અમરેલી,
અમરેલી જિલ્લામાં કલેક્ટરશ્રી અજય દહિયાનાં માર્ગદર્શનમાં જિલ્લા તંત્ર દ્વારા નદીઓ અને માર્ગો ઉપર સઘન ચેકીંગ કરી ગેરકાયદેસર થતી ખનીજની હેરાફેરી અને ખનીજ ચોરી ડામવા માટે ટીમો ઉતારવામાં આવતા એક જ રાતમાં જિલ્લા તંત્રએ રૂા.સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જાણવા મળતી માહિતી અનુસાર કલેક્ટરશ્રી અજય દહીયાનાં સીધા મોનીટરીંગમાં ગતરાત્રીનાં દરેક પ્રાંત કક્ષાએથી ટીમોને નદીમાં ઉતરાઇ હતી. અને સફેદ બેલા, રેતી, કાર્બોસેલ ખનીજ સહિતનાં ખનીજને ઓવરલોડેડ વહન કરતા અને બિનઅધિકૃત વહન કરાતા સફેદ બેલાનાં 11, રેતીનાં 7, કાર્બોસેલનાં 19 અને અન્ય ત્રણ મળી બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા 40 વાહનો સહિત રૂા.સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે, તમામ વાહનોનાં માલિકો સામે પણ ગેરકાયદેસર ખનીજ વહન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.રવિવારની મધરાત્રે ખનીજ વિભાગ ઉપરાંત જિલ્લાની નદીઓમાં, માર્ગો ઉપર પ્રાંત વાઇઝ રેવન્યુ તંત્ર અને મામલતદારોની ટીમોને પણ મેદાનમાં ઉતારવામાં આવતા અમરેલી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી આજે લાંબા સમયે ઠપ્પ થઇ ગઇ છે. અને આજ પ્રકારે ચાર દી’ કે અઠવાડીયે સરપ્રાઇઝ ચેકીંગ થાય તો આ પ્રવૃતિ ઉપર ઘણો અંકુશ આવી શકે તેમ છે. અમરેલી કલેક્ટરશ્રી અજય દહિયાએ ખનીજ ચોરી સામે નક્કરતાથી પ્રશંસનીય કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે.