Main Menu

નક્સલીઓની કાયર હરકત , CR-PF નું વાહન ઉડાવ્યું : 9 જવાનો શહીદ

રાઇપુર, તા,૧૩.3.18

છત્તીસગઢમાં નક્સલીઓ ફરી સક્રીય થઇ ગયા છે. અહીંના સુકમા જિલ્લામાં સીઆરપીએફના જવાનો લઇને જઇ રહેલા વાહનને ઉડાવી દીધુ હતું, જેને પગલે નવ જવાનોના મોત નિપજ્યા છે. એક વર્ષ પહેલા જ આ જ વિસ્તારમાં નક્સલી હુમલામાં ૧૨થી વધુ જવાનો માર્યા ગયા હતા.  તે સમયે સરકારે દાવા કર્યા હતા કે નક્સલવાદ સામે પહોંચી વળવા માટે નવી નીતીનો અમલ કરવામાં આવશે જોકે એક વર્ષ બાદ ફરી હુમલો થતા સરકારના વાયદાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સીઆરપીએફના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના બપોરે સાડા બાર કલાકે બની હતી. નક્સલીઓએ આયોજપૂર્વક આ હુમલાને અંજામ આપ્યો હતો. એવા અહેવાલો છે કે આ હુમલાની આખી રણનીતી બીજાપુરના જંગલોમાં તૈયાર કરવામાં આવી હતી અને ૨૦૦થી વધુ નક્સલીઓ તેમાં જોડાયા હતા. અહીના સુકમા વિસ્તારમાં કિસ્તરામ અને પલોદી વચ્ચેના રસ્તામાં નક્સલીઓએ આયોજનપૂર્વક વિસ્ફોટક સામગ્રી ધુળમાં દાટીને રાખી હતી. જેવુ જવાનોથી સવાર વાહન આ વિસ્ફોટક પરથી પસાર થયું તે સાથે જ બ્લાસ્ટ થયો હતો. આ સુરંગ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જવાનોનુ વાહન હવામાં ઉછળ્યું હતું. સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું હતું કે જે વાહનમાં જવાનો જઇ રહ્યા હતા તે કોઇ સાધારણ નહીં પણ એન્ટી માઇન્સ એટલે કે જમીનમાં છુપાવીને કરાતા વિસ્ફોટ સામે રક્ષણ આપનારુ વાહન હતું. આ વાતની જાણકારી નક્સલીઓને પણ હોવાથી વિસ્ફોટ માટે જુદી જુદી ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (આઇઇડીએસ)નો ઉપયોગ કર્યો હતો. થોડા દિવસ પહેલા નક્સલી કમાન્ડરનું જવાનોના ઓપરેશનમાં મોત નિપજ્યું હતું જેનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. નક્સલીઓ જવાનોના ડ્રેસમાં આવ્યા હતા. જ્યારે કેટલાક જવાનો કાળા કપડામાં હતા. હુમલાને અંજામ આપીને નક્સલીઓ નજીકના જંગલોમાં જતા રહ્યા હતા. આ હુમલામાં નવ જવાનો ઘટના સ્થળે જ મોતને ભેટયા હતા જ્યારે અન્ય છથી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલ જવાનોમાં કેટલાકની સ્થિતિ બહુ જ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સીઆરપીએફની ટુકડીને ઉતારવામાં આવી છે અને નક્સલીઓ જંગલોમાં જ હોવાની માહિતીના આધારે ઓપરેશન જારી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ જ વિસ્તારમાં ગયા વર્ષે ૧૧મી માર્ચે પણ નક્સલીઓએ જવાનો પર હુમલો કરી દીધો હતો. જેમાં ૧૨ જવાનો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગયા વર્ષે એપ્રીલ માસમાં પણ સુકમામાં નક્સલીઓએ કરેલા હુમલામાં ૨૬ જવાનો માર્યા ગયા હતા. નક્સલીઓ હથીયારો પણ લુટી ગયા હતા. તે સમયે ગોળીબાર કરી હુમલો કર્યો હતો જોકે આ વખતે નક્સલીઓએ સુરંગ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કર્યો હતો.

