Main Menu

ખાંભા નજીક રેવન્યુ વિસ્તારમાંથી મળ્યો બે વર્ષના સિંહનો મૃતદેહ

ગીરપૂર્વ વનવિભાગના તુલસીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના છેવાડાના ગોરાણા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલી વાડીમાંથી આજે બે વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા સિંહદંશના કારણે મોત થયાનું જાણવા મળતા સિંહ પ્રેમિઓમાં ભારે દુ:ખની લાગણી છવાઇ છે. પ્રાપ્ત વિગત મુજબ તુલસીશ્યામ રેન્જ રાયડીપાટી બીટના રબારીકા રાઉન્ડમાં ગોરાણા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલ ધામીડીયા તળાવ કાંઠે ખેતર ધરાવતા કનુભાઇ સામતભાઇ સોલાની વાડીમાં આજે સવારે સિંહનો મૃતદેહ પડેલો હોવાની વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી આર.એફ.ઓ. બી.બી. વાળાની ટીમે ઘટના સ્થળે દોડી જઇ ડી.સી.એફ. કુરૃપ્પા સ્વામિને જાણ કરવામાં આવતા તેઓ વેટરનરી ડોકટર સાથે સ્વયં ઘટના સ્થળે પહોંચ્યા હતા. બે વર્ષના પાઠડા સિંહના મૃતદેહને ખાંભા રેન્જ ઓફિસે લાવી તપાસ હાથ ધરાતા મૃતદેહ ઉપર કોઇ બાહ્ય ઇજાના નિશાન જોવા મળેલા ન હતા. સિંહના મૃતદેહ ઉપરથી બે કલાકમાં મોત બાદ વાળ ખરવા લાગ્યા હોવાથી પી.એમ. બાદ સર્પદંશથી મોત થયાનું જણાયું હતું. બાદમાં મૃતદેહને રેન્જ ઓફિસના ગ્રાઉન્ડમાં જ અગ્નિદાહ આપવામાં આવેલો હતો. સિંહના મોતથી વન્યપ્રેમીઓમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.« (Previous News)