Main Menu

ગોંડલના સ્‍વામિનારાયણ નગરમાં અનેરો સંદેશો આપતા પ્રદર્શનખંડો ઉભા કરાયા

અમરેલી,
ગોંડલ ખાતે વિશ્ચવિખ્‍યાત તિર્થધામ અક્ષરદેરીના સાર્ધ શતામ્‍દી મહોત્‍સવ નિમિતે તડામાર તૈયારીઓ થઇ રહી છે. ગોંડલ શહેરના ઇતિહાસમાં પ્રથમવાર આટલા મોટા મહોત્‍સવનું આયોજન થયું છે. 200 એકરની ભૂમિ પર ફેલાયેલું સ્‍વામિનારાયણ નગર મહોત્‍સવનું મુખ્‍ય સ્‍થળ છે. આ સ્‍વામિનારાયણ નગરમાં સ્‍થિત અનેક સંસ્‍કારપ્રેરક પ્રદર્શન ખંડો મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર રહેશે. 6 વિવિધ પ્રદર્શનખંડોમાં મહાપુરૂષોનાં જીવનચરિત્ર અનેઉપદેશોના આધારે સૌને સુખી અને સંસ્‍કારમય જીવન જીવવાની પ્રેરણા મળશે.
પ્રથમ પરમાનંદ નામના પ્રદર્શનખંડમાં પ.પૂ.પ્રમુખસ્‍વામિ મહારાજના જીવનને લક્ષ્યમાં રાખીને બોધ આપવામાં આવશે. પ્રમુખસ્‍વામિ મહારાજે પોતાના જીવન દરમિયાન પપ થી વધુ દેશોમાં 2.5 લાખથી વધુ ઘરોમાં વિચરણ કર્યું, 7.5 લાખ પત્રો લખ્‍યાં, 17 હજારથી વધુ ગામડાઓમાં જઇને લાખો લોકોનાં દુઃખ-દર્દો દૂર કરી તેમને આઘ્‍યાત્‍મમાર્ગે વાળ્‍યા. તેઓએ સમાજ માટે વેઠેલાં અસંખ્‍ય કષ્‍ટોનો અહીં વિવિધ પ્રતિકૃતિઓ અને આધુનિક માઘ્‍યમો દ્વારા અનુભવ કરાવવામાં આવશે. તેઓએ અગણતરી તકલીફો વચ્‍ચે પણ અપ્રતિમ કાર્ય કર્યું તેનો આછો ચિતાર આ પ્રદર્શન ખંડમાંથી મળશે.
દ્વિતિય પ્રદર્શન ખંડ છે મુક્‍તાનંદ. વ્‍યસનમુક્‍તિનો ઉતમ સંદેશ આપતો આ પ્રદર્શન ખંડ ખૂબ જ અસરકારક છે. એક યુવાનની વ્‍યસનથી થયેલી બરબાદીની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ દ્વારા હ્ય્‌દયદ્રાવક પ્રસ્‍તુતિ અહીં બતાવવામાં આવશે. અઠંગ વ્‍યસનીઓને પણ વ્‍યસન છોડવાની અહીં પ્રેરણા પાપ્ત થશે. તૃતીય ખંડ છે સહજાનંદ. એનિમેશન ફિલ્‍મની રોમાચંક પ્રસ્‍તુતિ દ્વારા અહીં ભગવાન સ્‍વામિનારાયણના અસાધારણ જીવન અને કાર્યને દર્શાવવામાં આવશે. અક્ષરદેરી જેમનું સ્‍મૃતિમંદિર છે, એવા ગુણાતીતાનંદ સ્‍વામિનું જીવનકવન અક્ષરાનંદ નામના ચોથા પ્રદર્શનખંડમાં જાણવા મળશે. વિવિધ ચિત્રો, પ્રદર્શન અને ચોટદાર સંવાદો દ્વારા અહીં ખૂબ સુંદર રજૂઆત થશે.
નિત્‍યાનંદ નામના પાંચમાં પ્રદર્શન ખંડમાં પારિવારિક એક્‍તાનો ઉપદેશ મળશે. આજે વિશ્ચભરની સૌથી મોટી સમસ્‍યા છે, તૂટતાં ઘરો ! આધુનિક્‍તાના બહાને પરિવારમાં વધતા કલેશન અને કુસંપને ડામવાનો અહીં સફળ પ્રયાસ છે. સુંદર સંવાદ અને વિડિયોના માઘ્‍યમથી ઘરમાં સુખ-શાંતિ રાખવાના ઉપાયોની આમાં સુંદર પ્રસ્‍તુતિ થશે.
છઠ્ઠો પ્રદર્શનખંડ છે ‘યોગાનંદ’. 25 વર્ષ સુધી ગોંડલ અક્ષરમંદિરના મહંતપદે બિરાજેલા યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્‍ય તેમની વિશેષતા હતી. અપાર કષ્‍ટો, ગંભીર બીમારીઓ અને અથાગ પરિશ્રમ વચ્‍ચે પણ તેઓનું હાસ્‍ય કદી વિલાયું નો’ તું. સદૈવ બ્રહ્માનંદમાં વિચારતા એવા ‘યોગાનંદ’ યોગીજી મહારાજના જીવનમાંથી કેટલાનક ચૂંટેલા પ્રસંગો દ્વારા અહીં હંમેશા આનંદમાં રહેવાનું રહસ્‍ય શીખવા મળશે.
આ સિવાય પણ સ્‍વામિનારાયણ નગરમાં અખંડ ભજનભક્‍તિની રમઝટ ભજનાનંદ નામના ખંડમાં ચાલશે. સાથે-સાથે રક્‍તદાન યજ્ઞ દ્વારા સમાજસેવાનું ભગીરથ કાર્ય એક ખંડમાં કરવામાં આવશે. વયક્‍તિ, કુટુંબ, દેશ અને સમાજની સુખાકારી માટે વ્‍યસનમુક્‍તિ, પારિવારિક એક્‍તા, સ્‍વચ્‍છતા અભિયાન જેવા સંદેશ વહાવતા આ પ્રદર્શનખંડો અનેકને દિવ્‍યજીવન જીવવાનો માર્ગ ચીંધશે. આમ, વિવિધ પ્રદર્શન ખંડો દ્વારા આ સ્‍વામિનારાયણ નગર માનવ ઉત્‍કર્ષનો ઉતમ સંદેશ અપાશે.