Homeઅમરેલીભારતીય પ્રવાસીઓના દાણા ચણીને ઉડતાશીખેલું માલદીવ મોદીને ઠેબે કેમ ચડ્યું છે?

ભારતીય પ્રવાસીઓના દાણા ચણીને ઉડતાશીખેલું માલદીવ મોદીને ઠેબે કેમ ચડ્યું છે?

Published on

spot_img

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવનાં પ્રધાન માલશા શરીફે ટીકા કરી તેના કારણે મોટો વિવાદ થઈ ગયો છે. માલશાના રવાડે ચડીને બીજાં બે પ્રધાનો મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદે પણ ભારત વિશે ખરાબ કોમેન્ટ્સ કરી. નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ ગયેલા ને ત્યાં દરિયાકિનારે બેસીને પડાવેલા ફોટો પર માલશાએ કોમેન્ટ કરેલી. મોદી એક હિન્દુ ચહેરો છે ને એની ટીકા કરવાથી આંતરરાષ્ટ્રીય મુસ્લિમ સમુદાય રાજી થશે એવી ધારણા માલદીવની ત્રણેય પ્રધાન બાનુઓની હતી જે ઊંધી પડી ને એમની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ.
માલશા શરીફ, મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદે ભારતીય ટુરિઝમ, લક્ષદ્વીપ વગેરે પર કોમેન્ટ્સ કરીન પોતાની હલકી માનસિકતા છતી કરી તેમાં ભારતીયોનો આક્રોશ ફાટી નીકળ્યો. સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ હેશ ટેગ સાથે ભારતીયોએ માલદીવની ઢોકળી ધોઈ નાંખી. સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય લોકો સુધીનાં બધાં માલદીવ સામે આક્રોશ ઠાલવવામાં જોડાયાં તેમાં માલદીવના શાસકોની ફાટી ગઈ અને ઘાંઘા થઈને દોડતા થઈ ગયા.
સૌથી પહેલાં તો મોદી અને ભારત સામે હીન કોમેન્ટ કરનારા ત્રણ પ્રધાનો માલશા શરીફ, મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદને ગડગડિયું પકડાવીને રવાના કરી દેવાયા. એ પછી માલદીવની સરકારે સત્તાવાર રીતે નિવેદન આપ્યું કે, તેમના ત્રણ પ્રધાનોએ આપેલાં નિવેદન જરાય સ્વીકૃત નથી અને આ નિવેદનો માલદીવ સરકારનું સત્તાવાર વલણ નથી. માલદીવના શાસકોએ ભારતની માફી પણ માગી અને પાડોશી દેશો સાથે સારા સંબંધોની દુહાઈ પણ આપી.
માલદીવનાં સાંસદો તથા બીજા નેતાઓએ પણ ભારત સામે કરાયેલાં નિવેદનોની ઝાટકણી કાઢી છે. ભારત સરકારે પણ માલદીવના હાઈ કમિશ્નરને બોલાવીને તતડાવ્યા છે. માલદીવ સરકાર સત્તાવાર રીતે પહેલાં જ કહી ચૂકી છે કે, તેનાં પ્રધાનોના નિવેદનો સાથે માલદીવ સરકારને કંઈ લેવાદેવા નથી. આ સંજોગોમાં માલદીવના હાઈ કમિશનરે શું કહ્યું હશે એ કહેવાની જરૂર નથી.માલદીવની ફાટી ગઈ તેનું કારણ એ છે કે, ટુરિઝમ આધારિત માલદીવની ઈકોનોમી સંપૂર્ણપણે ભારતીયો પર નિર્ભર છે. માલદીવ આવતા વિદેશી પ્રવાસીઓમાંથી 10 ટકાથી વધારે પ્રવાસી એકલા ભારતથી આવે છે. 2023માં 2.10 લાખ જ્યારે 2022માં 2.40 લાખ ભારતીયો માલદીવ ફરવા ગયેલા. માલદીવના બહિષ્કારની ઝુંબેશ જોર પકડે તો માલદીવના ટુરિઝમની વાટ લાગી જાય.
