Main Menu

મોતની મહેબુબા સાથે સફર એટલે કે ઈચ્છામૃત્યુની વાત પ્રજા સ્વીકારી શકશે ?

આપણે ત્યાં કુદરતી મૃત્યુનો મહિમા છે. સાંયોગિક એટલે કે સંજોગોવશાત થતું મોત પણ આકસ્મિક ગણાય છે અને એને પણ પ્રજાએ સ્વીકારી લીધું છે. પરંતુ પરિવારજનો કે દર્દી એ લીધેલા નિર્ણય પ્રમાણેનું મૃત્યુ એ થોડી અઘરી વાત છે. દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે એક ઐતિહાસિક ચુકાદો આપીને યુથેનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુને શરતી માન્યતા આપી દીધી. સુપ્રીમ કોર્ટે પેસીવ યુથેનેશિયા એટલે કે પરોક્ષ ઈચ્છામૃત્યુને મંજૂરી આપી છે. તેનો અર્થ એ કે કોઈ વ્યક્તિનું જીવવું મોત બરાબર હોય પણ તેને પરાણે મેડિકલ સાયન્સના જોરે જીવતી રખાઈ હોય તો એવી વ્યક્તિની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી લઈ શકાશે. તેના કારણે એ વ્યક્તિ ધીરે ધીરે મૃત્યુ પામશે ને રિબામણીથી બચી જશે. બીજી તરફ એક્ટિવ યુથેનેશિયા એટલે કે સક્રિય ઈચ્છામૃત્યુ હજુ પણ પ્રતિબંધિત રહેશે. આ પ્રકારના મૃત્યુમાં દર્દીને ઝેર કે પછી પેઈન કિલર ઈંજેક્શનનો ઓવરડોઝ આપીને મૃત્યુ આપવામાં આવે છે. તેને ફિઝિશિયન આસિસ્ટેટ સ્યુસાઈડ એટલે કે ડોક્ટરની મદદ કરતો આપઘાત પણ કહેવાય છે. આ પ્રકારના આપઘાત પર પ્રતિબંધ ચાલુ જ રહેશે.
સુપ્રીમ કોર્ટે પરોક્ષ ઈચ્છામૃત્યુ માટે પણ ચોક્કસ નિયમો બનાવ્યા છે ને સાથે સાથે એવી ટિપ્પણી પણ કરી કે, આ દેશમાં લોકોને ગૌરવપૂર્ણ રીતે મૃત્યુનો પણ અધિકાર હોવો જ જોઈએ. આ નિયમો પ્રમાણે વ્યક્તિ પોતે વસિયત બનાવીને ક્યાં સંજોગોમાં પોતાને પરોક્ષ ઈચ્છામૃત્યુ આપવું તે પહેલાંથી નક્કી કરી શકશે. આ વસિયતનો અમલ કોણ કરશે તે તેમાં લખવું પડશે. વાત આટલેથી નહીં પતે. આ વસિયતનો અમલ કરવાનો આવે ત્યારે પણ મેડિકલ બોર્ડનો અભિપ્રાય તો લેવાનો રહેશે જ. ડોક્ટરોને લાગે કે, વ્યક્તિને હવે વધારે જીવાડવાનો અર્થ નથી ત્યારે જ તેને પરોક્ષ ઈચ્છામૃત્યુ આપી શકાશે. સુપ્રીમની ગાઈડલાઈનમાં બીજા પણ ઘણાં મુદ્દા છે ને એ બધાંની વાત કરવાનો અર્થ નથી પણ આ જે વાત કરી તેમાં મુખ્ય મુખ્ય વાતો આવી જાય છે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઐતિહાસિક છે ને પૂરાં ૧૩ વર્ષની કાનૂની લડત પછી આ ચુકાદો આવ્યો છે. છેક ૨૦૦૫માં કોમન કોઝ નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવવા વિનંતી કરી હતી. વ્યક્તિ પોતાના જીવતાં વસિયત બનાવી શકે ને કોઈ બીમારીના કારણે મેડિકલની પરિભાષામાં જેને વેજિટેબલ કહેવાય છે તેવી મૃતપ્રાય: સ્થિતિમાં લાઈફ સપોર્ટ સિસ્ટમના ભરોસે જીવતો હોય ત્યારે તેને મૃત્યુનો અધિકાર મળે. એ પોતાના વસિયત દ્વારા એ સિસ્ટમ હટાવડાવીને ગૌરવથી મરી શકે.
