અમરેલી,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષા-2024નું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી ખાતે કે.કે.પારેખ અને મહેતા વિદ્યાલય, ટી.પી. એન્ડ એમ.ટી. મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ, જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ, દીપક હાઇસ્કુલ, એસ.એસ. અજમેરા ગર્લ્સ હાઇસ્કુલ, એસ.એસ. ગજેરા સ્કુલ, ઓક્સફર્ડ હાઇસ્કુલ, શ્રી બી.એન. વિરાણી હાઇસ્કુલ, પાઠક હાઇસ્કુલ ખાતે આગામી તા.31 માર્ચ, 2024ને રવિવારના રોજ આ પરીક્ષા યોજાશે.આ પરીક્ષાને ધ્યાને લઇ અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (1974નો બીજો અધિનિયમ) અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તે પરીક્ષા સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, ગેરરીતિ ન થાય તે માટે ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ, ફેક્સ, ઝેરોક્ષ, કોપી મશીનો, અન્ય પ્રકારના કોમ્યુનિકેશન સાધનો તથા આસપાસના વિસ્તારોમાં ઝેરોક્ષ, કોપી મશીનો સહિતના ઇલેક્ટ્રોનિક વિજાણુ યંત્ર પર પરીક્ષા સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.પરીક્ષા કેન્દ્રોની ચો તરફ 100 મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો તથા જગ્યા સ્થળ અને વિસ્તારમાં આ જાહેરનામાં અંતર્ગત પ્રતિબંધિત કૃત્યો કરવા મનાઇ ફરમાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે પરીક્ષા સ્થળની આસપાસના વિસ્તારમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા બિલ્ડિંગ ખાતે કોઈપણ પરીક્ષાર્થી તેમ જ પરીક્ષા સાથે સંકળાયેલ હોય તેવા કર્મચારી તેમના મોબાઈલ લઈ જઈ શકશે નહીં. બિલ્ડિંગના પ્રવેશદ્વારથી જ અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. અનિવાર્ય સંજોગોમાં જ સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે. પરંતુ મોબાઈલ જે-તે સંસ્થાના આચાર્યશ્રીના રુમમાં સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.બિન અધિકૃત માણસો ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં. પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવી કોઈપણ વસ્તુ, ઇલેક્ટ્રોનિક આઇટમ, પુસ્તક, કાપલીઓ, મોબાઇલ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરવામાં મદદ કરવી નહીં. તા. 31.03.2024ના રોજ સવારના 8.30 કલાકથી સાંજના 16.30 કલાક સુધી પરીક્ષાની હદમાં પરીક્ષા કમ્પાઉન્ડ હદથી ચારે બાજુ 100 મીટરની હદમાં જાહેર માર્ગો પર 4 કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું તા.31.03.2024ના રોજ સવારે 8.30 કલાકથી સાંજે 16.30 કલાક સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 અંતર્ગત શિક્ષાપાત્ર રહેશે.