ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ફરીથી સંઘર્ષની શરૂઆત થઈ છે. આમ તો આ કામ જુના ઘા ને તાજા કરવાનું છે. વર્તમાન સમયમાં બંને ઇમને સામને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જંગ બહુ પ્રાચીન છે. ખરેખર તો આ એ સમય છે કે જે સમયે દર વર્ષે બંને દેશો વચ્ચે સંઘર્ષ થાય છે. રમજાનના મહિનામાં પેલેસ્ટાઇનના લોકો પોતાની આઝાદીનો અવાજ આઝાદીનો અવાજ બુલંદ કરે છે. જ્યારે કે આ જ સમય ગાળામાં ઇઝરાયેલ પોતાની આઝાદીનો ઉત્સવ મનાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે નવો સંઘર્ષ શરૂ થયો છે. બેટલ ઓફ ગાઝા તરીકે ઓળખાવાયેલો ઈઝરાયેલનો હુમલો પેલેસ્ટાઇન લોકો માટે ભારે વિનાશક સાબિત થયો છૈ.
પેલેસ્ટાઇન પ્રદર્શનકારીઓ અને ઇઝરાયેલ પોલીસ વચ્ચે ઓછોવત્તો સંઘર્ષ તો ઘણા લાંબા સમયથી ચાલે જ છે. જેરુસલેમ શહેરના પ્રાચીન વિસ્તારમાં એ કાયમ ચાલુ હોય છે, જ્યાં મુસ્લિમ, યહૂદીઓ અને ખ્રિસ્તીઓના પવિત્ર સ્થળ આવેલા છે. આ વખતનો સંઘર્ષ રમજાન મહિનાની શરૂઆતમાં થયો, જ્યારે પેલેસ્ટાઇનના લોકોએ દુનિયામાં પોતાની હયાતીને પુરવાર કરવાની ડિમાન્ડ મજબૂત કરી અને એ માટે વિવિધ પ્રદર્શન શરૂ કર્યા. તરત જ ઇઝરાયેલની પોલીસે એની સામે એક્શન લેવાની શરૂઆત કરી. ભૂમધ્ય સમુદ્રને કિનારે વસેલા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન અંગે એવી ભ્રમણા ફેલાયેલી છે કે બંને દેશો વચ્ચે મુખ્ય રૂપથી તો આ લડાઈ ધાર્મિક છે અને હજારો વર્ષોથી ચાલી આવે છે.
જ્યારે કે બંને દેશોનો ઇતિહાસ તપાસીએ તો આવું બિલકુલ નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે ઈઝરાઈલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ માત્ર જમીન અને પોતપોતાની ઓળખ માટેનું છે. પરંતુ અનેક વખત એને ધાર્મિક સ્વરૂપે જોવામાં આવે છે અને બહારની દુનિયા તો લગભગ જાણતી જ નથી કે બન્ને વચ્ચે સંઘર્ષના મૂળ કારણ શું છે. 19 મી સદીની શરૂઆતમાં અને પછી બીજા વિશ્વયુદ્ધ પછી ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ભડકતું રહ્યું છે. બંને તરફથી જુદા જુદા પ્રકારના દાવાઓ કરવામાં આવે છે. ઇતિહાસકાર બેની મોરિસે કહ્યું છે કે પહેલા વિશ્વયુદ્ધ જેણે ઓટોમન સામ્રાજ્યને સંપૂર્ણ રીતે ખત્મ કરી દીધું હતું એણે મિડલ ઈસ્ટનું આખું ચિત્ર બદલી નાખ્યું હતું. ત્યારે અહીં પણ લોકોએ બીજા દેશોની પ્રજાની જેમ અલગ દેશની રજૂઆત કરી હતી.
