Main Menu

રાજુલાને ભારત સરકારે 1/11/1947 ના દિવસે આઝાદ કરાવેલ

15 ઓગષ્‍ટ 1947 ભારત માટે ઐતિહાસિક દિવસ હતો આ દિવસે ભારતભરમાં અગણિત ગામો બ્રિટિશ હુકુમતની ચુંગાલમાંથી મુક્‍ત થયા હતાં ભારતમાં આઝાદીની લહેર દોડી રહી હતી અને સરદાર વલ્‍લભભાઇ પટેલ અંગ્રેજ હુકુમત હેઠળ રહેલા રાજયોને ભારતીય સંઘમાં જોડી વિલિન કરી રહયા હતાં. સર્વત્ર ખુશીનો માહોલ હતો પણ આ સમયે જૂનાગઢના નવાબે પોતાને પાકિસ્‍તાનમાં જોડાવવું છે તેની જાહેરાત કરી હતી અને જૂનાગઢમાં સૌના જીવ અધર હતા આઝાદી ન હતી. પણ, તે સમયે જૂનાગઢની જેમ જ અમરેલી જિલ્લાના તે સમયે જૂનાગઢ હેઠળ આવતા બાબરીયાવાડ એટલે કે રાજુલાજાફરાબાદ સહિતના 42 ગામોના જીવ પણ પડીકે બંધાયેલા હતાં અને અઢીમાસ સુધી બાબરીયાવાડની છાતી ઉપર જૂનાગઢની સેનાએ કમ્‍જો જમાવ્‍યો હતો તે સમયે ભારતીય સેનાએ આઝાદ કરાવેલા બાબરીયાવાડ કેવા સંજોગોમાં કેવી રીતે આઝાદ થયું તેની ઉપર આજે એક નજર દોડાવીએ. બાબરીયાવાડનું ક્ષેત્રફળ 510 ચોરસ કિલોમીટર અને વસ્‍તી 20 થી 25હજાર જેટલી જ હતી તેના 42 ગામો હતાં અને 1792 માં જૂનાગઢના બળુકા દિવાન અમરજી નાણાંવટીએ બાબરીયાવાડ પાસે તેમણે લાગુ કરેલો જોરતલબી કર ઉઘરાવ્‍યો હતોત્‍યારપછી બાબરીયાવાડ બ્રિટિશ હુકુમતનો એક હિસ્‍સો હતું. કર્નલ
વોકરે અંદરો-અંદર જગડતા દેશી રજવાડાઓનો જગડાનો અંત લાવવા માટે સૌ રજવાડા પાસે કરાર કરાવ્‍યા હતાં. અને ઇ.સ.1867 માં બ્રિટિશરોએ વહીવટ ચલાવવા માટે બાબરીયાવાડ જૂનાગઢને સોંપેલ તે અંતર્ગત જૂનાગઢ અને બાબરીયાવાડ વચ્‍ચેના કરારમાં 1947 માં બાબરીયાવાડ જૂનાગઢ સાથેના કરારથી મુક્‍ત થતું હતુ આથી તે આપોઆપ સ્‍વતંત્ર થઇ જતું હતું. આઝાદી મળી ત્‍યારે દેશભરના રજવાડાઓ ભારતીય સંઘમાં સરદાર વલ્‍લભભાઇ પટેલની આગેવાની હેઠળ જોડાઇ રહયા હતાં સદીઓથી ચાલતી સલતનત મોટામનના રાજવીઓએ એક જ જટકે પડતી મુકી સ્‍વતંત્રતાની હવા લઇ રહેલી જનતાના હિતમાં લેવાય રહેલા નિર્ણયમાં યોગદાન આપ્‍યું હતું આવા સમયે જૂનાગઢ ઉપર નવાબની હુકુમત હતી તેમણે ભારતના થયેલા બે ભાગ પૈકી પાકિસ્‍તાનમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો અને તેમના આ નિર્ણય સામે
