નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની છે તેથી ફરી એક વાર આ મુદ્દો ચર્ચામાં છે. આ બંને ખરડાને 12 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી હતી તેથી ગમે ત્યારે તેને રજૂ કરાશે એ નક્કી હતું, પણ મોદી સરકાર આટલો જલદી ખરડો લાવી દેશે એવી કલ્પના નહોતી.
કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સુધારા ખરડો રજૂ કરશે ત્યારે તેમાં શું હશે તેની ખબર સોમવારે જ પડશે, પણ રામનાથ કોવિંદ સમિતિની ભલામણો પ્રમાણે બંધારણમાં સુધારો કેન્દ્રસ્થાને હશે એ સ્પષ્ટ છે. કોવિંદ સમિતિએ બંધારણની કલમ 82માં સુધારો કરવાની ભલામણ કરી છે. આ સુધારા હેઠળ કલમ 82(અ) ઉમેરીને લોકસભા અને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ એક સાથે સમાપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓ માટે પણ એ જ પ્રકારનું બિલ પણ મુકાશે.
ભારતમાં અત્યારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન, વન ઈલેક્શન હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી યોજવાનો મોદી સરકારનો ઈરાદો છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે તેમનો મત આપે એવી જૂની વ્યવસ્થા મોદી સરકાર પાછી લાવવા માગે છે.
આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પણ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓનું સમય પહેલા વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. ડિસેમ્બર 1970માં લોકસભા પણ સમય પહેલાં વિસર્જન કરી દેવાયું હતું તેથી વન નેશન, વન ઈલેક્શન પ્રથા બંધ થઈ ગઈ હતી. મોદી સરકાર એ જ વ્યવસ્થા ફરી શરૂ કરવા માગે છે. બલકે લોકસભા અને વિધાનસભાની સાથે સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પણ યોજવા માગે છે.મોદી સરકારે તેના માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2જી સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરી હતી. સમિતિએ લગભગ 191 દિવસ સુધી હિતધારકો અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી, 14 માર્ચ, 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો અહેવાલ સુપરત કર્યો.
કોવિંદ સમિતિએ પાંચ મુખ્ય ભલામણો કરી છે. પહેલી ભલામણ આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવાની છે. બીજી ભલામણ એ છે કે, ત્રિશંકુ વિધાનસભાના કિસ્સામાં એટલે કે કોઈની પાસે બહુમતી નથી એ સંજોગોમાં કે અવિશ્ર્વાસ પ્રસ્તાવ પસાર થાય ત્યારે પૂરાં પાંચ વર્ષ માટે નહીં પણ બાકીની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવી જોઈએ.ત્રીજી ભલામણ એ છે કે, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે. બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ કરવી જોઈએ. ચોથી ભલામણ એ છે કે, ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે ચર્ચા કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરશે. કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની ભલામણ કરી છે.
આ ભલામણોના આધારે મોદી સરકાર વન નેશન, વન ઈલેક્શનનો કાયદો લાવવા માગે છે પણ આ કાયદો હાલના તબક્કે પસાર થવો મુશ્કેલ છે. “વન નેશન, વન ઇલેકશન’ હેઠળ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે બંધારણની કલમ 324-એ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ પણ લોકસભા અને વિધાનસભાની સાથે યોજવા માટે કલમ 325માં સુધારો કરવો પડે. બંધારણીય સુધારો હોવાથી આ બંને સુધારા પસાર કરવા માટે બે તૃતિયાંશ બહુમતી જોઈએ. દેશનાં અડધાં રાજ્યોની વિધાનસભાની મંજૂરી પણ જોઈએ, પણ મોટા ભાગના વિપક્ષો આડા ફાટેલા છે તેથી મનાવવા અઘરા છે.
મોદીએ વન નેશન, વન ઈલેક્શનનો વિચાર વહેતો મૂક્યો ત્યારે તેમની પાસે સ્પષ્ટ બહુમતી હતી ને ભાજપને લાગતું હતું કે, 2024ની ચૂંટણીમાં પોતે લોકસભામાં સાથી પક્ષો સાથે બે તૃતિયાંશ બહુમતી લઈ આવશે. જો કે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી પણ નથી એ જોતાં અત્યારે આ કાયદો પસાર કરવો મુશ્કેલ છે. આ સંજોગોમાં વક્ફ બોર્ડ ક્ટમાં સુધારાને લગતો ખરડો સુધારા માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને સોંપાયો એ રીતે વન નેશન, વન ઈલેક્શનનો ખરડો પણ જેપીસીને સોંપાય એવી પૂરી શક્યતા છે. વાસ્તવમાં ભાજપ સરકાર પાસે બીજો વિકલ્પ જ નથી.
“વન નેશન, વન ઇલેકશન’ દેશના ફાયદામાં છે એવું કહેવાય છે કેમ કે અત્યારે દેશમાં કયાંક ને ક્યાંક ચૂંટણી હોય જ છે. દર છ મહિને દેશમાં બે-પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ થાય છે અને આ ચૂંટણીઓ યોજવા પાછળ જંગી ખર્ચ પણ થાય છે. 2009માં લોકસભાની ચૂંટણી યોજવાનો ખર્ચ રૂપિયા 1100 કરોડ હતો. 2014માં વધીને રૂપિયા 4000 કરોડ થયો અને 2019માં વધીને 7000 કરોડ રૂપિયાને પાર થઈ ગયો. આ વખતે 12 હજાર કરોડનું આંધણ થઈ ગયું છે. આ ખર્ચ ઘટશે એવો દાવો કરાય છે પણ ખર્ચ કેટલો ઘટશે તે અંગે ચોક્કસ આંકડા કેન્દ્ર સરકાર કે ચૂંટણી પંચ કોઈ આપતું નથી.
સતત થઈ રહેલી ચૂંટણીઓના કારણે સરકારના કામકાજ પર ભારે અસર પડે છે ને તેમાંથી છુટકારો મળે એ ફાયદો ચોક્કસ થાય. સત્તાધીશો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેથી તંત્ર કશું કામ કરતું જ નથી. વડા પ્રધાન કે કેન્દ્ર સરકારના પ્રધાનોએ રાજ્યોની ચૂંટણીના પ્રચારથી દૂર રહેવું જોઈએ પણ એવું થતું નથી. તેના કારણે કેન્દ્ર સરકારની કામગીરી પર પણ અસર થાય છે. આ સ્થિીત ચોક્કસ બદલાય.
અલગ અલગ ચૂંટણી યોજાય તેથી દરેક વાર નવેસરથી તૈયારી કરવી પડે છે. ચૂંટણીની કામગીરીમાં સામેલ કર્મચારીઓથી માંડીને સુરક્ષા કર્મચારીઓ સુધી બધાંનો બમણો બોજ દેશની તિજોરી પર પડે છે. રાજકીય પક્ષોએ પણ પ્રચાર પાછળ બમણો ખર્ચ કરવો પડે છે. બધી ચૂંટણીઓ સાથે યોજવામાં આવે તો આ ખર્ચમાં ઘણો ઘટાડો થઈ શકે છે. આ બચેલી રકમ દેશના હિતમાં વાપરી શકાય, વિકાસ કાર્યો કરી શકાય.