માલદીવના ટાપુઓ પર કરોડો રૂપિયાનું રોકાણ કરીને બનાવાયેલા લક્ઝુરીયસ બીચ રીસોર્ટ્સને તાળાં મારવાં પડે ને ટુરિઝમમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારો ભાગી જાય. હજારો લોકો બેરોજગાર થાય એ લટકામાં. ટુરિઝમ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે વેપારીઓ પણ માલદીવનો બહિષ્કાર કરવાના મૂડમાં છે એ જોતાં માલદીવના અર્થતંત્રને મોટો ફટકો પડી જાય તેથી માલદીવના શાસકો રઘવાયા થઈ ગયા છે.
ભારતમાં આ પ્રકારના દેશપ્રેમના ઉભરા છાસવારે આવે છે ને પછી બધું ઠંડુ પડી જતું હોય છે. ભૂતકાળમાં ચીનના માલના બહિષ્કારના મુદ્દે પણ આવા ઉભરા આવેલા છે એ જોતાં ખરેખર લોકો માલદીવ ફરવા જવાનું બંધ કરશે કે કેમ તેમાં શંકા છે પણ આ મુદ્દો બહુ નાનો છે. મોટો મુદ્દા માલદીવના વલણનો છે અને આ ત્રણ પ્રધાનોનાં નિવેદનોએ સાબિત કર્યું છે કે, માલદીવ્સમાં ભારત વિરોધી માહોલ બનાવવામાં ચીનને સફળતા મળી છે. આમ તો હિંદ મહાસાગરમાં આવેલા ટચૂકડા ટાપુઓના બનેલા માલદીવની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મૂઈજ્જુ જીત્યા ત્યારે જ આ વાત સ્પષ્ટ થઈ ગયેલી.
ભારત માટે મૂઈજજુની જીત આંચકાજનક હતી કેમ કે પીપલ્સ નેશનલ કોંગ્રેસના મોહમ્મદ મૂઈજજુ હળાહળ ભારત વિરોધી અને ચીનના પીઠ્ઠુ છે. માલદીવના વર્તમાન તત્કાલિન પ્રમુખ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહ ભારતતરફી હોવાથી ભારત મોહમ્મદ સાલિહ ફરી જીતે એવું ઈચ્છતો હતો પણ લોકોએ મોહમ્મદ મૂઈજજુને જીતાડીને તેમના ભારત વિરોધી એજન્ડાને સમર્થન આપેલું.મૂઈજજુએ પ્રમુખપદની ચૂંટણીમાં ઈંડિયા આઉટનો નારો આપેલો.
તેમનું કહેવું હતું કે, સોલિહના શાસનમાં માલદીવ્સમાં ભારતની દખલગીરી બહુ વધી ગઈ છે. માલદીવને બચાવવા માટે ભારતને માલદીવને કાઢવું પડે ને ભારતને કાઢવા માટે સોલિહને હટાવવા પડે. માલદીવનાં લોકોને આ વાત અસર કરી ગઈ ને મૂઈજજુ જીતી ગયા તેના પરથી સ્પષ્ટ હતું કે, માલદીવ્સમાં ભારત વિરોધી લાગણી પ્રબળ બની રહી છે. એ સ્વાભાવિક પણ છે કેમ કે સવા પાંચ લાખની વસતી ધરાવતા માલદીવ્સમાં 98 ટકા લોકો સુન્ની મુસલમાન છે. મુસલમાનોને ભારતક વિરોધી બનાવવાનો એજન્ડા માલદીવ્સમાં પણ કામ કરી રહ્યો છે.
ચીન માલદીવ્સમાં ભારત વિરોધી માહોલ બનાવીને ઘૂસવા માટે દાયકાઓથી મથતું હતું ને તેમાં સફળ થઈ રહ્યું છે તેનો મૂઈજજુની જીત પુરાવો હતો. હવે માલદીવના પ્રધાનોનાં નિવેદનો આ વાત પર મંજૂરીની મહોર મારે છે.માલદીવ જે કંઈ કરી રહ્યુ છે એ ઉપકારનો બદલો અપકાપર છે કેમ કે માલદીવ્સમાં જ્યારે પણ કટોકટી આવી ત્યારે ભારત તેના પડખે ઊભું રહ્યું છે. માલદીવમાં 1978થી અબ્દુલ ગયુમનું શાસન હતું. ગયુમ રાષ્ટ્રપતિપદે ત્રણ દાયકા રહ્યા. ગયુમના શાસન વખતે માલદીવને ભારતે છૂટા હાથે મદદ કરેલી. ગયુમે 2008માં લોકો સીધી ચૂંટણી કરે તેવી પદ્ધતિ અપનાવી તેમાં હારી ગયા પછી મોહમેદ નાસિર પ્રમુખ બનેલા. નાસિર ભારતતરફી હતા તેથી ચીનને મોકો ના મળ્યો પણ એ પછીની ચૂંટણીમાં યામીન જીત્યા એટલે ચીનને ઘૂસણખોરી કરવાની તક મળી ગઈ.
