હવે રજૂ થનારા બજેટમાંએનડીએ સરકારનોનવો રોડ મેપ ને નવી જનમ કુંડળી પણ દેખાશે

હવે રજૂ થનારા બજેટમાંએનડીએ સરકારનોનવો રોડ મેપ ને નવી જનમ કુંડળી પણ દેખાશે

થોડો સમયમાં નિર્મલા સીતારામન તેમનું બજેટ રજૂ કરશે. હજુ સરકારની વિકાસની વિચારધારા અંગે ચોક્કસ પ્રકારની નીતિનું ઘડતર બાકી છે. ઈ. સ. 2024 – 25 ના પૂરક બજેટમાં આમ તો પૂર્ણ કદના જેવી જ વ્યવસ્થા હોય છે. પરંતુ એનડીએ સરકારના બીજા સાથી પક્ષો પરની નિર્ભરતાને કારણે આ વખતે બજેટમાં સામાજિકતાનો જુદો રંગ જોવા મળશે. નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુની વિચારધારા અને મોદીની વિચારધારામાં કેટલાક પાયાના તફાવત છે. મોદીનું નિશાન હંમેશા ઓબીસી સમાજ અને અન્ય વંચિતોનો સમુદાય રહ્યો છે. જેમની પાસે કંઈ નથી એને કંઈ ને કંઈ આપવા માટે તેમની સરકાર સતત કામ કરે છે. એ માટે તેઓ જુદા જુદા સેક્ટર પસંદ કરે છે અને એમાં વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે. પાછલા દસ વર્ષની મોદી સરકાર યોજનાઓનું એક વિરાટ જંગલ છે.
પરંતુ એમાં લાભાન્વિત તો કરોડો લોકો છે. એને કારણે સરવાળે સરકાર એક લોકાભિમુખ સરકારનું ચિત્ર ઊભું કરી શકે છે. ચન્દ્રાબાબુ અને નીતિશ કુમારની વિચારધારા સંપત્તિની સમાન વહેંચણીની છે. એટલે કે દેશમાં ગરીબો અને તવંગરો વચ્ચે જે ઊંડી ખાઈ સર્જાતી જાય છે એ કેમ ઓછી કરવી એ દિશામાં તેઓ સતત કામ કરતા રહ્યા છે. ચંદ્રાબાબુ નાયડુમાં તો મુસ્લિમ તુષ્ટિકરણના લક્ષણો છે અને નીતીશકુમાર પણ મુસ્લિમો નારાજ થાય એવા વિધાનો કદી ઉચ્ચારતા નથી. આ બન્ને રાજનેતાઓ સાથે હિન્દુ કાર્ડના ખેલાડી મિસ્ટર મોદી કઈ રીતે કામ પાડે છે તે જોવાનું રહે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ તેમના છેલ્લા પ્રકાશિત પુસ્તકમાં નિખાલસતાથી જે વાતો કરી છે તે દેશના નાણાં પ્રધાનની વાતો સાંભળ્યા પછી કોઈને સાચી લાગે એમ છે. સુબ્રમણ્યમ સ્વામીના કહેવા પ્રમાણે મિસ્ટર મોદી આસપાસ વાહવાહી કરનારું એક આભામંડળ રચાઈ ગયું છે, જે વડાપ્રધાન અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર સતત વધારતું રહે છે. આ પુસ્તક એમણે ગયા વરસે પ્રસિદ્ધ કર્યું છે જેમાં પરોક્ષ રીતે લોકસભા ચૂંટણી 2024 ના પરિણામની આગાહી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ત્યારે કહ્યું હતું કે એનડીએ સરકારના તમામ પ્રધાનો વડાપ્રધાન મોદીની સ્તુતિ-પ્રશંસામાં એટલા બધા પાવરધા છે કે જમીની હકીકતોથી મોદીને સતત અંધારામાં રાખવામાં તેઓ સફળ નીવડે છે. સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું હતું કે મોદી કેબિનેટ સતત ખોટા અગ્રતાક્રમ પ્રમાણે કામ કરે છે જેને કારણે તત્કાલીન કેન્દ્ર સરકાર પ્રજામાં અપ્રિય થવા લાગી
એક તરફ આંતરરાષ્ટ્રિય નાણાં ભંડોળે ભારતના આર્થિક વિકાસના અંદાજમાં ઘટાડો કર્યો છે. એનાથી દેશની વૈશ્વિક છબીને ઘસારો લાગ્યો છે. બીજી તરફ ભારતે દુબઈ જેવા મેગા શોપિંગ ફેસ્ટિવલની યોજના જાહેર કરી છે. એટલે જ સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે જ્યાં ધ્યાન આપવાનું છે એ કામ પડતું મૂકીને સરકાર ચમક દમક પ્રચાર પાછળ જ એકાગ્ર છે. સુબ્રમણ્યમ સ્વામીના કહેવાથી જે ફેર ન પડ્યો તે હવે એનડીએના સાથી ઘટક પક્ષોના કહેવાથી પડશે.
નિર્મલા સીતારામને એક સાથે બે-ત્રણ પક્ષીને નિશાનમાં લેવા માટે હાઉસિંગ ક્ષેત્રને બેઠું કરવા મોટું પેકેજ જાહેર કર્યું હતું. એને કારણે સાવ પૂરા થવા આવેલા છતાં અટકી ગયેલા અનેક પ્રોજેક્ટ ધમધમતા થયા હતા એ હકીકત છે. કેન્દ્ર સરકારની નવી પ્રોત્સાહક નીતિનો એમને લાભ તો જ મળે જો તે પ્રોજેક્ટ પર કોઈ બાકી બેન્ક લોન ન હોય. બાંધકામ ક્ષેત્ર સાથે છૂટક મજુરી કરનારા અસંગઠિત કામદારોનો વિશાળ સમુદાય જોડાયેલો છે. એમાં સરકારના પ્રયાસોથી નવચેતન આવ્યું છે.