હુમલા પહેલા ૨૦૦ નક્સલીઓએ જંગલમાં મીટીંગ કરી હતી

એવા અહેવાલો સામે આવ્યા છે કે અહીંના બીજાપુરના જંગલોમાં નક્સલીઓએ એક મીટીંગ કરી હતી, જેમાં ૨૦૦થી વધુ નક્સલીઓ જોડાયા હતા. આ મીટીંગમાં જ હુમલાનું આખુ આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. નક્સલી કમાંડર હિડમા અને પુલારી પ્રસાદે હુમલાની આગેવાની લીધી હતી. સુકમા વિસ્તારમાં આ નક્સલી કમાંડરો વધુ સક્રિય છે. આ પહેલા પણ હિડમાનું નામ અન્ય હુમલાઓમાં સામે આવ્યું હતું. જંગલોમાં નક્સલીઓને વિસ્ફોટક સામગ્રી પહેલાથી જ એકઠી કરીને રાખી હતી. જોકે જવાનો આ વિસ્તારમાંથી પસાર થવાના છે તેની જાણકારી નક્સલીઓને કેવી રીતે મળી તેને લઇને પણ તપાસ ચાલી રહી છે. નક્સલી હુમલાની ૭ મહત્વની વાતો -હુમલાને અંજામ આપવા માટે નક્સલીઓએ લેંડ માઇનથી વાહન લગાવી ઉડાવી દીધું. -વાહનના ટુકડે ટુકડા થઇને ૩૦ ફુટ દુર જઇને પડયા -૧૫ જવાનો વાહનમાં સવાર હતા જેમાંથી નવના મોત જ્યારે છ ઘાયલોને સારવાર અપાઇ રહી છે -બસ જેવા આ વાહનને એમપીવી એટલે કે માઇન પ્રોેટેક્ટેડ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે -હુમલા બાદ નક્સલીઓ ગ્રાઉંડ ઝીરોમાં છુપાઇ ગયા હોવાની શક્યતા, તપાસ અભિયાન જારી -છત્તીસગઢનો ગુપ્તચર વિભાગ ઉંઘતો રહ્યો નહીં તો હુમલાથી જવાનોને બચાવી શકાયા હોત -છત્તીસગઢના ૨૭માંથી ૧૮ જિલ્લામાં નક્સલવાદ ફેલાયેલો છે, સુકમા જિલ્લો વધુ પ્રભાવીત -૨૦૦ જેટલા નક્સલીઓએ હુમલો કર્યો હોવાની શક્યતા

સવારે નક્સલીઓ અને જવાનો વચ્ચે ઘર્ષણ થયું અને બપોરે વિસ્ફોટ થયો

મંગળવારે સવારે જ નક્સલીઓ અને સીઆરપીએફના જવાનો વચ્ચે સુકમા વિસ્તારમાંના જંગલોમાં ઘર્ષણ થયું હતું. જોકે નક્સલીઓને પાછા ખસેડવામાં જવાનો સફળ રહ્યા હતા. જે બાદ નક્સલીઓએ સુરંગ વિસ્ફોટને બપોરના સમયે અંજામ આપ્યો હતો. એટલે કે આ વિસ્તારમાં પહેલાથી જ નક્સલીઓ સક્રિય હોવાની જાણકારી મળી ગઇ હતી. તેમ છતા પ્રશાસન દ્વારા કોઇ આક્રામક પગલા ન લેવામાં આવ્યા. થોડા દિવસ પહેલા તેલંગણા પાસે જવાનોના ઓપરેશનમાં નક્સલીઓના મોટા નેતાઓ માર્યા ગયા હતા. જેમા નક્સલીના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. એટલે કે નક્સલીઓએ પોતાના કમાન્ડરના મોતનો બદલો લેવા માટે જવાનોને નિશાન બનાવ્યા હતા અને આ હુમલાને અંજામ આપ્યો હતો. છત્તીસગઢમાં નક્સલી હુમલાઓનો સીલસીલો ૬ એપ્રીલ, ૨૦૧૦: દંતેવાડામાં તાડમેટલામાં સીઆરપીએફના ૭૬ જવાનો શહીદ થઇ ગયા હતા. ૧૧ માર્ચ, ૨૦૧૪: ટાહકવાડામાં સીઆરપીએફના જવાનો પર નક્સલી હુમલામાં ૧૧ જવાનો માર્યા ગયા હતા. ૧ ડિસેમ્બર, ૨૦૧૪: સુકમામાં સીઆરપીએફની ૨૩૩ બટાલિયનને ટાર્ગેટ બનાવી હતી, ૧૩ જવાનોના મોત થયા હતા. ૧૧ માર્ચ, ૨૦૧૭: સુકમા વિસ્તારમાં દુર્ગમ ભેજ્જીમાં નક્સલી હુમલામાં ૧૧ જવાનો મોત થયા હતા. એપ્રીલ, ૨૦૧૭: છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલામાં ૨૬ જવાનો મૃત્યુ પામ્યા હતા.