ભારત માટે માલદીવ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. હિંદ મહાસાગરમાં આવેલા માલદીવનું ભૌગોલિક સ્થાન ભારત માટે મહત્ત્વનું છે. ભારતની દક્ષિણમાં શ્રીલંકાની ડાબી તરફ માલદીવના ટાપુ દેખાશે. દુનિયાના નકશા પર ટચૂકડા ટપકા જેવા માલદીવના ટાપુ હિંદ મહાસાગરમાં કોનું વર્ચસ્વ રહેશે એ નક્કી કરે છે.ચીનનો માલદીવમાં પગપેસારો વધે તો ચીન ભારતને ત્રણ તરફથી ઘેરી શકે. ચીન ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) દ્વારા પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી ગયું છે. માલદીવ પર ચીનનો કબજો હોય તો ભવિષ્યમાં ચીન ભારત પર જમીન, દરિયાઈ અને હવાઈ એમ ત્રણેય માર્ગે આક્રમણ કરી શકે. માલદીવ્સમાં ચીનના વર્ચસ્વનો ઉપયોગ કરીને પાકિસ્તાન પણ ભારતમાં આતંકીઓ ઘૂસાડી શકે, પાકિસ્તાન કાશ્મીર ને પંજાબ સરહદેથી આતંકવાદીને ભારતમાં ઘૂસાડે જ છે. માલદીવથી પાકિસ્તાન આતંકીઓ ઘૂસાડવા માડે તો ભારત માટે નવો ખતરો ઊભો થાય. ભારત માટે અત્યારે દરિયાઈ સરહદ સુરક્ષિત છે પણ માલદીવમાં ચીનનું વર્ચસ્વ દરિયાઈ મોરચે પણ ભારત માટે ખતરો ઊભો કરે.

Latest articles

28-12-2024

થર્ટી ફર્સ્ટ માટે પોલીસ દ્વારા કડક પગલા : એસપી શ્રી ખરાત

અમરેલી, અમરેલીનાં એસપીશ્રી સંજય ખરાતે અવધ ટાઇમ્સ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ...

પચપચીયા ગામે 10 વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાતા ધારાસભ્યશ્રી હિરાભાઇ દોડી ગયાં

રાજુલા, ખાંભા મુકામે ગઈકાલે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાજો હતો જેમાં તેનું મોત થવા...

બાબરાના નિલવડામાં ખુનની કોશિષ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી ઝડપાઇ ગયો

અમરેલી, ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમપરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામાં બનતા...

Latest News

28-12-2024

થર્ટી ફર્સ્ટ માટે પોલીસ દ્વારા કડક પગલા : એસપી શ્રી ખરાત

અમરેલી, અમરેલીનાં એસપીશ્રી સંજય ખરાતે અવધ ટાઇમ્સ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ...

પચપચીયા ગામે 10 વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાતા ધારાસભ્યશ્રી હિરાભાઇ દોડી ગયાં

રાજુલા, ખાંભા મુકામે ગઈકાલે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાજો હતો જેમાં તેનું મોત થવા...