Homeઅમરેલીસલામતના બ્યુગલ વાગે છે પણ કાશ્મીરમાંઆજે પણ પરિસ્થિતિ તો અતિશય સ્ફોટક છે

સલામતના બ્યુગલ વાગે છે પણ કાશ્મીરમાંઆજે પણ પરિસ્થિતિ તો અતિશય સ્ફોટક છે

Published on

spot_img

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ને આતંકવાદ ઓછો થઈ ગયો છે એવા મોદી સરકારના દાવા વચ્ચે સોમવારે ફરી એક આતંકવાદી હુમલો થઈ ગયો. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવરમાં સોમવારે સાંજે આતંકવાદીઓએ ઈન્ડિયન આર્મીના વાહન પર કર્યો તેમાં ચાર જવાન શહીદ થઈ ગયા અને છ જવાન ઘાયલ થયા. આ ઘટના લોહી મલ્હાર બ્લોકના માચેરી વિસ્તારના બદનોટા ગામમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સુરંગો શોધી રહી હતી ત્યારે અચાનક આતંકીઓએ આર્મીના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દેતાં આપણા 4 જવાનોના જીવ ગયા.
આતંકવાદીઓએ બે દિવસમાં પર કરેલો આ બીજો મોટો હુમલો છે. આ પહેલાં રવિવારે રાજૌરી જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓએ સુરક્ષા ચોકી પર ગોળીબાર કરતાં એક જવાન ઘાયલ થયો હતો. રવિવારે સવારે લગભગ 4 વાગ્યે મંજકોટ વિસ્તારના ગલુથી ગામમાં ઘૂસીને આતંકવાદીઓએ આર્મી પોસ્ટ પર ગોળીબાર કરી દેતાં ભાગદોડ મચી ગઈ હતી.
આર્મીના જવાનોએ પણ ગોળીબાર કરતાં આતંકીઓ અને જવાનો વચ્ચે લગભગ અડધા કલાક સુધી ગોળીબાર થયો કે જેમાં એક જવાનને ગોળી વાગી ગઈ. આતંકવાદીઓ વહેલી સવારના અંધારાનો લાભ લઈને નજીકના જંગલમાં ભાગી ગયા પછી આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે પણ આતંકવાદીઓ મળ્યા નથી. આ પહેલાં શનિવારે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા પણ બે જવાનો પણ શહીદ થયા હતા. આ આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. તેમાંથી એક હિઝબુલનો સ્થાનિક કમાન્ડર પણ હતો.
આ પહેલાં ગયા મહિને રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ કરતાં બસ ખાઈમાં પડી ગઈ હતી અને નવ લોકોનાં મોત થયાં હતાં. આ પછી તરત બે આતંકવાદીઓએ એક ગામમાં ઘૂસીને ફાયરિંગ કરતાં એક જવાન શહીદ થયો હતો. આ પહેલા 4 મેના રોજ પૂંછના શાહસિતાર વિસ્તારમાં એરફોર્સના કાફલા પર હુમલો થયો તેમાં એક જવાન શહીદ થયો હતો અને 4 અન્ય ઘાયલ થયા હતા. એરફોર્સનાં વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે આ હુમલો થયો હતો.
આ તો છેલ્લા એક-દોઢ મહિનામાં થયેલા આતંકવાદી હુમલાની જ વાત કરી, બાકી વરસનો હિસાબ કરવા બેસો તો બહુ બધા હુમલા નીકળી આવશે. આ વર્ષે 12 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો હતો ને એ પહેલાં 21 ડિસેમ્બરે સુરનકોટમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો કે જેમાં 5 જવાન શહીદ થયા હતા. 4 આતંકવાદીઓએ અમેરિકન એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલમાંથી ચલાવેલી ગોળીઓ આર્મીનાં વાહનોના જાડા લોખંડના સ્તરને પાર કરીને જવાનોને વાગી હતી અને તેમનાં મોત થયાં હતાં. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી.
