Main Menu

સાવરકુંડલા પંથકનાં વ્યાજંકવાદીનાં કબજામાં રહેલી 13 મિલકતો ટાંચમાં લેવડાવતું પોલીસતંત્ર

અમરેલી,જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકળામણના કારણે મજબુરીથી પોતાના સારા નરસા પ્રસંગોએ વ્યાજખોરો પાસેથી ઉચા વ્યાજે નાણા મેળવતા હોય છે. જેનો ફાયદો ઉઠાવી વ્યાજંકવાદીઓ ઉચુ વ્યાજ વસુલતા હોય છે. જો વ્યાજ કે મુદલ ન ચુકવી શકાય તો આવા વ્યક્તિઓની મિલ્કત ગેરકાયદેસર રીતે ડરાવી ધમકાવી પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્ય પ્રજા આવા વ્યાજંકવાદીઓના ત્રાસથી ફરીયાદ કરતા નથી. અને ત્રાસથી બચવા પોતાનું વતન છોડી અન્ય સ્થળે જતા રહેતા હોય છે. આજ પ્રકારે વ્યાજખોરોનો ભોગ બનનાર યોગેશ હિંમતભાઇ ગેડીયા પોતાનું વતન સાવરકુંડલા છોડીને પોતાની બહેનને ત્યાં જતો રહેલ. અને બહેનને પોતાની આપવીતી જણાવેલ. બહેન સરોજબેન હિંમતભાઇ ગેડીયા સાવરકુંડલા વાળાએ હિંમત દાખવી ગત તા.29/9 ના સાવરકુંડલા પોલીસ મથકમાં વ્યાજખોરો જીતુ મનુ વાળા, મનુ ભીમ વાળા રહે. સાવરકુંડલા, રણુ ભીમ વાળા રહે.ખંભાળીયા, જનક ભાભલુ, દાનુ ઉર્ફે ભડીયાવાળા રહે. મઢડા, ઉદય ઓઇલ મીલ પ્રકાશ કાંતિલાલ ગઢીયા, રવજી રામજી ગેડીયા, અમૃત ઉર્ફે અમીત રામજી મોરી રહે. સાવરકુંડલા વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ આ કામના આરોપીઓ નાણા ધિરધાર લાઇસન્સ ધરાવતા ન હોવા છતા પોતાના ભાઇને ઉચા વ્યાજે રૂપીયા આપી વ્યાજ ચુકવેલ છતા અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ કરતા જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા ગુન્હાની ગંભીરતાથી ધ્યાનમાં લઇ વ્યાજંકવાદીઓની ચુંગાલમાંથી નિર્દોષ જનતાને છોડાવવા તપાસ સાવરકુંડલાના પીઆઇ આર.આર.વસાવાને સોપી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી તપાસના કામે જરૂરી મુદાઓ અંગે સઘન તપાસ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જેના આધારે ચોકાવનારી હકીકતો ખુલવા પામી હતી. આરોપી પૈકીના મનુ ભીમ વાળા તેના દિકરાઓ જીતુ મનુ, અજય મનુ અને તોના સાગરીતો રઘુવીર હકુ ખુમાણ તથા અમીત હસુ મહેતાને સાથે રાખી નાણા ધિરધારનું લાઇસન્સ ધરાવતા ન હોવા છતા ઉચા વ્યાજે નાણા આપી કાળી કમાણીમાંથી સ્થાવર અને જંગમ મિલ્કત ઉભી કરેલ છે. વ્યાજ કે મુદલ ન ચુકવી શકે તો તેમની મિલ્કત ગેરકાયદેસર ધાક ધમકીથી પડાવી લેતા હતા. અને પોતાના સાગરીતો રઘુવીર હકુ ખુમાણ તથા અમીત હસુ મહેતાના નામે જમીન, મકાન, પ્લોટના કબ્જા વગેરેના બાનાખત કરાવી લેતા હતા. વ્યાજખોર મનુ ભીમ વાળા તથા તેના દિકરા જીતુ મનુ વાળા તથા અજય મનુ વાળા, મનુ ભીમના પત્નિ વસંતબેનના નામે સાવરકુંડલામાં મકાન તથા મિલ્કત આવેલ છે. અને ધારી તાલુકાના દીતલા ગામે તથા શેલ ખંભાળીયા ગામે ખેતીની જમીન, ફાર્મ, બાગ, બગીચા, આંબા વાડીઓ ધરાવે છે. તેમજ સરકારી પડતર જમીન, ડુંગરાળ જમીન, ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી પેશકદમી કરી ગેરકાયદેસર જમીન વાળી લઇ કબ્જો મેળવી લેતા હતા. આવા સંજોગોમાં જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન તળે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આરોપીઓ અને સાગરીતોની મિલ્કતો અંગે પુરાવાઓ મેળવવામાં આવેલ અને કાળી કમાણીમાંથી સ્થાવર મિલ્કતો મેળવેલ હોવાનું જણાતા પુરતા પુરાવાઓ અને સાધનીક કાગળો મેળવી ઇન્કમટેક્સ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા દરખાસ્ત કરતા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આરોપીઓના અને તેના સાગરીતોના નામે રહેલી 13 સ્થાવર મિલ્કતો ટાંચમાં લેવામાં આવેલ છે. અને અન્ય ગેરકાયદેસર મિલ્કત તથા ગેરકાયદેસર દબાણ તથા પેશકદમી અંગે તપાસની કાર્યવાહી શરૂ છે. આમ વ્યાજંકવાદીઓ વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતા અને પોલીસ અધિક્ષક અમરેલી તરફથી આવા વ્યાજખોરોનો ભય કે ડર રાખ્યા વગર આમ જનતાને આગળ આવી ફરીયાદ કરવા શાંત્વના અને હિંમત આપવામાં આવતા ઉપરોક્ત વ્યાજખોરો વિરૂધ્ધ અન્ય ભોગ બનનાર લોકો દ્વારા વધ્ાુ 7 ફરીયાદો કરવામાં આવેલ છે.


error: Content is protected !!