Homeઅમરેલીઆપણા સરપંચો પણ એમને મળતી ગ્રાન્ટમાંથીદીકરા-વહુ માટે નવા ઘરેણા ઘડાવતા થયા છે

આપણા સરપંચો પણ એમને મળતી ગ્રાન્ટમાંથીદીકરા-વહુ માટે નવા ઘરેણા ઘડાવતા થયા છે

Published on

spot_img

આજકાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આપણા દેશમાં જે જે રાજકીય લોકો વાતો કરે છે કે જાહેરમાં બોલે છે, કમ સે કમ તેઓ તો ભ્રષ્ટાચારી નથી ને ? – એની ખાતરી કરવા અલગ પંચ રચવાની જરૂર છે. કોઈ પણ રાજ્યમાં જે ધારાસભ્ય પહેલીવાર ચૂંટાઈને વિધાનસભામાં જાય ત્યારે એનું નાણાંકીય સ્તર અને પાંચ વરસ પછી એની પાસેની જમીન, મકાન, મિલકત… બધું છલકછાલક થઈ જાય છે એનું શું ? જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સભ્યો પણ મલાઈ તારવતા શીખી જાય છે. સરપંચ પણ એમને મળતી ગ્રાન્ટમાંથી દીકરા-વહુ માટે નવા ઘરેણા ઘડાવતા થયા છે.
આ બધા ગ્રાન્ટખાઉં પ્રાણીઓ છે. સરકારમાં કોઈ પણ કામ કરાવવા માટેની બે નંબરની ચેનલો જગજાહેર છે. આપણા ગુજરાતના નવા જે હવે જૂના કહેવાશે એવા મુખ્યમંત્રીને ક્યારેક શૂરાતન ચડે ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધની વાતો કરે છે. પરંતુ તેમના ટૂંકા સત્તાકાળમાં ભ્રષ્ટાચાર સબબ કેટલા અધિકારીઓ કે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ?
ભ્રષ્ટાચાર વિષય આપણે ત્યાં પર્યાવરણ જેવો બની ગયો છે. પ્રાથમિક શાળાની નિબંધમાળાથી શરૂ કરીને પાટનગર નવી દિલ્હીના પરિસંવાદો સુધી એની ચર્ચા અને મંથન છવાયેલા છે. પરંતુ પર્યાવરણની જેમ જ કોઈ સકારાત્મક પરિણામ આવતું નથી અને દિન-બ-દિન પરિસ્થિતિ વિકરાળ થતી જાય છે. ભ્રષ્ટ આચરણ જેઓ કરે છે તેમની પોતાની જિંદગી તો કર્મફળના સિદ્ધાન્તો પ્રમાણે તબાહ થાય છે પરંતુ સમાજમાં ઘેરી નિરાશા પ્રસરે છે.
કોરોનાકાળ પહેલા બિન સચિવાલય ક્લાર્કની એક પરીક્ષામાં ઝાલાવાડમાં જે કૌભાંડ ઝડપાયું અને એના પર ધુમમસની ચાદર ઢાંકી દેવા માટે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો સીધો હુકમ કરવાને બદલે જે ચકરડી ચડાવી એનાથી ઉમેદવાર વિદ્યાર્થીઓમાં સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પરત્વે અશ્રદ્ધાની ભાવના પ્રવાહિત થઈ. છેવટે તો ગુજરાત સરકારે એ પરીક્ષા રદ કરી પણ એ પહેલાં ભ્રષ્ટતાને છાવરવાના બહુ ધમપછાડા કર્યા હતા. ઝૂલતા પુલ પ્રકરણમાં પણ એમ જ છે.
કરોડોની કોચિંગ ઈન્ડસ્ટ્રીમાં આજે કાગડા ઉડે છે. એનું કારણ એ પણ છે કે યુવા વર્ગ સરકારી પરીક્ષાઓ માટે તૈયારી કરતો હતો તે વિમુખ થઈ ગયો. સગી આંખે આધાર પુરાવાઓ સહિતના ભ્રષ્ટાચાર સામે પગલા લેવામાં જો આ સ્થિતિ હોય તો ગુપ્તગંગા જેમ ભીતર વહેતી મેલી નદીઓ પર અંકુશ મેળવવાની વાત તો બહુ દૂરની છે. જે જે ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે તમામમાં અસલ અને હકદાર એવો લાયક વર્ગ હતાશામાં સરી પડે છે. નિટ અને નેટની પરીક્ષાઓ અંગેનો જે ઊહાપોહ ચાલે છે એમાં પણ એક ઝાટકે પગલા લેવાયા નથી. ગુનેગારોને પુરાવાનો નાશ કરવાનો સેઈફ પેસેજ કોણ ઉપલબ્ધ કરાવી આપે છે?
ભ્રષ્ટાચાર પર લગામ ખેંચવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ભલે ગમે તેટલી વાતો કરે, હકીકત એ છે કે ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધી રહ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ પરથી દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોની ઓળખ છતી કરવા માટે જે યાદી જાહેર કરવામાં આવી છે એમાં ભારત અગાઉ કરતા વધુ બે પગથિયા નીચે ઉતરતો અધિક ભ્રષ્ટ દેશ બતાવવામાં આવ્યો છે. આ અધોગતિ છેલ્લા ઘણા વરસોથી ચાલુ છે અને હવે એમાં ગતિ આવતા એક વરસમાં બબ્બે પગથિયાનું પતન દુનિયાને જોવા મળી રહ્યું છે.
ભારતમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે એ કોઈ નવી વાત નથી. સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હવે તો ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ કરતા થઈ ગયા છે. કેટલાક પાસે બ્યુટી પાર્લરની ચેઈન છે તો કોઈએ ફેક્ટરીઓમાં ભાગીદારી કરી છે. કેટલાક અધિકારીઓ જમીનમાં પડ્યા છે તો કોઈએ બિલ્ડિંગ ડેવલપરોને કરોડો રૂપિયા બિઝનેસ માટે આપ્યા છે. હોટેલ અને ટુરિઝમમાં પણ ગવર્ન્મેન્ટ ઓફિસર એક આંતરપ્રિનિયોર કેટેગરીએ રમતા દેખાય છે. ભ્રષ્ટ ઉધઈ ચોતરફ ફરી વળી છે.
ભ્રષ્ટ આચરણની બાબતમાં ભારતના સમકક્ષ દેશોમાં ચીન, ઘાના અને મોરક્કો છે. ઘાના અને મોરક્કો તો સાવ નાના અને થર્ડ ક્લાસ આફ્રિકી દેશો છે. એની પંગતમાં ભારતે બેસવું પડે એ બહુ શરમજનક સ્થિતિ છે. ભારત દુનિયાનું સહુથી પરિપક્વ અને વિરાટ લોકતંત્ર છે. આર્થિક મહાસત્તા બનવાના સપના તો જોઈ શકે છે. ભારત માટે દાવોસે જાહેર કરેલી યાદી અને એમાં ભારતનું સ્થાન લાંછનરૂપ છે.
ફિનલેન્ડ, સ્વીડન, સિંગાપોર, સ્વિટઝરલેન્ડ… આ બધા દેશો ભ્રષ્ટાચાર મુક્ત જેવી સ્થિતિમાં છે. યાદીમાં તેઓ ટોચના ક્રમે છે. ત્યાં ભ્રષ્ટાચાર નહિવત્ છે અને જેઓ એમ કરતા ઝડપાય છે એને પ્રજા ખૂબ ધિક્કારે છે. એવા અપરાધીઓ માટે આકરી સજાની જોગવાઈઓ છે. જેઓ ભ્રષ્ટાચારમાં ઝડપાય છે એનો સામાજિક બહિષ્કાર પણ થાય છે. એટલે કે કોઈ એક અધિકારી લાંચ લેતા ઝડપાય તો એ પોતે તો જેલમાં જાય છે પરંતુ એના બાળકોના શાળેય એડમિશન રદ થઈ જાય છે. એની પત્નીને કોઈ નોકરી આપતું નથી અને પરિવાર વેરવિખેર થઈ જાય છે.
આપણે ત્યાં અનેક ભ્રષ્ટ અધિકારીઓ વ્યક્તિગત જિંદગીમાં ચિત્રગુપ્તના ચોપડા પ્રમાણે રાનરાન અને પાનપાન થતા જોવા મળે છે. છતાં તેઓ અને તેમના આનુગામીઓને હજુ નીતિની કમાણીના માધુર્યની ખબર નથી. ખાખરાની ખિસકોલી, આમ્રકુંજનો રસવૈભવ શું જાણે…? જેઓ નીતિના દાણાપાણી મેળવીને જીવન વીતાવે છે, એમનું ઘર આ યુગમાં તીર્થ સમાન છે. એમના સંતાનોમાં ઉચ્ચ સંસ્કારની ગેરેન્ટી છે. એવા સજ્જનો ભલે ઓછા તો ઓછા પણ છે ખરા. તેમનું જીવન ધન્ય છે.
