લિસ્બન, પોર્ટુગલ, ૪થી ફેબ્રુઆરી ૨૦૨૫
અત્યંત દુઃખ સાથે ઇસ્માઇલી ઇમામતનું દીવાન જાહેરાત કરે છે કે હિઝ હાઈનેસ પ્રિન્સ કરીમ અલ-હુસૈની આગા ખાન ચોથા શીઆ ઇસ્માઈલી મુસ્લિમોના ૪૯મા વારસાગત ઇમામ (આધ્યાત્મિક નેતા), અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક અને ચેરમેન પોર્ટુગલના લિસ્બનમાં ૮૮ વર્ષની વયે તેઓશ્રીના પરિવારની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે અવસાન પામ્યા છે.
પ્રિન્સ કરીમ આગા ખાન પૈગંબર હ. મુહમ્મદ (તેમના અને તેમના પરિવાર ઉપર શાંતિ હોજો)ના તેમની પુત્રી, હઝરત બીબી ફાતિમા, અને પૈગમ્બર સાહેબના પિતરાઈ ભાઈ અને જમાઈ, અને ઇસ્લામના ચોથા યોગ્ય રીતે માર્ગદર્શિત ખલીફ તથા પ્રથમ શીઆ ઇમામ હઝરત અલી મારફત તેમના સીધા વંશજ હતા.
તેઓશ્રી પ્રિન્સ અલી ખાન અને જોન યાર્ડે-બુલ્લરના સૌથી મોટા પુત્ર અને સ્વર્ગસ્થ સર સુલતાન મહોમ્મેદ શાહ આગા ખાન ત્રીજાના પૌત્ર અને ઇમામ તરીકે તેમના વારસ હતા.
તેઓશ્રીના સમગ્ર જીવન દરમિયાન, નામદાર આગા ખાન ચોથાએ ભારપૂર્વક એવું જણાવ્યું હતું કે ઇસ્લામ એક વિચારશીલ અને આધ્યાત્મિક ધર્મ છે, જે કરૂણા અને સહિષ્ણુતા શીખવે છે અને માનવજાતિના ગૌરવને જાળવી રાખે છે.
હિઝ હાઈનેસે તેઓશ્રીનું જીવન તેમના સમુદાયના અને જાતિ, સ્ત્રી-પુરુષ કે વંશીયતા અથવા ધર્મના કોઈપણ ભેદભાવ વિના તેમના સમુદાયની સાથે રહેતા દેશના લોકોના જીવનની પરિસ્થિતિની સુધારણા કરવા માટે સમર્પિત કર્યું હતું અને તેઓશ્રીએ વિશ્વના સૌથી મોટા ખાનગી આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા (ડેવલમેન્ટ ઓર્ગેનાઇઝેશન)ની સ્થાપના કરી હતી અને તેનું માર્ગદર્શન કર્યું હતું. કે જે વિશ્વના કેટલાક નિર્બળ અને અવિકસિત પ્રદેશોમાંના સમુદાયોને સેવા આપે છે.
તેઓશ્રીએ એક રાજનેતા અને શાંતિ તેમજ માનવ પ્રગતિના રક્ષક તરીકે વૈશ્વિક સ્તરે આદર પ્રાપ્ત કર્યું હતું. ૫૦મા ઇમામની નિયુક્તિ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં હિઝ હાઈનેસના વસીયતનામાના વાંચન બાદ તેની જાહેરાત કરવામાં આવશે.
તેઓશ્રીની દફન વિધિ (અંતિમ સંસ્કાર)ની વ્યવસ્થાઓ અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.