આ અરજી દાખલ થઈ પણ કોઈને તેમાં રસ નહોતો પડ્યો ને બહુ પબ્લિસિટી પણ નહોતી મળી. પાંચ વર્ષ લગી કાચબાની ગતિએ કેસ ચાલતો રહ્યો ને તારીખ પર તારીખ પડતી રહી પણ ડીસેમ્બર, ૨૦૧૦માં અરૂણા શાનબાગને ઈચ્છામૃત્યુ આપવાની અરજી થઈ ને એકદમ જ આખા દેશને આ વાતમાં રસ પડી ગયો. તેનું કારણ એ કે અરૂણા શાનબાગનો કેસ એકદમ રસપ્રદ હતો. વાસ્તવમાં આ કેસના કારણે જ સુપ્રીમ કોર્ટને ઈચ્છામૃત્યુ અંગે ગંભીરતાથી વિચારવાની ફરજ પડી ને અત્યારે જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેનો પાયો પણ તેના કારણે જ નંખાયો. તેના કારણે આ કેસની વાત ટૂંકાણમાં જાણવી જરૂરી છે. આ કેસ હચમચાવી નાંખે એવો છે ને ઈચ્છામૃત્યુના કાયદાને જડતાથી વળગી રહેવાથી એક નિર્દોષ સ્ત્રીએ કેવી યાતનાઓ ભોગવવી પડી તેનો ખ્યાલ પણ આ કેસ વિશે જાણવાથી આવશે.
અરૂણા શાનબાગ મે, ૨૦૧૫માં ગુજરી ગઈ એ પહેલાં ૪૦ વર્ષથી કોમામાં હતી. એ મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં નર્સ હતી ને પોતાના કોઈ વાંક ગુના વિના મેડિકલની ભાષામાં જેને વેજિટેટિવ સ્ટેટ કહેવાય છે તેવી અવસ્થામાં પહોંચી ગઈ હતી. તેનો શ્ર્વાસ ચાલતો હતો પણ એ સિવાય તેના અસ્તિત્વનો કોઈ અર્થ નહોતો. કેઈએમ હોસ્પિટલના વોર્ડ નંબર ૪ની બહાર આવેલા એક રૂમમાં એ ૪૦ વર્ષથી પડી હતી ને તેને પોતે ક્યાં પડી છે તેનું ભાન પણ ના હોય એ અવસ્થામાં એ જીવતી હતી.
અરૂણા શાનબાગ એ કોમામાં હતી તેનું કારણ આ જ હોસ્પિટલના એક વોર્ડબોયની હવસખોરી હતી. અરૂણા શાનબાગ મૂળ કર્ણાટકના કરવાર જિલ્લાના હલદીપુરની હતી. ૧૯૬૬માં મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં જોડાઈ હતી. એ વખતે ૨૧ વર્ષની અરૂણા હિન્દી ફિલ્મોની હિરોઈન ગીતાબાલી જેવી લાગતી. અરૂણા પર સોહનલાલ ભરથા વાલ્મિકી નામનો વોર્ડબોય મોહી પડેલો ને તેણે નવેમ્બર ૧૯૭૩માં અરૂણાને પોતાની હવસનો શિકાર બનાવી.
સોહનલાલ વાલ્મિકીએ વિકૃતિની બધી હદો વટાવી દીધેલી. અરૂણાએ સોહનલાલનો પ્રતિકાર કરેલો. એ સોહનલાલે અરૂણા પર જે અત્યાચાર ગુજાર્યા તેના કારણે અરૂણા જિંદગીમાં ફરી બેઠી જ ના થઈ શકી ને તેની જિંદગી બદતર બની ગઈ. સોહનલાલની જિંદગી પણ બરબાદ થઈ ગઈ. અરૂણા જે રીતે જીવતી હતી તેમાં તેનો કોઈનો વાંક નહોતો ને એ સંજોગોમાં એ આ જિંદગીથી છુટકારો મેળવવાને હકદાર હતી. એ માટે પ્રયત્નો પણ થયા હતા પણ આપણા ન્યાયતંત્રે અરૂણાને એ હક પણ ના આપ્યો. અરૂણા આ યાતનાથી છૂટે એ માટે એક લેખિકાએ તેને મોત આપવાની માગણી કરતી અરજી કરેલી. આ અરજી પર લાંબા સમય સુધી કાનૂની પટ્ટાબાજી ખેલાતી રહી ને દરમિયાનમાં સુપ્રીમ કોર્ટે ડોક્ટરો પાસે અરૂણાની સ્થિતિ વિશે રિપોર્ટ મંગાવેલો. જાન્યુઆરી ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોના મેડિકલ બોર્ડ પાસે અરૂણા અંગે રિપોર્ટ માંગ્યો. મેડિકલ બોર્ડે એવો રિપોર્ટ આપેલો કે, અરૂણાનાં મોટા ભાગનાં અવયવો કાયમી રીતે વેેજિટેટિવ સ્થિતિમાં છે ને તે ફરી હરીફરી શકે તેવી કોઈ શક્યતા નથી.