જૂનાગઢ રાજયની પ્રજા ભડકી ઉઠી હતી કારણકે ત્‍યારે હિંન્‍દુ પ્રજાની બહુમતી હતી. પ્રજા ભારતમાં રહેવા માંગતી હતી નહિં કે પાકિસ્‍તાનમાં. દરમિયાન આરઝી હુકુમતની સ્‍થાપનાથી જૂનાગઢની સામે બગાવતનું મ્‍યુગલ વાગ્‍યું પણ, બીજી તરફ ભારતભરમાં રજવાડાઓને એક કરવાના ચાલીરહેલા વિલીનીકરણ દરમિયાન જૂનાગઢના નવાબે પોતાનું લશ્‍કર માંગરોળ અને બાબરીયાવાડમાં મોકલી આપ્‍યું. પાકિસ્‍તાનમાં ભળવાના જૂનાગઢના નવાબના નિર્ણય પાછળ કયું પરિબળ હતું તે જાણવા માટે એક આછી નજર જૂનાગઢના ઇતિહાસ ઉપર નાખવી પડે દિલ્‍હીમાં મુસ્‍લિમ રાજ હતું ભારતભરમાં લોકોને મારીને મુસલમાન બનાવાતા હતાં. મુસ્‍લિમ શાસક પોતે દેશભરમાં ન જઇ શકે તેના માટે કયાંક કોઇક રાજયને ખંડયા રાજય બનાવ્‍યા તો
સાવ રેઢા એવા અમુક રાજયોમાં પોતાના વહીવટદાર એટલે કે સુબા નિમ્‍યા. ગુજરાતમાં અમદાવાદમાં પણ સુબાનું રાજ હતું તેવી જ રીતે મુળ અફઘાનીસ્‍થાનથી આવેલ લડાયક એવા બાબીવંશના સુબાને જૂનાગઢનો કારભાર સોપાયો હતો. જૂનાગઢ ઉપર આખરી હિન્‍દુ રાજા રામાંડલિકના પતન પછી મુસ્‍લિમ સામ્રાજયની લીલી ધજા ફડાકા મારતી હતી અને સતત 200 વર્ષ સુધી નવાબી શાસન જૂનાગઢ ઉપર રહયું હતું પણ તેની પાછળ મહત્‍વનું કારણ જૂનાગઢનો કારભાર દિવાન એટલે કે નાગર બ્રાહ્મણના હાથમાં હતો. કુશળ વહીવટ કરતા એવા નાગર
બ્રાહ્મણ દિવાનને કારણે 200 વર્ષ સુધી જૂનાગઢમાં નવાબી રાજ તપતું રહયું હતું. પરંતુ છેલ્‍લે બહારથી આવેલ ભોપાલના કટરપંથી બેગમે જૂનાગઢમાં ધર્માંધતા શરૂ કરાવડાવી. નવાબ કરતાંપણ વધારે લોકપ્રિય એવા અમરજી દિવાનની હત્‍યા પછી જૂનાગઢ ઉપર મુસ્‍લિમ કટરપંથીઓની પક્કડ હતી. આવા સમયે ભારત અને પાકિસ્‍તાન તેવા બે ભાગલા થતા સ્‍વભાવિક જ મુસ્‍લિમ શાસક એવા નવાબે પાકિસ્‍તાનમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.
હવે જોઇએ 1947 ની 1પમી ઓગષ્‍ટે મળેલી આઝાદી પછીની જૂનાગઢની હુકુમત હેઠળના બાબરીયાવાડની સ્‍થિતિ. કર્નલ વોકરના કરાર મુજબ જૂનાગઢમાંથી મુક્‍ત થયેલ બાબરીયાવાડના પ્રજામંડળ વતી શ્રી સુરગભાઇ વરૂએ બાબરીયાવાડના 42 ગામો ભારતીય સંઘમાં જોડાશે તેવી જાહેરાત કરી હતી જેના કારણે બાબરીયાવાડ ભારતનું અવિભાજય અંગ થઇ ચૂકયું હતું પણ, બીજી તરફ પાકિસ્‍તાનમાં ભળવાની પીપુડી વગાડતા જૂનાગઢે બાબરીયાવાડમાં પોતાનું લશ્‍કર મોકલી આપ્‍યું હતું. આ સમયે બાબરીયાવાડમાં આરઝી હુકુમતની જેમ જ સ્‍વતંત્ર ચળવળ શરૂ થવાની હતી પરંતુ, ભારત સરકાર દ્વારા અપાયેલી સલાહને પગલે તે ચળવળ મોકુફ રહી હતી. એક તરફથી જૂનાગઢ ઉપર કમ્‍જો કરવા માટે આરઝી હુકુમતની ચડાઇ શરૂ થઇ અને બીજી તરફ બાબરીયાવાડ માટે વડોદરાથી સેના આવી
