આપણી ગુજરાત હાઇકોર્ટે ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મૂકવા સરકારને ટકોર કરી છે. ગયા ચોમાસામાં ગિરનાર પર્વતે કોઈ જટાળા જોગીની જેમ અખંડ સ્નાન કર્યું અને પર્વત પરનો પ્લાસ્ટિકનો હજારો ટન તળેટીમાં ઠલવાયો તે ઘટના કોઈ પણ નજરે જોનારાને સ-આઘાત અચંબિત કરી મૂકે એવી હતી. એટલા ભીષણ અને અતિભારે વરસાદ વિના ગિરનારને સદેહે સ્વચ્છ પુનર્જન્મ ન મળ્યો હોત. જૂનાગઢ શહેર માટે અભિશાપ એવો આત્યન્તિક વરસાદ એકલા ગિરનાર માટે આશીર્વાદ પૂરવાર થયો છે. ખેડૂતો ધોવાયેલા ખેતરોને સરખા કરવામાં લાગેલા હતા.
પાળાઓ તૂટી ગયા હતા. એ વખતે ખેતમજૂરીના ભાવ પણ ઊંચે જતાં મજૂર પરિવારો ખુશહાલ દેખાતા હતા. એનું બીજું કારણ એ પણ છે કે મજૂરોની તંગી હતી. કોરોના વખતે આદિવાસી મજૂરો એમના વતનમાં લપાઈ ગયા હતા અને એમાંથી બધા પાછા આવ્યા નથી. સાહસ કરીને જે થોડાક છે તેઓ હવે અરધા ખેડૂત બની ગયા છે. પૃથ્વી પર હવામાનનું સંચાલન આપણે માનીએ છીએ કે આપણી ઉપરના આકાશ અને એમાં વહેતા પવન ઉપરથી થાય છે પરંતુ ખરેખર એવું નથી. બહુ દૂર દૂરથી આપણા હવામાનનું સંચાલન થાય છે.
એને કારણે વાતાવરણ જ્યારે બદલાય છે ત્યારે ખ્યાલ નથી આવતો કે એકાએક આ પરિવર્તન કેમ થયું? પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર અનેક પ્રકારના હવામાન સંજોગો આકાર લેતા હોય છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંનેની ઉપર અંદાજે એક-એક હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાના હળવા દબાણ રચાયેલા હોય છે. આમ તો એ એક પ્રકારનું વાતાવરણ હોય છે. આપણે ત્યાં દર ચોમાસે બંગાળના અખાતમાં જ્યારે હવાનું હળવું દબાણ સર્જાય ત્યારે એનું સ્વરૂપ ઝંઝાવાતનું હોતું નથી.
પરંતુ જ્યારે ’લોક’ થયેલો હવાના હળવા દબાણનો એ આખો પટ કોઈ એક છેડેથી તૂટે ત્યારે તેમાં રહેલા શૂન્યાવકાશની પરિપૂર્તિ કરવા ચારેબાજુથી વાદળોનો જે ધસારો થાય છે એ જ ઝંઝાવાત બની જાય છે. પરંતુ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પર આ જે હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાનું હળવું દબાણ હોય છે તે ચક્રાવર્તિત હોવાથી સ્વયં એક ઝંઝાવાત જ હોય છે જેને પોલર વોરટેક્સ કહેવામાં આવે છે.
પોલર વોરટેક્સની અનિયંત્રિત અને સતત ચક્રાવર્તિત ગતિને કારણે હિમવર્તી પવનોએ વાતાવરણ પર કબજો જમાવી દીધો છે. જે રીતે આખું ઉત્તર ભારત હિમાલયની તળેટીમાં હોય એવો આભાસ આ ચોમાસાએ કરાવ્યો તેવો જ ભાસ સમગ્ર ઉત્તર ગોળાર્ધના દેશોને થઈ રહ્યો છે. હજુ પણ એકાદ સપ્તાહના અલ્પવિરામ પછી મેઘરાજા ફરી ભારતીય આકાશમાં ડોકિયું કરવાના છે. તબીબી વિજ્ઞાનનું પ્રાચીન સૂત્ર છે કે ઠંડક મૃત્યુ નજીક લઈ જાય છે અને ઉષ્ણતા તો જિંદગીનો ખરો ધબકાર છે.