પરંતુ ગુજરાતમાં નવી ખાનગી ઔદ્યોગિક પ્લોટિંગ કરનારા અને કરોડોમાં ફસાયેલા બિલ્ડરો આવી સરકારી નીતિમાં મંદીમાંથી બહાર નીકળી શક્યા નથી. એમાં બ્રાન્ડેડ ગ્રુપને તકલીફ પડી નથી પરંતુ મધ્યમ બિલ્ડરો ફસાઈ ગયેલા છે. સરકારે બાંધકામ ક્ષેત્ર માટે જાહેર કરેલા દસ હજાર કરોડ રૂપિયા હકીકતમાં ભાજપના પોતાના મેનિફેસ્ટો પ્રમાણેના હેતુઓ પાર પાડવા માટે હતા તે આ ત્રીજી હવે સમજાય છે.
સીતારામનની સમસ્યા એ છે કે તેઓ એમ માને છે કે તેઓ સાચું બોલે છે અને ખરેખર એ અસત્ય જ હોય છે. જેમ કે હમણાં તેમણે કહ્યું કે મોંઘવારી કાબૂમાં છે. ખરેખર તો મોંઘવારી બેકાબૂ છે. એટલે કે કાબૂમાં છે એમ ક્યારે કહેવાય એનીય એમને ખબર નથી ડોલર અને રૂપિયા અંગેના તેમના હાસ્યાસ્પદ નિવેદનો જાણીતા છે. સીતારામને વળી એક વાત એવી કહી કે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન વધવાના સંકેતો જોવા મળે છે.
નિકાસ પ્રોત્સાહન માટેની વાત ખરેખર રસપ્રદ છે અને એમાં સરકાર ખરેખર કંઈક કરી શકશે. આપણે ત્યાં નિકાસ પ્રવિધિનું જંગલ છે. પહેલી વાત તો એ છે કોઈ પણ ઉદ્યોગપતિ જે જિલ્લામાં ઉદ્યોગ માટે જમીન સંપાદન કરે એટલે રાજકીય કાગડાઓના ટોળા એમની માથે ચકરાવા લેવા લાગે. ગુજરાતમાં કેટલા બધા જિલ્લાઓ એવા છે જ્યાં છેલ્લા પચીસ વરસમાં એક પણ નવા ઉદ્યોગના શ્રીગણેશ થયા નથી.એક સામાન્ય અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી એક જ વસ્તુ નિકાસ કરવાનો નિર્ણય કરો સરકાર ઉત્પાદકને એવા ચકડોળમાં બેસાડે છે કે નિકાસનો ખ્યાલ જ નવાસવા તો પડતો મૂકે. આ સંકટ દૂર કરવાની નાણાં પ્રધાને ખાતરી આપી છે. કંપનીમાંથી માલ ગેટની બહાર જાય પછી એક અજાયબ ભૂલભુલામણીમાંથી પસાર થવાનું હોય છે. સરકારે હમણાં એક સ્પેશ્યલ વિન્ડોની જાહેરાત કરી છે જે ઘરનું ઘર લેવા ચાહતા ફંડ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે.
જો કે દેશમાં અનેક કંપનીઓ ફંડ સલાહકાર તરીકે કામ કરે છે. તેઓ યોગ્ય રીતે ફાઈલ તૈયાર કરીને વિશ્વસનીયતા ડેવલપ કરી આપે છે જેને કારણે બેન્કો લોન આપવાનું કામ કરે છે. આ એક નવો અને સચ્ચાઈપૂર્ણ બિઝનેસ છે. જો કે આપણી જાહેર ક્ષેત્રની બેન્કોએ હજુ ફંડ કન્સલ્ટન્ટોને પોતાની લોન આપવાની પ્રણાલિકામાં એડમિટ કર્યા નથી. તો પણ ફંડ કામ કરતા થઈ ગયા છે. હવે સરકાર એ ફંડ કન્સલટન્ટની ભૂમિકામાં ખુદ આવવા ચાહે છે.
એને કારણે દેશના કરોડો લોકોને પોતાની લોન લેવાની પાત્રતા વિકસાવવામાં મોટી મદદ મળશે. આ એક રસપ્રદ જાહેરાત સીતારામને કરી છે. સૌથી ગંભીર એક જ છે કે અર્થતંત્રને બેઠું કરવા નિર્મલા સીતારામન સમયાંતરે બુસ્ટર ડોઝ આપે છે પરંતુ દર્દીને ખોરાક જ ન મળે તો દવાઓ શું કરે ? લઘુ ઉદ્યોગો ભારતીય અર્થતંત્રનું પ્રાણતત્ત્વ છે અને એ વાત એનડીએ સરકાર છેલ્લા દસ વરસથી સ્વીકારવા તૈયાર નથી. આ વખતે પણ લઘુ ઉદ્યોગોની ઉપેક્ષા ચાલુ રહી છે. નાના નિકાસ યુનિટોને ફાયદો થશે. પરંતુ લઘુ ઉદ્યોગોનું વિશ્વ બહુ વિરાટ છે અને હજુ સુધી તે કોઈ રહસ્યમય કારણસર કેન્દ્ર સરકારની નજરની બહાર છે.