છેવટે માર્ચ ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને પરોક્ષ ઈચ્છામૃત્યુને મંજૂરી આપી પણ એ માટે કેટલીક શરતો રાખી હતી. આ શરતો પ્રમાણે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય માતા-પિતા, જીવનસાથી કે નજીકનાં સગાં જ લઈ શકે. તેમની ગેરહાજરીમાં નજીકના મિત્ર દ્વારા આ નિર્ણય લઈ શકાય. અલબત્ત મેડિકલ બોર્ડ દ્વારા ભલામણ પછી જ દર્દીનાં સગાં કે મિત્ર આ નિર્ણય લઈ શકે ને તેના પર હાઈ કોર્ટની મંજૂરીની મહોર મારેલી હોવી જોઈએ. જો કે અરૂણાની જિંદગીનો અંત આણી તેને આ યાતનામાંથી મુક્ત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલો કે, પિંકી વિરાણીને અરૂણા સાથે સંબંધ નથી કે કંઈ લેવાદેવા નથી. પિંકી વિરાણીનાં સગાં નહોતાં પણ પિંકીને અરૂણાની નેકસ્ટ ફ્રેન્ડ ના ગણી શકાય. એ સંજોગોમાં તેની અરજીના આધારે અરૂણાને ઈચ્છામૃત્યુ આપવાની અરજી સ્વીકારી ના શકાય. સુપ્રીમ કોર્ટે વરસોથી અરૂણાની સારવાર કરતી કેઈએમ હોસ્પિટલની નર્સોને અરૂણાની નેકસ્ટ ફ્રેન્ડ ગણાવેલી. કેઈએમની નર્સો અરૂણાની સપોર્ટ સિસ્ટમ હટાવવા નહોતી માગતી તેથી તેને ઈચ્છામૃત્યુ ના મળ્યું.                  એ લેખિકાએ આ ચુકાદાને સ્વીકારીને સુપ્રીમના ચુકાદા સામે રિવ્યુ પિટિશન ના કરી. આમ, અરૂણાને ભલે ઈચ્છામૃત્યુ ના મળ્યું પણ ઈચ્છામૃત્યુને શરતી મંજૂરી ૨૦૧૧માં જ મળી ગયેલી ને તેનો યશ ખરેખર વિરાણી નામની અલ્પખ્યાત લેખિકાને  જાય છે.
જો કે આપણે ત્યાં ન્યાયતંત્રમાં પણ બહુ વિલંબ હોય છે ને તેના કારણે ફેબ્રુઆરી, ૨૦૧૪માં ઈચ્છામૃત્યુ પરની કોમન કોઝ એનજીઓની ૨૦૦૫ની અરજી પર જે ચુકાદો આવ્યો તે સાવ અલગ હતો. સુપ્રીમ કોર્ટે એ વખતે કહેલું કે, અરૂણા શાનબાગ કેસમાં જે અભિપ્રાય અપાયેલો તે બંધારણીય બેંચના જ્ઞાન કૌરના કેસમાં અપાયેલા ચુકાદાનું ખોટું અર્થઘટન કરીને અપાયેલો તેથી તે માન્ય ના ગણાય. એ વખતે સુપ્રીમ કોર્ટે આ મામલો લાર્જર બંધારણીય બેંચને સોંપી દીધેલો ને ઈચ્છામૃત્યુ માટે ગાઈડલાઈન બનાવવા પર ભાર મૂકેલો. ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે કોમન કોઝના કેસમાં ચુકાદો આપ્યો કે, બંધારણે આપેલા જીવવાના હકને શાંતિથી મરવાના હકથી અલગ ના ગણી શકાય. એ રીતે આડકતરી રીતે ઈચ્છામૃત્યુને મંજૂરી અપાયેલી ને હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગાઈડલાઈન સાથે તેને મંજૂરી જ આપી દીધી છે.
આ ચુકાદા વિશે કશું કહેવા જેવું નથી. સુપ્રીમ કોર્ટે એક સારો ચુકાદો આપ્યો છે. કમનસીબ લોકો રીબાઈ રીબાઈને જીવે કે પોતે જીવે છે તેનું ભાન જ ના હોય એ રીતે પડ્યાં રહે ને તેમનાં પરિવારજનો તેમની હાલતને લાચારીથી જોઈ રહેવા સિવાય કશું ના કરી શકે તેના કરતાં યાતનાઓમાથી મુક્તિ બહેતર જ કહેવાય છતાં આ પ્રકારના નિર્ણયો લેવાની આપણી સંસ્કૃતિ ના પાડે છે એટલે ભારતીય પ્રજા કઈ રીતે આ કાનૂની મંજુરીને જુએ છે તેના પર બધો આધાર છે.