અમરેલી,
સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રજાલક્ષી અભિયાનોથી અમરેલી જિલ્લાના નાગરિકો વાકેફ થાય અને જનભાગીદારી વધે ઉપરાંત નાગરિકો સેવા સેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ મેળવે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.કલેકટરશ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, તા.2 ઓક્ટોબર – મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ ભારત અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવી શકાય અને કચરા નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે ખાસ ઝુંબેશ શરુ થશે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.17 સપ્ટેમ્બર, 2024થી સ્વચ્છતા હી સેવા -2024 અભિયાનનો પ્રારંભ થશે.અમરેલી જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને લોકભાગીદારી સાથે વિવિધ સ્થળોએ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમને જનઆંદોલન સ્વરુપે સફળ બનાવવાનો ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, પંચાયત અને નગરપાલિકા સહિતના પદાધિકારીશ્રીઓ-હોદ્દેદારશ્રીઓ સહિતના મહાનુભાવો જોડાશે. ઔદ્યોગિક એકમો અને વિવિધ સંસ્થાઓ સહયોગ આપે અને નાગરિકોમાં સ્વચ્છતાનો અભિગમ કેળવી શકાય અને સ્વચ્છતા માટે જાગૃત્તિ આવે તે માટે સ્વચ્છતા હી સેવા અભિયાનને સઘન બનાવવાનો પ્રયાસ છે.
જિલ્લામાં આગામી તા.17 સપ્ટેમ્બર, 2024 થી સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ થશે, જે તા.31 ઓક્ટોબર, 2024 સુધી કાર્યરત રહેશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ 03 કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં પણ મહાનગરપાલિકા તથા નગરપાલિકા દીઠ 02 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાનમાં જનભાગીદારી માટે જિલ્લા કલેકટરશ્રીએ અપીલ કરી હતી. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા અભિયાન વિશે વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ જણાવ્યુ કે, સઘન સફાઇ થયા બાદ તે સ્થળ પર એક પેડ માં કે નામ અભિયાન અન્વયે વૃક્ષારોપણ કરી ગાર્ડનિંગ કરવામાં આવશે. આ પ્રકારના સ્થળ પર નાગરિકોને બેઠક કે વિસામા માટે બાંકડાઓની વ્યવસ્થા રહેશે. તા.17થી શરુ થઇ રહેલા સફાઇ અભિયાનમાં નાગરિકો, સંસ્થાઓ સહિતના જોડાઇ તે માટે અપીલ કરી હતી. સ્વચ્છતા હી સેવા અન્વયે ટ્રાન્સપોર્ટ હબ, ધાર્મિક, પ્રવાસન સ્થળો, નાળા, ગટર, ખુલ્લા પ્લોટ, માર્કેટ વિસ્તારો, સરકારી કચેરીઓ, આઉટ ગ્રોથ વિસ્તારમાં સફાઇ થશે. તેમણે શ્રેષ્ઠ સફાઇ કેટેગરીમાં પસંદગી પામેલા તાલુકા, શહેરો અને જિલ્લાને આપવામાં આવનારા ઇનામ સહિતની વિગતો સાથે નિર્મળ ગુજરાત 2.0 વિશે જણાવ્યુ હતુ. એક પેડ માં કે નામ અભિયાન અન્વયે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શૈક્ષણિક અને રમત -ગમતના સ્થળો પર રોપા વાવેતર થશે. જિલ્લાના 262 ગ્રામ્ય વિસ્તારમાં અને 75 અમૃત સરોવર પર મનરેગા હેઠળ કરવામાં આવેલી વૃક્ષારોપણ અને તે વૃક્ષોને પાણી આપવાની વ્યવસ્થા અંગેની વિગતો આપી હતી. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપસિંહ ગોહિલે જણાવ્યુ કે, સેવા સેતુના 10માં તબક્કામાં વિશેષ એ છે કે, રાજય સરકારની વિવિધ 55 સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કાર્યક્રમોમાં સમાવેશ થયો છે, જે સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર મળશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ અધિકારીશ્રીઓને ફરજ સોંપવામાં આવી છે. સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ડિજિટલ ભારતને સહકાર આપવા નાગરિકોને ડિજિટલ ટ્રાન્જેક્શન અને ભીમ એપના ઉપયોગ માટેના નિદર્શન અને પ્રાકૃતિક કૃષિ, પોષણ યોજના, આરોગ્ય યોજનાઓ સહિત નવી સેવાઓ બાબતોને સાંકળી લેવામાં આવનાર હોવાનું કહ્યુ. સેવા સેતુ કાર્યક્રમ માટે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને પ્રાથમિકતા મળી રહે તે સાથે સ્થળ પર જરૂરી પ્રાથમિક સુવિધાઓ રાખવામાં આવશે. ઉપરાંત અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને સ્થળ પર ઉપસ્થિત રહેવા સહિતની વિગતો જણાવી હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટક, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પટેલ, સામાજિક વનીકરણના અધિકારી-કર્મચારીશ્રી અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.