Homeઅમરેલીમેહુલા વરસ્યા ભલા... ગમે તેવા તાંડવ કરેતોય વરસાદ આવે એ જ તો...

મેહુલા વરસ્યા ભલા… ગમે તેવા તાંડવ કરેતોય વરસાદ આવે એ જ તો મંગલમુરત છે

Published on

spot_img

મેઘમહેર હવે ઘણાં જાણે કહેરમાં ફેરવાઈ રહી હોય તેમ હાલારમાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ ઊભી થતા ઘણાં માર્ગો બંધ થયા, રસ્તાઓ ધોવાયા, ધંધા-રોજગારને માઠી અસર પડી, તો પૂરના કારણે ફસાયેલા લોકોને ક્યાંક હોડીઓ ચલાવીને, ક્યાંક ટ્રેક્ટરથી તો કલ્યાણપુર તાલુકામાં તો હેલિકોપ્ટરની મદદથી લોકોને રેસ્ક્યૂ કરાયા. ભારે વરસાદ પછીની સ્થિતિમાં કોહવાતો કચરો, ઉભરાતી ગટરો બેસુમાર ગંદકીના કારણે મચ્છર-માખી-હવા અને પાણીજન્ય રોગચાળો પણ વકર્યો.
ચાંદીપુરાના વાયરલ થયેલા વાયરસ વચ્ચે સિઝનલ બીમારીઓ તથા ભારે વરસાદ પછીની સ્થિતિમાં વકરેલી બીમારીઓનું સંયોજન થતા હવે શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો ઊભો થયો છે, અને રાજકોટ, જુનાગઢ, જામનગર સહિતના શહેરોમાં તો ઉપદ્રવ વધવા લાગ્યો છે, તંત્ર પણ સફાળું જાગ્યું છે, અને રાહત-બચાવ, સ્થળાંતર, મદદ ઉપરાંત તૂટેલ-ફૂટેલા માર્ગોની મરામત,માર્ગો પર પડેલા વૃક્ષો-થાંભલાને હટાવવા અને વીજપુરવઠાના પુન:સ્થાપન સહિતના કામો થઈ રહ્યા છે, જેથી જ્યાં વરસાદ થંભી ગયો છે, અને વરાપ નીકળ્યો છે તેવા કેટલાક વિસ્તારોમાં જનજીવન થાળે પડવા લાગ્યું છે, તો ઘણાં સ્થળે હજુ તંત્ર પહોંચ્યું હોવાની રાવ પણ સંભળાઈ રહી છે.
જુનાગઢ અને જામનગરમાં તો પરંપરાગત ગંદકી, રાબેતામુજબની રેઢિયાળ વૃત્તિ અને ઓવરકોન્ફીડન્સ(!) ની માનસિક્તા તથા ’હોતી હૈ… ચલતી હે…’ની મનોવૃત્તિ હેઠળ ’સબસલામત’ની છડી પોકારતા રહેતા શાસકો-પ્રશાસકોની પોલ ખૂલી ગઈ છે, અને આખું નગર જાણે નર્કાગારમાં ફેરવાયું છે, અને તેના પરિણામે ભયંકર રોગચાળો ફેલાવા લાગ્યો નગરમાં કોલેરા ફેલાવા લાગતા મ્યુનિસિપલ કમિશનરે રાબેતામુજબ ’મિટિંગ’ યોજી અને તાબા હેઠળના અધિકારીઓ-કર્મચારીઓને ’તોડપાડ’ સહિત કેટલીક સત્તાઓ આપી, તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છર-માખી તથા જંતુજન્ય વાહક રોગચાળો પણ પ્રસરવા લાગ્યો અને એક જ વોર્ડમાં ગઈકાલે કોલેરાના 7 જેટલા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો.
જામનગર મહાનગરપાલિકાના કમિશનરે રણજીતસાગર ડેમનો કેટલો ઉપયોગી છે, અને આવતા જુલાઈ-ઓગસ્ટ સુધીની જામનગરની જરૂરિયાતનો જળરાશિ સંગ્રહ થઈ થયો છે, તેની ખુશી વ્યક્ત કરી તો બીજી તરફ રોગચાળા સંદર્ભે તંત્રે લીધેલા પગલાંની (સ્ટીરિયોટાઈપ) માહિતી પણ આપી, અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન દોહરાવીને નગરજનોને પણ કેટલીક શીખામણો આપી, પરંતુ ’શેઠની શિખામણ ઝાપા સુધી’ જ રહેશે કે પછી ગંભીર પ્રતિભાવ સાંપડશે, તે તો થોડા દિવસો પછી જ ખબર પડશે, ખરૂ કે નહીં?
જો કે, મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા નગરમાં કેટલાક સ્થળે ટીમો સક્રિય જણાય છે, પરંતુ તે સમગ્ર નગરવ્યાપી હોય તેમ જણાવ્યું નહીં. ઉચ્ચ કક્ષાએથી આપેલા આદેશને અનુસરીને કેટલાક સ્થળે ટીમો માંડ માંડ પહોંચી તો કેટલાક સ્થળે ફરક્યું જ નહીં હોવાની રાવ પણ સંભળાઈ, તો એક હેલ્થ સેન્ટરના તબીબ તો વિવિધ વિસ્તારોમાં જઈને સ્વયં લોકોને જાગૃત કરી રહેલા અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્યાપક જનજાગરણ કરી રહેલા પણ જણાયા.
જુનાગઢ જેવી જ સ્થિતિ ખંભાળિયા, દ્વારકા, ઓખા, આટકોટ, જસદણ, વેરાવળ, રાવલ, સલાયા, કાલાવડ, ભાણવડ, ધ્રોળ, જામજોધપુર, મીઠાપુર-સૂરજકરાડી શહેરી વિસ્તારો તથા મહત્તમ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઠેર-ઠેર જલભરાવ, તૂટેલા માર્ગો, પુલિયા, કોઝ-વે અને ધોરીમાર્ગો તેમજ શહેરોના આંતરિક માર્ગોના અધ:પતનના દૃશ્યો અખબારો અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી આપણે નિહાળી જ રહ્યા છીએ. સ્વાભાવિક રીતે જ અત્યારે તંત્રનું ફોકસ લોકોના રાહત-બચાવ, સ્થળાંતર, નિભાવ અને તેને આનુસાંગિક સેવાઓ પર હશે, પરંતુ પૂરના પાણી ઓસરી જાય અને થાગડથીગડ કરીને એટલે કે કામચલાઉ મરામત કામો કરાવીને જનજીવનને પાટે ચઢાવવામાં આવે અને સાર્વત્રિક સર્વે કરાવીને વિવિધ ક્ષેત્રો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાન સામે પુન:સ્થાપનના કદમ ઝડપભેર ઊઠાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
આજે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રનું બજેટ રજૂ કર્યું, અને સંસદમાં આર્થિક સર્વે રજૂ થયો હતો, તેને સાંકળીને જે પ્રતિભાવો તથા પ્રત્યાઘાતો આવી રહ્યા છે, તેમાં પણ કુદરતી આફતો, અતિવૃષ્ટિ, પૂર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ખેતીવાડીને થયેલા નુક્સાન સામે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો સત્વરે રાહત-પેકેજો જાહેર કરશે, તેવો આશાવાદ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પડઘાઈ રહ્યો છે.મહારાષ્ટ્રના મુંબઈમાં પણ વરસાદની સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી રહી છે, તો દેશના કેટલાક અન્ય રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કુદરતી આફતોએ કહેર વર્તાવ્યો છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા બે-ચાર દિવસોથી મેઘતાંડવ, અતિવૃષ્ટિ અને પૂર-જલભરાવના કારણે થયેલી તબાહીને લક્ષ્યમાં લઈને શાસકો-પ્રશાસકો ’ડ્રામેટિક્સ’ નહીં, પરંતુ ’પ્રેકટિકલ’ અભિગમ અપનાવીને પીડિત લોકોની પડખે સતત ઊભા રહેશે, તેવી આશા રહી છે.જો કે, આ માત્ર ’કહેર’ નથી, પરંતુ ’મહેર’ પણ છે… નદી-નાળા છલકાયા છે, ચેકડેમો ભરાઈ ગયા છે, એક પછી એક નાના-મોટા તમામ જળાશયો-ડેમો ઓવરફ્લો થવા લાગ્યા છે, તેના કારણે આવતા વર્ષની પીવાના પાણીની ચિંતા તો હળવી થઈ જ ગઈ છે, સાથે સાથે કૃષિ અને સિંચાઈની દૃષ્ટિએ પણ જળરાશિ ખૂબ જ ઉપયોગી પૂરવાર થવાની છે. આ ખરીફ સિઝન ખૂબ જ સારી ઉતરે અને જેના પાક ધોવાઈ ગયા હોય, તેઓ પણ તેની રિકવરી ઝડપભેર કરીને નવા પાકો ઉગાડે, અને ખેતીવાડીની દૃષ્ટિએ મબલખ ખેત-ઉત્પાદન થાય, તેવી ઈચ્છા રાખવી અસ્થાને તો નથી જ ને?”

Latest articles

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

Latest News

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...