રાજકોટના ટીઆરપી પ્રકરણમાં અગ્નિકાંડ પ્રકરણમાં કેટલા બધા અધિકારીઓની અપ્રમાણ સ્થળે મિલકતો તપાસોની નજરે ચડી જોકે આ તો પ્રારંભિક સ્થિતિ છે એ અધિકારીઓથી તપાસ ટુકડી હજુ આગળ વધી નથી અને વધી શકે એમ નથી કારણ કે એ અધિકારીઓ જે નેતાઓની આંગળીઓ પણ નાચતા હતા એ નેતાઓ પાસે પણ સંપત્તિ છે એનો હિસાબ લેવાની વ્યવસ્થા આપણા લોકશાહીના તંત્ર પસંદ નથી જ્યાં સુધી કોઈપણ રાજનેતા ગંભીર આર્થિક અપરાધમાં ગુનેગાર ન બને ત્યાં સુધી એને મિલકતો ન્યાયિક કાર્યવાહીને સફળતામાં ચડતી નથી.આખી દુનિયા જુએ છે તેમ રાજનેતાઓ સંપત્તિઓના માલિક છે એમાંના કેટલાક જ એવા છે કે જે સંપત્તિ એમણે પોતાના વડીલો પાસેથી મેળવેલી છે અથવા તો કાતિલ મજૂરી કરીને જાતે ઉપાર્જન કરેલી છે. પરંતુ એ સિવાયના લોકો તો રાજકારણની પોતાની યાત્રાના બહુ જ થોડા વર્ષોમાં અઢળક ઉછાળો મારતી સંપત્તિના માલિક બની ગયા છે.આપણા દેશમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલો દર વર્ષે પ્રસિદ્ધ થાય છે, પરંતુ એ અહેવાલો મુખ્યત્વે સરકારી યોજનાઓ અને સરકારી નાણાંની ફાળવણીની ઉલટ તપાસના હોય છે. એમાં થયેલા ભ્રષ્ટાચાર વિશે પૂરતી વિગતો તેઓ પ્રકાશમાં લાવે છે, પરંતુ એમના કાર્યક્ષેત્રમાંથી પણ રાજનેતાઓની બે નંબરની સંપત્તિ છટકી જાય છે. એટલે આપણે ત્યાં એક રાષ્ટ્રીય કક્ષાએ એવો વોચ ટાવર હોવો જોઈએ જે નિયમિત રીતે રાજનેતાઓની સંપત્તિ અંગેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે અને તે અંગે પ્રજાનું તટસ્થતાપૂર્વક ધ્યાન દોરી સાવચેતીની ઘંટડી વગાડે. રાજકોટમાં અગ્નિકાંડમાં જે અધિકારીઓ ઝડપાયા છે તેઓ કરોડો રૂપિયાના કૌભાંડો કરી ચૂકેલા છે. તેમણે પોતાના બે નંબરની નાણાં પોતાના લગભગ તમામ સગા-વહાલાઓના નામે વર્ગીકૃત રીતે વહેંચાયેલા છે.
જેથી એ નાણાં એમના પોતાના એકલાના છે એ સાબિત કરવાનું મુશ્કેલ બને. તો પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુક્ત અપરાધીઓની તમામ આર્થિક પ્રવૃત્તિઓનું પણ સરકારે આ વખતે દસ્તાવેજીકરણ કર્યું છે. પછી પગલાં લેવામાં આવે કે ન આવે એ સરકારના પોતાના સ્વ-ચિંતન પર આધારિત છે. આવું સ્વ-ચિંતન અનેક કિસ્સાઓમાં થતું રહેતું હોય છે અને લોકોના મનમાંથી એ વિસ્મૃત પણ થતું રહેતું હોય છે. પરંતુ એક વાત નક્કી છે કે જેઓ ભ્રષ્ટાચાર કરે છે, તેઓના જીવનમાં તેમને કર્મનો પડછાયો નડે છે.

Latest articles

14-11-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે

અમરેલી, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક...

બગસરામાં ધોળા દિવસે મામલતદારનું બાઇક ચોરાયુંં

બગસરા, બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ બગસરા મામલતદાર...

Latest News

14-11-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે

અમરેલી, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક...