ચોતરફ મંદીના સૂસવતા પવનો વચ્ચે પણ દેશમાં બિનનિવાસી ભારતીયોના રોકાણો હજુ છલકે છે

ભારતમાં જેને લોકો એનઆરઆઈ કહીને સંબોધે છે તેઓ વિશ્વમાં પૂર્વ ભારતીય અથવા એશિયાઇ ભારતીયો તરીકે ઓળખાય છે. તેમના પ્રદાનને ખોબે ખોબે વધાવવા જ ભારતમાં 9 જાન્યુઆરીનો દિવસ પ્રવાસી ભારતીયો માટે ખાસ ઉજવાયો છે. ઈન્દોરમાં ભવ્ય ઉત્સવ હજુ ચાલુ છે. આ દિવસે જ મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી 1915માં અમદાવાદ આવ્યા હતા અને દેશને આઝાદી અપાવવાનો પાયો ચણાયો હતો. વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોએ એક અનેરી શક્તિ બનાવી છે. ભારતમાં પણ સમય પલટાયો છે, નવા જ સામર્થ્ય સાથે તે આગળ વધી રહ્યો છે, ત્યારે વિશ્વની આશાભરી મીટ મંડાઈ છે અને વિશ્વને ભારતનું સામર્થ્ય બતાવી દેવાનો સમય આવી ગયો છે. આપણે ત્યાં લાખો એનઆરઆઈને એક ગુલાબનું ફૂલ પણ અપેક્ષિત નથી પણ તેઓ તેમની રીતે દેશ સાથે જોડાયેલા રહે છે. એક તો આપણા દેશમાં સેન્સ ઓફ એપ્રિસિયેશનનો દુષ્કાળ અને એમાં આ લોકોનો વિદેશી વસવાટ.
વિશ્વભરમાં પથરાયેલા પ્રવાસી ભારતીયો ભૌગોલિક રીતે કદાચ કોઈક સ્થળે એકાદ પરિવાર હોઈ શકે છે, પરંતુ હવે સમગ્ર ભારત દેશ તેમની સાથે છે. દરેક ચીજ પાઉન્ડ અને ડોલરથી જ થઈ જાય છે તેવું જરૂર નથી. ભારતની માટીમાં તેમની અસ્મિતા સમાયેલી છે. બિન-નિવાસી ભારતીઓ જેમણે વિદેશમાં જઈ સંઘર્ષમય જિદંગી વિતાવીને કુબેરપતિઓ બન્યા છે. આ કરોડપતિઓ માદરે વતનમાં તો શિક્ષણ, આરોગ્ય, ધર્મ કે સમાજના કાર્યો પાછળ તો દાનની સરવાણી વહાવતા જ રહે છે પણ પોતાના દેશ ઉપરાંત જ્યાં તેઓ રહે છે એ દેશના-કર્મભૂમિમાં સેવા ક્ષેત્રે કરોડો રૂપિયા ખર્ચીને ભારતનું નામ રોશન કરી રહ્યા છે.
ઈ. સ. 2008 ની ગ્લોબલ મંદી આપણે સૌએ અનુભવી છે. ભારતને ખાસ તકલીફ પડી ન હતી પરંતુ આર્થીક બાબતોના ઘણા પેટાક્ષેત્રોમાં ભારત ગ્લોબલ લીડર બન્યું ન હતું. વ્યક્તિ, સંસ્થા, રાજ્ય કે દેશ માટે સંકટ તો આવે ને જાય, કારણ કે એ તો સંસારનો સર્વકાલીન નિયમ છે. મહાપુરુષોએ તો સંકટોને જ ઘડતર કરનારા ઉત્તમ પ્રશિક્ષક માનેલા છે. પરંતુ ભારતના અર્થતંત્રમાં આવેલ પરિવર્તનથી દેશનો ફાયદો ઓછો અને નુકસાન વધુ થતું હતું. વૈશ્વિક અર્થતંત્ર પર સંકટના કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા તેનું નિવારણ શોધવા કરતા ઘણા દેશોની સરકાર ઢાંકપિછોડો કરવામાં વ્યસ્ત હતી. જેથી સંકટ અધિક ઝડપે વધતું રહ્યું હતું.
ભારતની સ્થિતિ પણ કફોડી થઇ શકે એમ હતી એવા સમયે બિન-નિવાસી ભારતીયોએ ભારતમાં રોકાણ કરવાનું શરુ કર્યું અને દેશને ચેતનવંતા અર્થતંત્રના દર્શન થયા. સમય બદલાયો, પરિવર્તનની ક્રાંતિ આવી અને આજે ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં બિન-નિવાસી ભારતીયોનું રોકાણ જોવા મળે છે. એનઆરઆઈ ઇન્ડિયામાં નથી રહેતા પણ એનઆરઆઈ વિના ઇન્ડિયાની કલ્પના કરવી મુશ્કેલ છે. આજે વિશ્વમાં ત્રણ કરોડ જેટલા બિન-નિવાસી ભારતીયો વસવાટ કરે છે. આમ તો છેલ્લા એક સો વર્ષમાં અમેરિકા અને આરબ દેશમાં એનઆરઆઇનો પગપેસારો વધ્યો છે. પરંતુ આફ્રિકાથી છેક મલેશિયામાં તો ઇસુના જન્મ પૂર્વે એટલે કે 2000થી વધુ વરસો પહેલાં ભારતીયો ત્યાં સુધી પહોંચેલા છે. ખેતરોમાં મજૂરી કામથી લઈને બ્રિટનના પ્રધાનપદ સુધીના દરેક ક્ષેત્રે વરસોથી એનઆરઆઇનો દબોદબો છે. દુનિયામાં ભાગ્યે જ એવો કોઈ દેશ મળે જ્યાં ભારતીયોની વસાહતો ન હોય.
દેશમાંથી સ્થળાંતર કરવાનો સમય રજવાડાઓ વખતથી ચાલ્યો આવે છે. મુખ્ય હેતુ પૈસા કમાવાનો છે. પરંતુ હવે સ્થળાંતરનું ધ્યેય માતૃભૂમિને સમૃદ્ધ કરવાનું છે. એટલે જ ભારતના એવા ક્ષેત્રોમાં એનઆરઆઇ રોકાણ કરી રહ્યા છે. જેનો સીધો ફાયદો ભારતના અર્થતંત્રને થઈ રહ્યો છે. દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખાસ કરીને હાઉસિંગ સેગમેન્ટમાં બિન-નિવાસી ભારતીયનું રોકાણ વધ્યું છે. કોવિડ-સંબંધિત પ્રતિબંધોને કારણે 2020માં મિલકતમાં એનઆરઆઈના રોકાણમાં ઘટાડો થયો હતો. પરંતુ 2022 દરમિયાન હાઉસિંગ પ્રોપર્ટીમાં એનઆરઆઈનું રોકાણ 1.23 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. હાઉસિંગ સેક્ટરમાં 30 ટકા માંગ એનઆરઆઈની છે. જેઓ ભારત પરત આવવા ચાહે છે.
આવા એનઆરઆઈમાંથી 70 ટકા લોકો સ્થાવર મિલકતમાં રોકાણ કરી રહ્યા છે. તેમને ભારતમાં પોસાય તેવી મિલકત મળી રહી છે. ભવિષ્યમાં તેને સારું વળતર મળવાની અપેક્ષા છે. એક સર્વે અનુસાર, દેશમાં 77% એનઆરઆઈ રૂ.2.5 લાખથી રૂ.5.5 કરોડ સુધીના ઘર અને ફ્લેટ ખરીદી શકે તેટલા સક્ષમ છે. 65% એનઆરઆઈ શેર, સોનું, એફડી કરતાં હાઉસિંગ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. રોકાણની આ રમતમાં બેંગ્લોર, હૈદરાબાદ અને દિલ્હી-એનસીઆર ટોપ પર છે. મોટા શહેરોને બાદ કરતા નાના શહેરો તથા ગામોમાં પણ બિનનિવાસી ભારતીયોની આર્થિક પ્રવૃત્તિ જોરશોરથી ચાલતી રહે છે. ઈ, સ. 2024 અને ચાલુ વરસમાં આ આંકડાઓ હજુ ઊંચે જશે. બધા એન. આર. આઈ વેપારી નથી.
