Main Menu

ધારીમાં દીપડા મુદ્દે ખેડુતોની બેઠક : આવેદન અપાયું

ધારી, ધારીમાં ખેડુતોની બેઠક મળી હતી અને મામલતદાર સમક્ષ આવેદન પત્ર અપાયું હતુ અને દિપડાનાં મુદ્દે મામલતદારને રોષભેર રજુઆત કરાઇ હતી. આ બેઠકમાં તાલુકાનાં તમામ સરપંચો અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતીમાં સરપંચો દ્વારા ઠરાવો કરાયા હતાં. અને તાલુકાભરનાં તમામ સરપંચોએ ઉમટી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. ધારી માર્કેટયાર્ડ ખાતે પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવાના અધ્યક્ષ પદે બેઠક મળી હતી. જેમાં મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતુ. અને ગ્રામસભા બોલાવી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ખેતીવાડી વિસ્તારોમાં નુકશાન કરતા વન્યપ્રાણીઓ જેવા કે રોજભુંડ અને માનવભક્ષી દિપડાઓનો ત્રાસ વધી ગયો છે. એક મહિનામાં 15 જેટલા લોકોનો ભોગ લીધો છે. ખેતી કરવી હવે મુશ્કેલ બની ગઇ છે. જંગલ વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં સિંહ દિપડા કોઇ કારણોસર મરે તો ખેતમજુરો ઉપર ખોટા કેસ કરી હેરાન કરે છે. તેથી ગ્રામસભાએ ઠરાવ કર્યો છે કે માનવભક્ષી દિપડાનાં હુમલાનાં ભોગ બનેલાઓનાં પરિવારને 25 લાખ રૂપિયા અથવા વારસદારને સરકારી નોકરી આપવી તેમજ ઇજાગ્રસ્તને 10 લાખ રૂપિયા તથા ખેડુતોને ખેતીમાં દિવસે થ્રીફેજ વિજળી આપવી અને ખેડુતોને પાક રક્ષણ હથિયારા લાયસન્સ આપવા અને જે હથિયાર લાયસન્સ રદ કરેલ છે તે ફરી રીન્યુ કરવા મુંજીયાસર ચુડાવડ અને બગસરા તાલુકામાં ખેડુતો પર થયેલ કેસો પરત ખેંચવા અને વન વિભાગનાં અધિકારી કચેરીઓની બેદરકારીઓએ તેમની ઉપર એફઆઇઅ કરી ગુન્હો નોંધવો ખેડુતોને પાણીની સ્ટોરેજ માટે આરસીસી ટાંકાની મંજુરી આપવા અગાઉ જીએલડીસીની યોજના હતી તે ફરી શરૂ કરવા અને રાત્રીના સમયે ખેડુતોને થ્રીફેજ વિજળી હોય તો રાત્રે ટાંકા ભરીને સવારે પીયત કરી શકે. ખેડુતોનાં ઉભા પાકને બચાવવા વાયર ફેનસીંગમાં 80 ટકા સબસીડી આપવા અને ખેતીપાકને રાત્રે રક્ષણ કરવા ઉચા મેળા મશાણ આપવા અને માનવભક્ષી દિપડાને ઠાર કરવા મજુંરી આપવા સહિતનાં દસ ઠરાવો ગ્રામસભામાં કરવામાં આવ્યા છે અને સરકાર સમક્ષ પણ રજુઆત કરી હતી. આ બેઠકમાં જિલ્લા સંઘનાં પ્રમુખ જયંતીભાઇ પાનસુરીયા, જી.પ. સદસ્ય ભુપતભાઇ વાળા, પરેશભાઇ પટણી,કાંતીભાઇ રૂડાણી, ખોડાભાઇ ભુવા, વિનુભાઇ કાથરોટીયા, અશ્ર્વીનભાઇ કુંજડીયા, મૃગેશભાઇ કોરાડીયા, કિસાન સંધનાં લાલજીભાઇ વેકરીયા, વાઇસ ચેરમેન સુભાષભાઇ અને ધારી તાલુકાનાં તમામ સરપંચોની ઉપસ્થિતીમાં મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કર્યાનું જણાવ્યું છે. અને તાલુકાનાં દરેક ગામોમાં ગ્રામસભાનો ઠરાવ કરી ધારી માર્કેટ યાર્ડમાં પહોંચાડવા અનુરોધ કર્યો છે.


error: Content is protected !!