નવાઈ લાગશે પણ ભારત માત્ર ઉત્પાદનો જનહિ, સેવાઓની પણ નિરંતર નિકાસ કરે છે

દેશમાંથી માત્ર વસ્તુઓની જ નિકાસ થાય એવું નથી. સેવાઓની પણ નિકાસ થાય જે વધારાનું લાખો ડોલરનું હુંડિયામણ કમાવી આપે છે. ભારતમાં રહીને વિદેશી કંપનીઓ માટે કે વિદેશની સરકારો માટે કામ કરનારા આપણા સર્વિસ સેક્ટરમાં બહુ લોકો છે. આઉટસોર્સિંગ એનો એક રાજમાર્ગ છે. જો છેલ્લા કેટલાક દાયકાઓની વાત કરીએ તો ભારતીય અર્થતંત્રનું એક ઉજ્જવળ પાસું સેવા નિકાસની ગતિ છે.
આનાથી માત્ર વ્યાપાર તફાવત જાળવવામાં મદદ મળી નથી પરંતુ દેશમાં રોજગાર સર્જનનો સ્ત્રોત પણ બન્યો છે. આમાં ઉચ્ચ કુશળતા વાળા રોજગારનો સમાવેશ થાય છે. સેવા ક્ષેત્રે દેશની સફળતાને ધ્યાનમાં લેતાં વૈશ્વિક સ્તરે આપણે ક્યાં છીએ અને ભવિષ્યની શક્યતાઓ શું છે તેની તપાસ કરવી યોગ્ય રહેશે.
ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના માસિક બુલેટિનમાં પ્રકાશિત થયેલા એક સંશોધન લેખ પ્રમાણે ડોલરના સંદર્ભમાં ભારતની સેવાઓની નિકાસ છેલ્લા ત્રણ દાયકાઓમાં એટલે કે 1993 અને 2024 ની વચ્ચે 14 ટકાથી વધુના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામી છે. આ વૈશ્વિક સેવાઓની નિકાસ 6.8 ટકાની વૃદ્ધિ કરતાં ઘણી સારી છે. પરિણામે, સમાન સમયગાળામાં સેવાઓની નિકાસમાં ભારતનો હિસ્સો 0.5 ટકાથી વધીને 4.3 ટકા થયો છે. આના કારણે ભારત વિશ્વમાં સાતમો સૌથી મોટો સર્વિસ એક્સપોર્ટર બન્યો. ઈ. સ. 2001માં ભારત 24મા સ્થાને હતું.
હાલમાં, ભારત ટેલિકોમ્યુનિકેશન, કમ્પ્યુટર અને માહિતી સેવાઓની નિકાસમાં વિશ્વમાં બીજા ક્રમે અને સાંસ્કૃતિક અને મનોરંજન સેવાઓની નિકાસમાં છઠ્ઠા ક્રમે છે. ભારતને ટેકનિકલ પ્રગતિ અને તેના અપનાવવાથી ફાયદો થયો છે. ભારતના કામકાજ કરનાર વર્ગમાં મોટી સંખ્યામાં અંગ્રેજી બોલતા લોકો છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ ઘણી પ્રતિભાઓ છે. સ્થાનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોલિસી ફોકસથી ભારતને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને તેને સંબંધિત સેવાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર વૈશ્વિક હિસ્સો મેળવવામાં મદદ મળી છે.
આઈટીમાં ભારતની નવી પેઢીએ જે વાઘછલાંગ લગાવી છે એનાથી દુનિયાની ભારતને કામ સોંપવાની વિશ્વસનીયતા અભિવૃદ્ધ થઈ છે. અગાઉ કોરોના કાળ વખતે દેશની અનેક નાની આઈટી કંપનીઓ એવી હતી જેની પાસે એની ક્ષમતા કરતાં અનેકગણા વધારે એટલે કે સતત લાખો ડોલરના કામ વિદેશથી આવતા હતા.
ભારત સેવાઓની નિકાસમાં છાને પગલે બહુ આગળ વધી રહ્યું છે તે એક શુભ સંકેત છે. આ વાત મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ભારતમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (જીસીસી) ની સ્થાપનાને કારણે પણ અનુભવી શકાય છે. ઈ. સ. 2015-16 થી ઈ. સ. 2023-24 સુધીમાં, ભારતમાં જીસીસીની સંખ્યા 60 ટકા વધીને 1,600 થી વધુ થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં ડિજિટલ ટેક્નોલોજીનો સ્વીકાર વધ્યો છે અને ભારતને પણ તેનો સ્પષ્ટ ફાયદો થયો છે. ઈ. સ. 2019 અને 2024 ની વચ્ચે ડિજિટલી સપ્લાય કરેલી સેવાઓની નિકાસમાં 40 ટકાનો વધારો થયો છે અને આ ઉપક્રમે ભારત એક ચમત્કાર જ કર્યો છે.
ટેક્નોલોજી ક્ષેત્ર ઉપરાંત, ભારતની પ્રવાસનની નિકાસ પણ મજબૂત રહી છે, જો કે તે હજી પણ રોગચાળાની અસર સાથે સંઘર્ષ કરે છે અને પ્રવાસન પણ તેનો એક ભાગ છે. ભારતમાં જાહેર આરોગ્યની સ્થિતિ વખાણવા લાયક નથી. અલબત્ત એનડીએના શાસનમાં પહેલા કરતાં સ્થિતિ સુધરી છે પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણો હજુ જળવાતા નથી. થોડા વરસો હજુ સરકારે એ દિશામાં કામ ચાલુ રાખવું પડશે. ભારતે પરિવહન સેવાઓની નિકાસમાં પણ સારું પ્રદર્શન કર્યું છે અને આવકની દ્રષ્ટિએ તેનો ક્રમ ઈ. સ. 2005માં 19મા ક્રમેથી આગળ વધીને 2022માં 10મા ક્રમે આવ્યો છે.
ભારતે વૈશ્વિક સેવાઓના વેપારમાં પણ સ્પર્ધાત્મક ધાર દર્શાવી છે, ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ તાકાત મધ્યમથી લાંબા ગાળે ટકી રહેશે? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓના સંશોધનોએ દર્શાવ્યું છે કે બાહ્ય ડિમાન્ડ અને ભાવની સ્પર્ધા સેવાની નિકાસને ખૂબ અસર કરે છે.
ઉદાહરણ તરીકે, વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદનમાં એક ટકાનો વધારો દેશની સેવા નિકાસમાં 2.5 ટકાના વધારા તરફ દોરી જાય છે. વધુમાં, વાસ્તવિક અસરકારક વિનિમય દરમાં એક ટકાનો વધારો વાસ્તવિક સેવાઓની નિકાસમાં 0.8 ટકાના ઘટાડા તરફ દોરી શકે છે. આગામી વર્ષોમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પ્રમાણમાં નબળી રહેવાની ધારણા હોવાથી સેવાની નિકાસને પણ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.