અમરેલીના વરિષ્ઠ નાગરિકનો અનોખો દેશપ્રેમ

છેલ્લા ૧૦ વર્ષથી અમરેલીના એક નિવૃત્ત કર્મયોગી સ્વાતંત્ર દિન, ગણતંત્ર દિન અને શહિદ દિવસ નિમિત્તે પોતાના ઘરને આગવી રીતે શણગાર કરી રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરે છે. આ સાથે તેઓ દેશભક્તિની થીમ પર શણગાર કરેલી બાઇકના માધ્યમથી રાષ્ટ્ર્રપ્રેમના સંદેશને આગવી રીતે પ્રસરાવી રહ્યા છે.

અમરેલી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા હતા અને વર્ષ-૨૦૦૯થી નિવૃત્ત છે તેવા કર્મયોગી શ્રી ડી.જી. મહેતા રાષ્ટ્રધર્મને સર્વોપરી માની અને દેશપ્રેમની ભાવનાને જન-જન સુધી લઈ જવા આગવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાના ઘરને દેશભક્તિના રંગે રંગી અને શણગાર કરે છે અને આ પ્રદર્શનને નાગરિકો અને વિદ્યાર્થીઓ નિહાળી અને રાષ્ટ્રપ્રેમની પ્રેરણા પ્રાપ્ત કરે છે.

દેશ માટે શહીદી વહોરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓની તસવીરોને ઘરમાં વિશેષ રીતે સજાવવામાં આવે છે. રાષ્ટ્રપ્રેમની ઝલક મળી રહે તે રીતે સુશોભિત ઘરના પ્રાંગણમાં ભારત માતા અને સેનાના શહીદ જવાનોની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.

નિવૃત્ત કર્મયોગી શ્રી ડી.જી. મહેતા જણાવે છે કે, દેશની સેના અને તિરંગા પ્રત્યે મને અપાર પ્રેમ છે. નિવૃત્ત થયો ત્યારબાદ રાષ્ટ્રભક્તિ અને નાગરિક ધર્મના ભાગરુપે આ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહ્યો છું. વર્ષોથી હું દેશપ્રેમની ઝલક દર્શાવવાની આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે નાગરિકોને આદર ભાવ હોય છે પરંતુ આવી રીતે તેને વ્યક્ત કરી હું નાગરિકોને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાવા માટે પ્રેરણા આપું છું.

તેમણે ઉમેર્યુ કે, પ્રતિ વર્ષ ૧૫ ઓગસ્ટ, ગણતંત્ર દિવસ, તા.૩૦ જાન્યુઆરી શહીદ દિવસ નિમિત્તે ૫-૬ દિવસ સુધી આ પ્રકારનું પ્રદર્શન કરું છું. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશપ્રેમીઓના ફોટોગ્રાફ્સના કટઆઉટના ઉપયોગથી મારા ટુ વ્હીલરને દેશપ્રેમનો રંગ આપી અભિવ્યક્ત કરી અનેકને પ્રેરણા આપવાનું કાર્ય કરું છું. આ ટુ વ્હીલર જોઈને લોકો આકર્ષિત થાય છે અને લોકોની રાષ્ટ્રભાવનામાં ઉમેરો થાય તેમ મને લાગે છે.

૭૪ વર્ષીય શ્રી ડી.જી. મહેતાએ શહેરના નાગરિકોને ભાવપૂર્વક આ પ્રદર્શન નિહાળવા માટે નિમંત્રણ આપતા જણાવ્યુ કે, શહીદ દિન, તા.૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ હોય તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી મારુ ઘર પ્રદર્શન નિહાળવા માટે ખુલ્લું છું. અમરેલીના દેશપ્રેમીઓ શહેરના લાઠી રોડ સ્થિત ગંગાવિહાર સોસાયટી ખાતે આવેલા બ્લોક નં.૧૧૨ ખાતે આ પ્રદર્શન નિહાળી શકે છે.

જય મિશ્રા