Homeઅમરેલીદેશમાં ચાલુ થયેલા આડેધડ બુલડોઝર એક્શન સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ થતાં...

દેશમાં ચાલુ થયેલા આડેધડ બુલડોઝર એક્શન સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ થતાં હવે અટકશે

Published on

spot_img

સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બની રહી છે, અને પાર્કિંગ પ્લેસમાં કોમર્શિયલ બાંધકામો થઈ જતા વાહનો રોડ પર પાર્ક કરવા પડતા હોવાથી પણ ટ્રાફિક સમસ્યા ઘેરી બને છે. ચોમાસામાં જ્યારે સેલરોમાં પાણી ભરાઈ જાય અને કેટલાક રોડ પણ જળમગ્ન હોય, ત્યારે પાર્કિંગની પળોજણ બ્લડપ્રેસર વધારનારી બની જતી હોય છે.
બીજી તરફ ગુન્હાઓ નોંધાયા પછી થતાં ’આડેધડ બુલડોઝર એક્સન’ સામે સુપ્રિમ કોર્ટે લાલ આંખ કરી છે અને કોઈના કાયદેસરના બાંધકામને ખોટી રીતે તોડી પાડવાનો કોઈને અધિકાર નથી, તેવા મતલબની ટિપ્પણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં માત્ર ટ્રાફિક નિયંત્રણ માટે નહીં, પરંતુ ખરાબ-તૂટેલા-ફૂટેલા માર્ગો, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર સહિતની તમામ સમસ્યાઓને સાંકળીને ત્વરિત એક્સન લેવાની વ્યવસ્થા સાથેના સક્રિય કન્ટ્રોલ રૂમ તથા કોમન હેલ્પલાઈન શરૂ કરવા રાજ્ય સરકારને તાકીદ કરી છે.
ગુજરાતના ખેડા જિલ્લાનો આવો જ એક કિસ્સો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કઠલાલ ગામના એક શખ્સ સામે દસ-બાર દિવસ પહેલા નોંધાયેલા ગુન્હા પછી એફઆઈઆર થઈ હતી. આ પરિવારે ચાર-પાંચ દિવસ પછી ખેડાના ઉચ્ચ પોલીસ તંત્રને એવી ફરિયાદ કરી હતી કે તેના કાયદેસર રીતે નિર્માણ થયેલા મકાન પર બુલડોઝર ફેરવવાની ધમકી અપાઈ રહી છે. આ મુદ્દે સર્વોચ્ચ અદાલતે સખ્ત ટિપ્પણી કરી હતી કે, કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સામે કાનૂની પ્રક્રિયા હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે, પરંતુ કાયદેસરના મકાન તોડી પાડવાની ધમકી આપવી એ કાનૂનના શાસનની વિરૂદ્ધનું કદમ ગણાય.
આ કિસ્સાની ચર્ચા સાથે પ્રેસ-મીડિયાના અહેવાલો મુજબ આ પહેલા પણ સર્વોચ્ચ અદાલતમાં બે જજોની બેન્ચે ’બુલડોઝર’ એક્સન હેઠળ ગુન્હાહિત આરોપોના આધારે લોકોની મિલકતો તોડી પાડવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બુલડોઝર એક્સનને પડકારતી અરજીઓના સંદર્ભે જણાવાયું હતું કે શિક્ષાત્મક પગલાં લઈને સત્તાવાળાઓ દ્વારા ઘરો તોડી પાડવાના મુદ્દે સર્વોચ્ચ અદાલત દેશવ્યાપી ગાઈડલાઈન્સ ઘડવાની દિશામાં વિચારણા કરી રહી હોવાના સંકેતો પણ આપ્યા હતાં.
તંત્રો દ્વારા આ પ્રકારના બુલડોઝર એક્સન્સ આમ તો પહેલેથી છૂટક છૂટક ધોરણે લેવાતા રહ્યા હશે, પરંતુ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે નામચીન ગુનેગારો-ગેન્ગસ્ટર્સની મિલકતો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું, જેને લોકોમાં પણ જનરલ આવકાર મળ્યો, પરંતુ તે પછી આ પ્રક્રિયા દેશવ્યાપી બનવા લાગી, અને અબજો-ખરબોની ગેરકાયદે મિલકતો ધરાવતા દબંગ અને ઘાતકી માનસિક્તા ધરાવતા ગુનાખોરો તથા સામાન્ય ગુનેગારોને એક લાકડીએ હાંકીને કોઈ શખ્સ સામે ગુન્હો નોંધાય, તે પછી તે તેના પરિવાર સાથે રહેતો જ ન હોય, ઉઠલપાનિયો અને કાબુ બહાર હોય, છતાં તેના પરિવારની મિલકતો પર પણ બુલડોઝર એક્સન લેવાવા લાગ્યા હોવાની રાવ ઊઠવા લાગી. તે પછી તો કઠલાલના કિસ્સાની જેમ કોઈ શખ્સ સામે ગુન્હો નોંધાયા પછી તેના પરિવારની કાયદેસરની મિલકતો પર બુલડોઝર ફેરવવાની ધમકીઓ અપાતી હોવાની રાવ પણ ઊઠવા લાગી હોવાથી સુપ્રિમ કોર્ટે હવે હસ્તક્ષેપ કરવાનું મન બનાવ્યું હશે, તેમ તદ્વિષયક તજજ્ઞોમાં ચર્ચાઈ રહ્યું છે
મીડિયા અહેવાલો મુજબ સુપ્રિમ કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું હતું કે કાયદેસરની મિલકતો પર આડેધડ ફેરવાતુ બુલડોઝર અને કાયદા પર ચલાવાતા બુલડોઝર એક સમાન છે, અને આવું કદમ પણ ગેરકાનૂની જ ગણાય!
બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને બિસ્માર-જર્જરિત માર્ગો, ગેરકાયદે પાર્કિંગ વગેરે અંગે અદાલતની અવગણના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) ની એક અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ખૂબ જ આકરા શબ્દોમાં ખખડાવી નાંખી હતી, અને માત્ર ટ્રાફિક જ નહીં, પણ લોકોને અકળાવતી તમામ સમસ્યઓને સાંકળીને એક્ટિવ, અવિરત અને અદ્યતન હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્દેશ પણ કર્યો હતો.
રાજ્ય સરકારે ટ્રાફિક સમસ્યાને લઈને રાજ્યવ્યાપી હેલ્પલાઈન શરૂ કરી દીધી હોવાનો જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે અને જામનગર સહિતના શહેરોમાં અલાયદા ટ્રાફિક કન્ટ્રોલ રૂમના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારનો કાન આમળીને કડક શબ્દમાં કહ્યું છે કે માત્ર ટ્રાફિક જ નહીં, રખડતા ઢોર, બિસ્માર માર્ગો, માળખાકીય સુવિધાઓને સાંકળતી એક હેલ્પલાઈન તૈયાર કરો અને તેનો વાસ્તવિક રીતે અમલ થાય, તે સુનિશ્ચિત કરો.હાઈકોર્ટની ખંડપીઠે કોમન સર્વગ્રાહી હેલ્પલાઈન શરૂ કરવા ભારપૂર્વક ફરીથી તાકીદ કર્યા પછી હવે રાજ્ય સરકાર અને નગરપાલિક-મહાનગરપાલિકાઓના તંત્રો કેટલા સક્રિય થાય છે અને કેટલી ઝડપથી હાઈકોર્ટની સૂચનાઓનો અમલ કરે છે, તે જોવાનું રહે છે. અદાલતે અમદાવાદ મહાનગરપાલિકાની કાઢેલી ઝાટકણી આખા રાજ્યની તમામ જુની-નવી મહાનગરપાલિકાઓને પણ લાગુ પડે જ છે અને અદાલતે જે તાકીદ કરી છે, તે રાજ્યવ્યાપી છે. સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને અપાયેલા નિર્દેશો રાજ્યવ્યાપી અને સાર્વત્રિક છે, ત્યારે હવે જામનગર સહિતની મનપાઓના મેયરો અને મ્યુનિસિપલ કમિશનરો આ પ્રકારની ’કોમન સર્વગ્રાહી, સક્રિય અને સચોટ’ હેલ્પલાઈનને લઈને કેટલી પ્રેસ-કોન્ફરન્સો કરે છે, તે જોવું રહ્યું.જો કે, જામનગરમાં ’જેઅમસી કનેક્ટ’ એપનું લોન્ચીંગ થઈ ચૂક્યું છે, અને આ ’એપ’ લોકોની ફરિયાદો ઉપરાંત પણ બહુલક્ષી સેવાઓ આપશે, તેવો દાવો કરાયો છે, પરંતુ જોઈએ… બાકી તો નિવડે વખાણ થાય, ખરું ને?”

Latest articles

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

Latest News

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...