વર્ષના મોટા ભાગના દિવસોમાં કોલકાતાના ગારિયાહાટ ફ્લાય ઓવર નીચે ખુલ્લી હવામાં શતરંજ રમાતી હોય છે. પરંતુ આ દિવસોમાં ગારિયાહાટ અને તેની પાસેના પ્રિન્સ અનવર શાહ રોડ કે રાજા એસસી માલિક રોડ ઉપર ચિક્કાર ગીરદી જમા થતી હોય છે. દુર્ગા પૂજાની તૈયારીઓના ભાગરૂપે કોલકાતાના ઘણા વિસ્તારોમાં પગ મૂકવાની જગ્યા ન મળે એટલી ભીડ ભેગી થતી હોય છે. બંગાળના પ્રમુખ તહેવારની જોરશોરથી પૂર્વતૈયારીઓ કુંભના મેળાની શહેરી આવૃત્તિ જેવી લાગે. દક્ષિણનો ગારિયા હાટથી લઈને ઉત્તરના હાટી બગાન સુધીના વિસ્તારો ધમધમી ઉઠે.
ગેલીફ સ્ટ્રીટ કે શ્યામ બજારની ઘણી ગલીઓમાં કોઈ પણ વાહનના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવો પડે. કોલકાતાની જૂની બજારોના ધંધાર્થીઓ રાતે ચાર-પાંચ વાગ્યા સુધી કામ કરતા જોવા મળે. કોલકાતાની ફૂટપાથ ઉપર ફરતા ફેરિયાઓ આખું વર્ષ ભાવતાલ કરે પણ આ ઉત્સવ દરમિયાન તેઓ પોતાની વસ્તુના ભાવમાં અડગ રહી જાય. ટુંકમાં, દુર્ગા પૂજા એ તહેવાર છે કે એ દરમિયાન જો કોઈ પણ પ્રવાસી બંગાળમાં એ ગ્રંથિ લઈને જાય કે બંગાળમાં ગરીબી ઘણી જોવા મળશે – તો તેની એ પૂર્વધારણા સદંતર ખોટી પડે.
દુર્ગા પૂજા વખતે બંગાળના અર્થતંત્રમાં આવી જતો ચમકાટ આ વખતે ઓછો જોવા મળી રહ્યો છે. દુર્ગા પૂજા પહેલાની પૂર્વ તૈયારીઓનો ધમધમાટ અદ્રશ્ય છે. કોઈ બંગાળી દસ વર્ષ પછી વિદેશથી આ સમય દરમિયાન પાછો ફરે તો ઉત્સાહનો આ અભાવ તેને આંચકો આપી શકે. હજુ દુર્ગા પૂજાને ચંદ દિવસોની વાર છે પણ વેપારીઓ રાતના બાર પહેલા શટર પાડી દે છે. બંગાળીઓ તેના ઘરની બહાર ખરીદી કરવા માટે નીકળી જ રહ્યા નથી. આપણે ત્યાં ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી મહારાષ્ટ્રના પગલે જે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે અને દરેક રસ્તે ગણપતિના પંડાલ ખૂલે છે એમ જ કોલકાતાની દરેક ગલીમાં દુર્ગા માનો પંડાલ હોય.
પણ એ વર્ષોથી નહી પણ સદીઓથી. આ વર્ષ પ્રથમ હશે કે બધા પંડાલોની સ્થાપના થઈ ગઈ છે પણ બંગાળી પ્રજા ખરીદી કરી નથી રહી. દિવાળી કરતા પણ દુર્ગા પૂજાનું બંગાળી સંસ્કૃતિમાં વધુ મહત્વ છે. રોશની વિનાની દિવાળી કેવી? બંગાળીઓના ઉત્સાહ વિના દુર્ગા પૂજાનો મહા ઉત્સવની રોનક કેવી? જે તહેવાર પેઢી દર પેઢી પૂરી તાકાતથી ઉજવાતો હોય એમાં નીરસતા વ્યાપી જાય તો એ બહુ ગંભીર વાત ગણાવી જોઈએ. અફસોસ કે દેશની મુખ્ય સરકાર કે માધ્યમોના મુખ્ય પ્રવાહો આ સ્થિતિને અવગણી રહ્યા છે.ઉત્સાહનો અભાવ ફક્ત ભીડ કે ટ્રાફિક જામથી માપવામાં આવતો નથી. તેના અમુક સૂચક પ્રમાણો હોય છે. ઉદાહરણ તરીકે બહુ જ ટ્રાફિક કે ગીરદી થઈ જતી હોવાના કારણે દર વર્ષે બંગાળ પોલીસ અમુક વિસ્તારોમાં દુર્ગા પૂજાના મહિના પહેલાથી બેરિકેડ ગોઠવીને ટ્રાફિકનું વ્યવસ્થાપન કરતી હોય છે. આ વર્ષે બંગાળ પોલીસે મોટા ભાગના બરિકેડ હટાવી દેવા પડ્યા કારણ કે ટ્રાફિક થયો જ નહી, પ્રજા ખરીદી માટે અપેક્ષા મુજબ નીકળી જ નહી. આ સમય દરમિયાન બંગાળમાં જે સ્તર ઉપર રિટેલ બિઝનેસ થાય એટલો ભારતના કોઈ પણ રાજ્યમાં એ સમય દરમિયાન ન થાય. આ વખતે ખરીદ – વેચાણમાં ગઈ સાલની સરખામણીમાં 35% નો ઘટાડો જોવા મળ્યો છે.