ડિસેમ્બર અને જાન્યુઆરી એનઆરઆઈ સિઝન કહેવાય છે. આ દરમિયાન તે લોકો દ્વારા મોટું રોકાણ અને લે-વેચની પ્રક્રિયા પણ થતી હોય છે. આ રોકાણ પાછળનું સૌથી મોટું કારણ હોય વૈશ્વિક અર્થતંત્રમાં થતા રહેલા પરિવર્તન. ડોલર સામે રૂપિયાના મૂલ્યનો ઘટાડો થયો છે. જેને કારણે ભારતમાં હાઉસિંગ સસ્તું થઈ રહ્યું છે. ભારતમાં જમીનની કિંમતો વધવા લાગી છે તેનાથી રોકાણ પર મોટું વળતર મળવાની અપેક્ષા પણ એનઆરઆઇ સેવી રહ્યા છે. તેમાંય છેલ્લા 3 માસથી વિદેશી આઈટી કંપનીમાં છટણીનો દૌર શરુ રહ્યો છે. જેથી એનઆરઆઇ ભારતમાં કાયમી ધોરણે સ્થાયી થવા ચાહે એવી પણ માન્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પના હુકમોની લટકતી તલવાર દરેક એન. આર. આઈ. પર દેખાય છે. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા પારદર્શકતા અપનાવીને અને સાહસિક સુધારાને પ્રોત્સાહન આપીને દેશની આર્થિક ક્ષમતાને વધુ મજબુત બનાવી શકાય છે. દેશના હુંડિયામણને વધુ મજબુત કરવા માટે વિદેશથી આવતું રોકાણ આવશ્યક છે.
ભારતની પ્રગતિનું ત્રણસો સાઠ ડીગ્રી પર આકલન કરવું પડે. બિન-નિવાસી ભારતીયોનું દેશની પ્રગતિમાં મોટુ યોગદાન માનવામાં આવે છે. ત્રણ મહિના પહેલા વિશ્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા માઇગ્રેશન એન્ડ રેમિટેન્સ નામના એક રિપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોતાના દેશમાં વિદેશી રકમ મોકલવાના કેસમાં ભારતીય પ્રવાસી સૌથી આગળ રહ્યા છે. રિપોર્ટ જણાવે છે કે પ્રવાસી ભારતીયોએ વર્ષ 2024માં આટલા મંદીના સુસવાટા વચ્ચે પણ 80 અબજ ડોલર ભારત મોકલ્યા છે. જેમાંથી મોટાભાગની રકમ સ્વખર્ચ માટે નહીં પરંતુ સમાજ કલ્યાણ પાછળ ખર્ચવામાં આવી છે. એનઆરઆઇ વિદેશોમાં વિકસ્યા, ફૂલ્યા-ફાલ્યા પણ પોતાના મૂળિયા ભૂલ્યા નથી. ગુજરાતમાં કહેવાય છે કે વ્યક્તિ ગમે એટલી સફળ થાય, પરંતુ જો એ પોતાના મૂળ ભૂલી જાય તો બધું વ્યર્થ છે. સાચો ભારતીય ક્યારે તેના મૂળ અને કૂળનો નાશ થવા ન દે ! આમ, વિદેશી ભારતીયોની ઉદાર ભાવનાઓ પણ પ્રગટ થતી જોવા મળે છે.
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર બિમલ જાલાને તો સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે દેશના અનેક આર્થિક સેકટરોને સપોર્ટની જરૂર છે. આ સમયમાં જો કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા નીતિ નિર્માણક સંસ્થાઓ સાર્થક કદમ ઊઠાવશે અને એય સમયસર હશે તો દેશને અતિશય ઉપકારક રહેશે. આવા સમયમાં ભારત પણ એનઆરઆઈના રોકાણ અને સ્ટાર્ટઅપને આવકારક તૈયાર છે. એનઆરઆઈ ભલે પ્રગતિ માટે દેશ છોડે છે છતાં દેશપ્રેમ કે સંસ્કૃતિ નથી છોડી શકતા, એમ કહી શકાય કે છોડવા નથી ચાહતા. પરદેશમાં કાયમી વસવાટ માટે જે તે દેશની સિટિઝનશિપ અપનાવે છે છતાં દેશને એકબાજુએ મુકીને આગળ નથી વધી શકતા. અંતરમાં દેશપ્રેમ અને માતૃભાષા સદાય જીવંત રાખે છે. ભારતના અર્થતંત્રની ઉત્ક્રાંતિમાં આ બિન-નિવાસી ભારતીયોનો ફાળો મહત્વનો છે અને મહત્વનો જ રહેશે.