વધારે પડતી ઠંડી જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ માટે હાનિકારક છે. દેશમાં કેટલી સરકારો આવી અને ગઈ. હજુ પણ જશે અને આવશે. પરંતુ હવામાન ખાતું પાટે ચડ્યું નથી. કેન્દ્ર સરકારે કદી પણ હવામાન અને કૃષિ વચ્ચેનું લિંકિંગ કર્યું નથી. એને કારણે કિસાનો તમામ નિર્ણયોમાં અથડાતા રહે છે. વળી ખુદ કિસાનો જાણે છે કે વરસાદ કે સિંચાઈ ઉપરાંત ફસલની ગુણવત્તા અને પાકના ઉતાર-પ્રમાણમાં વાતાવરણની પ્રમુખ ભૂમિકા હોય છે.
છતાં કિસાનો હવામાન સંબંધિત જ્ઞાનની ઝંખના રાખતા નથી. હજુ આજેય ભારતીય કિસાનો પરંપરિત પદ્ધતિથી જ અંદાજ લગાવે છે. તુવિજ્ઞાન ખરેખર તો વાયુમંડળનું વિજ્ઞાન છે. કોમ્પ્યુટરના આવિષ્કાર પછી હવામાનની આગાહીઓના ક્ષેત્રે ક્રાન્તિ થઈ છે પરંતુ આપણા દેશનો અનુભવ પૂર્વાનુમાન બાબતમાં બહુ સારો નથી. જેમને કિસાન અને કૃષિ પરત્વે રજમાત્ર પણ સન્માન નથી તેવા લોકોથી સહકારી અને કૃષિ ખાતાના ટેબલો અને ખુરશીઓ ભરાયેલા છે. અત્યારે ખરીફ પાકની મોસમ પુરબહારમાં છે.
આ જે સૂસવાટા મારતી ગાત્રો થીજાવતી મધરાતની ઠંડી છે અને માવઠું થાય તો એને કારણે શિયાળુ પાકને નુકસાન પણ છે. જેમણે આગોતરા વાવેતર કર્યા હતા તેમનો પાક આ વધારાના વરસાદમાં ફસાઈ ગયો હતો. થોડા સમય પછીના પછીના રવિપાકના આ વરસના ઘઉંની મીઠાશ પણ અલગ જ પ્રકારની હશે. વધારાના વરસાદથી ઘણાક પાકને નુકસાન થતા કિસાનોએ સર્વેક્ષણ કરાવવાની ડિમાન્ડ કરી છે. એની શરૂઆત થઈ છે પણ સરકાર જમીન ધોવાણના નુકસાનને કેમ ધ્યાનમાં લેતી નથી એ એક કોયડો છે.
ખરેખર તો એ નુકસાન જ સૌથી મોટું છે. આપણા ખેડૂતો આત્મસૂઝથી ખેતી કરે છે. તેમને ખરેખર જ દેશના દિલ્હી તખ્તા પરથી જે વારતાઓ થાય છે એવી આધુનિક ટેકનોલોજી અને પૂર્વાનુમાનનો લાભ મળતો થાય તો તેમની ખેતીવાડીમાં કમાલ થઈ જાય. આ વરસે પૃથ્વીના સ્વયમેવ માલિક બની બેઠેલા મનુષ્યને કુદરતે ઘણા સમય પછી વિભૂતિ આપી છે. આ એક ઘણા લાંબા સમયથી ચાલુ થયેલો સિલસિલો છે પરંતુ એના પ્રચ્છન્ન અનુભવો એકીકૃત થઈને ભાગ્યે જ માનવજાતનું ધ્યાન આકર્ષિત કરી શક્યા છે. પ્રજાજનોમાંથી કોઈ પર્યાવરણીય ચિંતાને પોતાનો વિષય ક્યાં માને છે ? પરંતુ હવે હવામાનની ગતિ એવી છે કે માનવજાતે પર્યાવરણમાં જ વધુમાં વધુ ધ્યાન આપવું પડશે.