હવામાન ખાતાની પરિભાષામાં આ સ્થિતિને રેડ વોર્નિંગ કહેવાય. ઘણા બ્લ્યુ-કોલર કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને દુર્ગા પૂજાની પહેલા બોનસ મળતું હોય છે. આ વખતે સરકારી નોકરિયાતો સિવાય ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને દર વર્ષ જેટલું બોનસ પણ મળ્યું નથી. ઘણા નાના વેપારીઓ ફક્ત આ જ તહેવારની રાહ જોતા હોય છે. દુર્ગા પૂજા નિમિતે ધંધો કરીને તેઓ આખું વર્ષ ગુજરાન ચલાવતા હોય છે. એ બધા વેપારીઓ અત્યારે વીલા મોઢે ફરે છે. કોલકાતાના શોપિંગ મોલમાં કાગડા ઉડી રહ્યા છે.
ઈ. સ. 2019 ના અભ્યાસ મુજબ દુર્ગા પૂજાના કારણે પશ્ચિમ બંગાળના અર્થતંત્રમાં 32,000 કરોડનો ઉમેરો થતો હોય છે. છેલ્લા અમુક વર્ષોમાં પચાસ હજાર કરોડ કરતાં વધારે કિંમતનો વેપાર આ ઉત્સવ દરમિયાન થાય છે તેવો નક્કર અંદાજ છે. વિશ્વના મોટા મોટા આંતરરાષ્ટ્રીય તહેવારો જેવા કે બ્રાઝિલનું રીઓ કાર્નિવલ, જાપાનનું હનામી ફેસ્ટિવલ, જર્મનીનું ઓક્તોબર-ફેસ્ટ, સ્પેનનું પ્રખ્યાત બુલ – રેસ વાળું સેન ફર્મિંન પણ તે દેશના અર્થતંત્રને આટલો વેગ નથી આપી શકતું જેટલો વેગ દુર્ગાપૂજાને કારણે ભારતને મળે છે.દુર્ગા પૂજાના મહિના દરમિયાન એકલા કોલકાતામાં ત્રણ લાખ લોકોને રોજગાર મળતો હોય છે. આ વખતે જેની પાસે ઉત્સવ સંબંધિત વસ્તુઓ બનાવવાનો કે વેચવાનો કાયમી રોજગાર છે એને પણ નફો મેળવવાના ફાંફાં છે. કોલકાતામાં ફેરિયાઓની સંખ્યા સતત વધતી જાય છે. એ બેરોજગારી અને અર્થતંત્રના પતનનું સૂચક છે.રંગબેરંગી દુર્ગા પૂજાના આગલા સપ્તાહ સુધી આ વર્ષે જે શ્વેત શ્યામ ચિત્ર જોવા મળે છે તેના અમુક કારણો છે. આ વર્ષનું મુખ્ય કારણ આર.જી. કાર હોસ્પિટલમાં થયેલા બળાત્કારની જઘન્ય ઘટના. તેના કરતાં પણ વિશેષ મમતા સરકારના આ દુર્ઘટના તરફના વલણને કારણ પ્રજામાં જે રોષ વ્યાપ્યો તે છે. મોટું ચિત્ર જોઈએ તો ભારતમાં મંદી છે અને મોંઘવારી સતત વધી રહી છે તે સત્ય છે.કેન્દ્ર સરકાર બંગાળ તરફ સતત ઉપલક્ષ સેવે છે અને બંગાળી પ્રજા અત્યારે મોંઘવારીમાં ભીંસાઈ રહી છે. મોદી સરકાર અને મમતા સરકાર વચ્ચેનું તું તું મેં મેં કોઈને ફાયદો નથી કરાવી રહ્યું. કોરોનાએ તો મોટો ફટકો પાડેલો જ પરંતુ ઘણા બંગાળી વેપારીઓના મત મુજબ જીએસટી અને એમાં સતત આવી રહેલા સુધારાઓએ બજારને સ્થિર થવા દીધું જ નથી. અમુક નિષ્ણાતોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ઈ. સ. 2016 ની નોટબંધી પછી દુર્ગા પૂજાની ચમક ઉતરતા ક્રમમાં સતત ઘટી રહી છે.