લોકસભાની ચૂંટણી પહેલાંથી દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ગાજી રહ્યો છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની ઘસીને ના પાડી ચૂકી છે ત્યારે ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપની હાલત કફોડી કરી નાખી છે. કેરળના પલક્કડમાં સંઘ પરિવારનાં સંગઠનોની સમન્વય બેઠક મળેલી.આ સમન્વય બેઠકના સમાપન પછી સંઘે ગોળ ગોળ વાતો કરવાની ને કોઈ પણ મુદ્દે સ્પષ્ટ વલણ નહીં લેવાની પરંપરાને જાળવીને એક તરફ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને ટેકો આપીને કહ્યું છે કે, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉપયોગ કલ્યાણકારી હેતુઓ માટે કરી શકાય છે તેથી તેના વિશે વિચારવું જોઈએ. બીજી તરફ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને દેશની એકતા અને અખંડિતતા માટે જોખમી પણ ગણાવી છે.
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે, હિંદુ ધર્મ માટે જ્ઞાતિ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે તેથી ચૂંટણીથી પર ઊઠીને આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. કોઈના વિકાસ માટે જરૂરી હોય તો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ પણ માત્ર રાજકીય લાભ લેવા ખાતર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી ના કરી શકાય.આંબેકરે કરેલી વાતોના કારણે ભાજપ તો મૂંઝાઈ જ ગયો છે પણ સંઘના સમર્થકો પણ ગોટે ચડી ગયા છે કેમ કે સંઘે ફોડ પાડીને જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવી જ જોઈએ એવું કહ્યું નથી ને ના કરાવવી જોઈએ એવું પણ કહ્યું નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જ્ઞાતિ આધારિત ગણતરીને એક સંવેદનશીલ મુદ્દો ગણાવીને જ્ઞાન પિરસ્યું છે કે, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી સમાજની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. આ વાત સાચી છે પણ એમ તો સંઘના પીઠ્ઠુ જે પ્રકારનું હિંદુત્વ પિરસી રહ્યા છે તેના કારણે પણ સમાજની એકતા અને અખંડિતતા જોખમમાં છે જ. તો સંઘ એ બધું બંધ કરશે ?
સંઘના કહેવા પ્રમાણે, જ્ઞાતિને લગતી બાબતોમાં આપણે ત્યાં આકરી પ્રતિક્રિયાઓ આવે છે તેથી આ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે. અલબત્ત લોકહિત, લોકકલ્યાણ યોજનાઓ બનાવવા માટે જ્ઞાતિવાર વસતી જાણવા માટે સરકારને તેમની ગણતરી કરાવવાનો અધિકાર છે.સંઘે તો તમામ રાજકીય પક્ષોને વણમાગી સલાહ પણ આપી કે, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉપયોગ સત્તા મેળવવા અને ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે થવો જોઈએ નહીં, પરંતુ કલ્યાણકારી હેતુઓ માટે થવો જોઈએ. ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરી શકાય છે.સંઘનું નિવેદન એ વાતનો પુરાવો છે કે, સંઘ તેની આદત પ્રમાણે કોઈ પણ મુદ્દે તડ ને ફડ કરીને સ્પષ્ટ નિર્ણય લેવાની મર્દાનગી હજુ કેળવી શક્યો નથી ને તેની પાસેથી એવી આશા રાખવા જેવી નથી. સંઘમાં ઓબીસીને નારાજ કરવાની હિંમત નથી તેથી તેણે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દાને દલિતોની વસતી જાણવા સાથે જોડી દીધો.
વાસ્તવમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને દલિતો સાથે કંઈ લેવાદેવા જ નથી, બલ્કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સાથે આ મુદ્દો જોડાયેલો છે. ભારતમાં જે વસતી ગણતરી થાય છે તેમાં દલિતો અને આદિવાસીઓની અલગથી ગણતરી થાય જ છે. વસતી ગણતરીમાં દલિત કે આદિવાસી છો કે નહીં એ સવાલ જ હોય છે. જવાબ હા હોય તો દલિત છો કે આદિવાસી એ સવાલ પૂછીને બંનેનું વર્ગીકરણ કરી દેવાય છે એટલે દલિતોની સંખ્યા જાણવા માટે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની જરૂર જ નથી.સંઘના નેતા અભ્યાસુ છે અને તેમને આ વાતની ખબર ના હોય એ શક્ય નથી છતાં આ વાત કેમ કરી ? કેમ કે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી યોગ્ય નથી એવું કહે તો ઓબીસી નારાજ થઈ જાય. સંઘ સાથે જોડાયેલા કાર્યકરોમાં સવર્ણોનું પ્રમાણ વધારે છે પણ ઓબીસી સ્વયંસેવકોની સંખ્યા પણ નાની નથી. સંઘ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો વિરોધ કરવા જાય તો ઓબીસી નારાજ થઈ જાય એટલે દૂધ ને દહીં બંનેમાં પગ રાખવા દલિતોના નામે નિવેદન ફટકારી દીધું. તેનું સીધું અર્થઘટન એ જ થયું કે, સંઘ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણ કરે છે. આ અર્થઘટન ખોટું પણ નથી કેમ કે સંઘ વસતી આધારિત વસતી ગણતરીનો વિરોધ પણ ક્યાં કરે છે ?
સંઘના નિવેદને ભાજપની હાલત એ રીતે બગાડી છે કે, ભાજપ સરકાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી માટે જરાય તૈયાર નથી. લોકસભાની ચૂંટણી પહેલાં 10 માર્ચે રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે આઝાદી પછી કેન્દ્ર સરકારે એક નીતિ વિષયક નિર્ણય લીધો હતો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (જીભ અને જી્)ની વસ્તી ગણતરી સિવાય બીજી કોઈ જ્ઞાતિની વસતીની ગણતરી કરાવવામાં આવશે નહીં. એ પહેલાં પણ સરકારે આ જ વલણ અપનાવ્યું છે. જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો સૌથી વધારે બિહારમાં મહત્ત્વનો છે. નીતિશ કુમાર તો સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને લઈને દિલ્હી આવેલા અને જ્ઞાતિ આધારિત વસતી ગણતરી માટે રજૂઆત પણ કરેલી પણ મોદી સરકારે મચક નહોતી આપી.કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલાં આ મુદ્દો ઉપાડી લઈ દેશભરમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી હતી. આ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આધારે એસસી, એસટી અને ઓબીસી માટે અનામત વધારવાનું વચન પણ રાહુલ ગાંધીએ આપ્યું છે. ટૂંકમાં આ મુદ્દો કોંગ્રેસનો છે અને હવે સંઘના કારણે ભાજપ તેને સ્વીકારે તો ભાજપ માટે થૂંકેલું ચાટ્યા જેવી હાલત થાય તેથી ભાજપની હાલત કફોડી છે.
મજાની વાત એ છે કે સંઘે ફોડ પાડીને જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણ ના કરી તેનું કોંગ્રેસે અલગ અર્થઘટન કર્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, સંઘે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. સંઘ કહે છે કે, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી સમાજ માટે સારી નથી અને આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ અને આરએસએસ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માગતા નથી. સંઘ અને ભાજપ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને તેમના અધિકારો આપવા માગતા નથી પણ લખી રાખો કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને કોંગ્રેસ જ કરાવશે.