“આ તો આર્મી પર થયેલા હુમલાઓની વાત કરી, બાકી સામાન્ય લોકો પર થયેલા આતંકવાદી હુમલાઓની વાત કરવા બેસીએ તો યાદી બહુ લાંબી થઈ જશે. હવે આર્મી પર જ આટલા બધા હુમલા થતા હોય તો જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે એવો દાવો કઈ થઈ શકે ? બિલકુલ ના થઈ શકે. આ હુમલાઓનો મતલબ સ્પષ્ટ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં આપણે સફળ થયા નથી. મોદી સરકાર ભલે સબ સલામતના દાવા કરતી હોય પણ જમ્મુ અને કાશ્મીરમાં સબ સલામત નથી. સરકાર દિલ્હીમાં બેઠી બેઠી પોતાની સફળતાનાં ગમે તેટલાં બણગાં ફૂંકે પણ જમ્મુ કાશ્મીરમાં આપણા આર્મીનો સંઘર્ષ હજુ ચાલુ જ છે અને આપણા જવાનો હજુ શહીદ થઈ રહ્યા છે.
આતંકવાદીઓ કેમ આટલા હુમલા કરી રહ્યા છે એ કહેવાની જરૂર નથી. મોદી સરકારે બંધારણની કલમ 370 નાબૂદ કરી દીધી પછી જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજજો પણ છીનવી લીધો. 5 ઓગસ્ટ, 2019ના દિવસે બંધારણની નાબૂદ કરાઈ પછી જમ્મુ અને કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરી દીધું હતું. તેના કારણે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાનું પણ વિસર્જન કરી દેવાયું. છેલ્લાં પાંચ વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા નથી કે ચૂંટાયેલી સરકાર નથી. દિલ્હીથી મોકલાયેલા લેફ્ટનન્ટ ગવર્નર જમ્મુ અને કાશ્મીરનો વહીવટ કરે છે તેના કારણે એવી છાપ થઈ છે કે, ભારતે લશ્કરના જોરે જમ્મુ અને કાશ્મીર પર કબજો કરી રાખ્યો છે.
બંધારણની કલમ 370ની નાબૂદી સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓને ફગાવી દેવાઈ હતી પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂર્ણ રાજ્યનો દરજજો આપવા અને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવીને લોકશાહીની સ્થાપના કરવા ફરમાન કરેલું. પહેલાં ધારણા હતી કે, જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ થશે પણ કેન્દ્ર સરકારે એવું ના કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી તો સફળતાપૂર્વક થઈ ગઈ પણ વિધાનસભાની ચૂંટણી બાકી છે કે જે 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવી જરૂરી છે. કેન્દ્ર સરકાર તેની તૈયારીમાં લાગેલી છે તો આતંકવાદીઓ ગમે તે ભોગે આ ચૂંટણીને રોકવામાં લાગેલા છે તેથી આ હુમલા થઈ રહ્યા છે.
આતંકવાદનો ખાતમો કરીને જમ્મુ અને કાશ્મીરની પ્રજાનું રક્ષણ કરવું એ આ દેશની સરકારની ફરજ છે એ જોતાં મોદી સરકારે આ હુમલા બંધ કરાવવા કડક હાથે કામ લેવું જોઈએ અને લશ્કરને છૂટો દોર આપવો જોઈએ. અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવી એ ભારત માટે વટનો સવાલ છે પણ આતંકવાદી હુમલા થતા રહે તો ચૂંટણી નહીં થઈ શકે. મોતનો ડર હોય તો કોણ મતદાન કરવા બહાર આવે ? મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરનાં લોકોને અહેસાસ કરાવવો પડે કે, ભારત તેમનું રક્ષણ કરવા અને આતંકવાદીઓને સાફ કરી માટે સક્ષમ છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પર આખી દુનિયાની નજર છે ત્યારે કમ સે કમ આટલું તો મોદી સરકાર કરી જ શકે. કલમ 370ની નાબૂદી પછીનાં પાંચ વર્ષમાં વાતો જ કરી ખાધી, હવે તો એક્શનમાં આવે.

Latest articles

24-10-2024

23-10-2024

22-10-2024

20-10-2024

Latest News

24-10-2024

23-10-2024

22-10-2024