અને જાફરાબાદમાં ઉતરી હતી. જાફરાબાદમાં ઉતરેલી ભારત સરકારના કુમાઉ રેજીમેન્‍ટના સો સૈનિકોના સેનાપતિ મેજર શ્‍યામરતન હતાં. જો કે તેના સર્વોચ્‍ચ સેના પતિકર્નલ એમવી બાળ હતાં અને સંપર્ક અધિકારી શ્રી ધોળકીયા હતાં તેના માટે કૃષ્‍ણા, કાવેરી અને જમુના નામના નૌકાદળના ત્રણ જહાજોએ સેવા આપી હતી અને આ જહાજો સલામત રીતે પહોંચે તે માટે દરીયાઇ સુરંગ હટાવવા કૌકંણ નામના જહાજને કામગીરી માટે લાવવામાં આવ્‍યું હતું. બીજી તરફ રાજકોટમાં પણ એક ખાસ ટ્રેનમાં સેનાને લાવવામાં આવી હતી. સેનાને એવો હુકમ હતો કે, દિલ્‍હીના હુકમ વગર જૂનાગઢની જ સીમમાં પ્રવેશ ન કરવો અને આરઝી હુકુમત સાથે સંપર્ક ન રાખવો. બાબરીયાવાડમાં જૂનાગઢે મોકલેલી સેનાથી સરદાર વલ્‍લભભાઇ પટેલ લાલઘુમ થઇ ગયા હતાં અને કેન્‍દ્ર સરકાર જો ઢીલાશ રાખે તો પોતે આ મુદ્દે રાજીનામું આપે તેવી ધમકી પણ આપી હતી. તા.25/10/1947ના રોજ બાબરીયાવાડ અને માંગરોળને કમ્‍જે કરવાનો દિલ્‍હીથી નિર્ણય થયો. આ જ વખતે કાશ્‍મીરનો મામલો પણ ભડકે બળતો હતો એક તરફથી ભારતે હવાઇમાર્ગે ત્‍યાં સેના ઉતારી. કાશ્‍મીર અને જૂનાગઢની હાલત આમ જોઇએ તો એક સરખી હતી કારણકે જૂનાગઢમાં પ્રજા હિંદુ હતી અને રાજા મુસલમાન જયારે કાશ્‍મીરમાં પ્રજા મુસલમાન હતી અને રાજા હિંદુ. કાશ્‍મીરમાં થયેલી ભૂલનું પુનરાવર્તન જૂનાગઢમાં ન થાય તેના માટે સરદાર કાળજી રાખી રહયા હતાં જેથીદરેક પગલું તે ફુંકી-ફુંકીને ભરી રહયા હતાં. ભારતીય સંઘમાં જોડાયેલા બાબરીયાવાડને સીધુ કમ્‍જે કરવા તા.25/10ના નિર્ણય થયો અને છઠ્ઠા જ દિવસે તા.01/11/ 1947ના દિવસે બાબરીયાવાડ અને માંગરોળ બંનેમાં ભારતના લશ્‍કરે પ્રવેશ કર્યો. જાસુસો દ્વારા બાબરીયાવાડ અને માંગરોળના શાસકોએ જાણી લીધું હતું કે હવે, આપણુ ં કશું ચાલશે નહિં જેના કારણે લોહીનું એકપણ ટીપું રેડાયા વગર બાબરીયાવાડના 42 ગામો ઉપર તા.01/ નવેમ્‍બર 1947ના ભારતીય તિરંગો લહેરાયો હતો અને બાબરીયાવાડનો ભારતીય સેનાએ કમ્‍જો લીધો છે તે જાણી જૂનાગઢના નવાબ અને તેના વહીવટ કરતાઓ ધ્રુજી ઉઠયાં હતાં અને એવી હવા ચાલી હતી કે, હવે જૂનાગઢ પણ ભારતમાં જ જવાનું છે અને કોઇનું કશું ચાલવાનું નથી. આમ, દેશને આઝાદી મળ્‍યાના અઢી મહિના પછી બાબરીયાવાડના 42 ગામો એટલે કે રાજુલા-જાફરાબાદના ગામો સ્‍વતંત્ર થયા હતાં.