Main Menu

અમરેલી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી

અમરેલી, જિલ્લા વહીવટી તંત્ર તથા અમરેલી નગરપાલિકાના સયુંકત ઉપક્રમે અમરેલી શહેરના સિનિયર સીટીઝન પાર્ક ખાતે 2 જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે વિપુલ પ્રમાણમાં પ્રયત્નો થયા છે. તંત્ર તરફથી થયેલા પ્રયત્નોની સાથે સાથે દરેક નાગરિક જો સ્વચ્છતા બાબતે પોતાની વ્યક્તિગત જવાબદારી સમજીને કાર્ય કરશે તો પૂજ્ય ગાંધી બાપુને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી શકાશે. આ વર્ષે 15 મી ઓગસ્ટે ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર નિયંત્રણ લાવવા અનુરોધ કર્યો છે ત્યારે આપણે સૌ આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈએ અને પૂજ્ય બાપુના સ્વપ્નનો દેશ બનાવવા પ્રયત્નો કરીએ. વધુમાં કલેક્ટરશ્રીએ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા બાબતે થયેલા બદલાવોને બિરદાવતા જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મોટા શહેરો સહીત નાના નાના ગામોમાં પણ ગ્રામજનોએ અંગત જવાબદારી સમજીને સ્વચ્છતા કાર્યને વેગ આપ્યો છે. બહોળી સંખ્યામાં લોકોની સાથે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ વહીવટી તંત્ર સાથે જોડાઈને સ્વચ્છતા બાબતે ઘણું યોગદાન આપે છે.સ્વચ્છતાની સાથે સાથે વૃક્ષારોપણ પણ આવનારી પેઢી માટે ખુબ જ અગત્યનો વિષય છે. સમગ્ર અમરેલી જિલ્લામાં આપણે 1.5 થી 2 લાખ જેટલા નવા વૃક્ષો વાવવામાં સફળ રહ્યા છીએ. દરેક વ્યક્તિ જો પાંચ વૃક્ષો વાવશે તો એ ખરા અર્થમાં સૌથી મોટું દેશભક્તિનું કાર્ય કહી શકાશે. વધુમાં વધુ લોકોને સ્વચ્છતા, વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગના નિયંત્રણ જેવા ભગીરથ કર્યો માં સહભાગી બનવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી જયંતિભાઈ રાણવાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિની સમગ્ર દેશમાં જયારે ઉજવણી થઇ રહી છે ત્યારે આપણે સૌ નાગરિકોએ એમના જીવનમાંથી આદર્શો, વિચારો અને મૂલ્યો સમજીને પ્રેરણા લેવી જોઈએ. એમણે બાપુના સંસ્મરણો તાજા કરી તેમના વિચારો વર્તમાન સમયે પણ યર્થાથ હોવાની વાત વણી લીધી હતી. પ્રમુખશ્રીએ વધુમાં વધુ લોકોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક તથા મહાનુભાવોએ ચિત્ર અને નિબંધ જેવી સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા. તેમણે લીલી ઝંડી ફરકાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતુ. સ્વચ્છતાના સૂત્રો અને ગાંધીજીની સ્મૃત્તિઓ સાથે રેલી ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનો દ્વારા સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મૈં ભી ગાંધી નામનું પોર્ટલ કલેક્ટરશ્રીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈ.ચા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એમ.ડોબરીયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી એ.બી.પાંડોર, પ્રાંત અધિકારીશ્રી ડી. એન. સતાણી, પ્રાંત અધિકારીશ્રી ઓઝા, લાયન્સ ક્લબના સભ્યશ્રીઓ સહિતના જિલ્લા વહિવટી તંત્ર અને નગરપાલીકાના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.


error: Content is protected !!