગરીબ અમીર ના ભેદભાવ ચર્ચાના એરણે છે ત્યારે અહીં બધા એક સમાન બની જાય છે. સદગત પૂજ્ય જીવરાજબાપુ તેમની તપ-ભજન અને સાદગીની મુડી આપણી વચ્ચે મુકતા ગયા છે જેનાં વારસ હવે વિજયબાપ આ પરંપરાને વધુ ઓજસ્વી અને તેજસ્વી બનાવશે.
મંત્રીએ સતાધારમાં તેમનાં શૈષવકાળનાં સ્મરણોને તાજા કરતા જણાવ્યુ હતુ કે આપાગીગાની જગ્યાએ 13 વર્ષની ઉંમરનો પ્રવાસ યાદ કરતા જણાવ્યું હતું કે તે દિવસોમાં હું મારા બાળસખાઓ સંગાથે સતાધાર ત્રણ દિવસ રોકાયો હતો. ત્યારે નીજમંદિરની પાછળની બાજુએ સંતશીરોમણીશ્રી શામજીબાપુ ઓસરીમાં બેઠા હોય, ભાવીક દર્શન કરે, જરૂરિયાતમંદ પરિવાર કે વ્યક્તિ તેમનો છેડો પાથરે ત્યારે આ સંતશિરોમણી તેમની થેલીમાં હાથ નાખીને મુઠ્ઠી ભરીને પ્રસાદી આપતા, જેના ભાગ્યમાં જે હોય તે પ્રાપ્ત થતું. જે હજુ મારા માનસપટ પર દ્રશ્ય અકબંધ છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી રૂપાલાએ ઉપસ્થિત સંતસમુદાય અને ભાવીકોને સંબોધતા ઉમેર્યુ હતુ કે દેશ અને રાષ્ટ્ર પર સંતોની અમીદ્રષ્ટિ કૃપા ખૂબ જ મહત્વ ધરાવે છે. ધર્મની અને અધ્યાત્મની બાબતમાં ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગ્યાઓએ અનોખી કેડી કંડારી છે.
સતાધાર ખાતે સંતશ્રી જીવરાજબાપુની જારણ વિધીમાં સુરેવધામ ચાપરડાનાશ્રી મુકતાનંદ બાપુ, ચલાળાના વલકુબાપુ, તોરણીયાના મહંત રાજેન્દ્રદાસ બાપુ, સિહોરના ઝીણા રામબાપુ, બગસરાના જયરામ બાપુ,પાળીયાદના નિર્મલબા, ચેલૈયા ધામના રામરૂપદાસજી, સ્વામીનારાયણના સંતો, ફતેપુર, બગદાણા, જુનાગઢ સહીત રાજયભરના વિવિધ ધર્માલયોથી સંતો-મહંતો, સેવકો, અગ્રણીઓ સર્વશ્રી, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના મેયરશ્રી ધીરૂભાઈ ગોહેલ, અગ્રણીશ્રી નરેન્દ્રભાઈ સોલંકી,કીરીટભાઇ પટેલ, હરિભાઈ રીબડિયા, રતીભાઈ સાવલિયા, બાબુભાઈ સાવલિયા, ધનશ્યામભાઈ, નરેન્દ્રભાઈ કોટિલા, મનસુખભાઈ ડોબરિયા સહિત ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


error: Content is protected !!