ફક્ત પ્રાચીન જ નહી પણ એનાથી પણ જુના ઇતિહાસના પાના ઉથલાવીએ તો ખબર પડે કે યહૂદીઓએ સદીઓ સુધી પોતાનું ઘર સ્થાપવા માટે, પોતાની કહી શકાય એવી જમીન મેળવવા માટે અડધી દુનિયામાં સતત રઝળપાટ કર્યો છે. અહી સતત શબ્દની અંદર સદીઓ સમાવિષ્ટ છે એવું માનવું. સમગ્ર યુરોપ અને આફ્રિકામાં યહૂદીઓ જ્યાં પણ પોતાનું ઘર વસાવવા ગયા છે ત્યાંથી એમને જાકારો મળ્યો છે. સંખ્યાબળ ઓછું હોવાના કારણે કોઈ રાજાએ કે કોઈ સામ્રાજ્યની પ્રજાએ તેને આવકાર્યા નથી બલ્કે જાકારો આપ્યો છે. મોઝીસના સમયથી યહૂદીઓ આમતેમ ભટકતા રહ્યા અને ઠરીઠામ થયા નથી. યહૂદીઓના રઝળપાટ દરમિયાન સેંકડો વર્ષો સુધી આરબ મુસ્લિમોએ અત્યારે જ્યાં જેરૂસેલમ છે એની આસપાસના વિસ્તારમાં પોતાના તંબુ જમાવી દીધા હતા. માટે થયું એવું કે એ આરબોની કેટલીયે પેઢી એ જ જમીનમાં ઉછરી, મોટી થઈ અને બીજી પેઢીને જન્મ આપીને ચાલી ગઈ. માટે એ આરબો જમીનના એ ટુકડાને પોતાની જ માભોમ માનતા આવ્યા છે.
યહૂદીઓનો ઉદભવ આ જમીન ઉપર થયેલો માટે તેઓ ઈઝરાયેલને પોતાની માતૃભૂમિ માને છે. આરબો સદીઓ સુધી ત્યાં રહ્યા માટે તેઓ પણ તે જમીનને પોતાની ગણે છે. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તેના વર્ષો પહેલાથી યુરોપમાં યહૂદીઓ સાથે ઘાતકી દુર્વ્યવહાર ચાલુ થયેલો જે સાંઈઠ લાખ યહુદીઓની કતલેઆમમાં પરિણમ્યો. માટે ત્યારથી દુનિયાભરના યહૂદીઓ એક થઈ ગયા છે અને પોતાની મૂળ માતૃભૂમિ ઉપર દેશ સ્થાપીને જ બેઠા. પરંતુ બેઠા પછી નિરાંતનો શ્વાસ લીધો નથી. ફરી વખત ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તેની જડબેસલાક તકેદારી લીધી. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે વખતોવખત યુદ્ધ થયા છે અને દરેક વખતે આરબોને જબરી હાર મળી છે.
આ સમગ્ર વિસ્તાર ઈઝરાયેલના ભાગમાં આવી ગયો હતો પરંતુ જ્યારે યહૂદીઓએ પોતાના સ્વતંત્ર દેશની માગણી શરૂ કરી ત્યારે એ પણ રજૂઆત થઈ કે જેરુસલેમમાં યહૂદીઓ માટે એક વિશેષ જગ્યાનું નિર્માણ કરવામાં આવે, જેને યહૂદીઓ પોતાનું ઘર કહી શકે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનથી જોડાયેલો એક ભાગ 20મી સદીની શરૂઆતમાં સંઘર્ષનું કારણ માનવામાં આવે છે. આમ તો વર્તમાન સમયમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઇનને બે અલગ અલગ દેશ માનવામાં આવે છે, પરંતુ એ બંને દેશો એકબીજાના અસ્તિત્વને સ્વીકારતા નથી. બીજા વિશ્વ યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘે એક પ્રસ્તાવ લાવીને બંને દેશોને અલગ કર્યા જેના પછી ઇઝરાયેલ પહેલીવાર દુનિયાની સામે હયાતીમાં આવ્યું. ઈસવીસન 1947 માં સંયુક્ત રાષ્ટ્રે 181 નંબરનો એક પ્રસ્તાવ પ્રસારિત કર્યો જેનું મૂળરૂપ જમીનના ભાગલા પાડવાથી હતું.
આ પ્રસ્તાવ અંતર્ગત બ્રિટિશ રાજવાળાઓએ આ વિસ્તારને બે ભાગમાં વહેંચી આપ્યા. જેમાંથી એક ભાગ અરબ વિસ્તારનો અને બીજો ભાગ યહૂદીઓનો માનવામાં આવ્યો, ઈસવીસન 1948 માં સંયુક્ત રાષ્ટ્ર અને દુનિયાની નજરમાં પહેલીવાર ઈઝરાયેલ દેશનો જન્મ થયો. 14 મી મે 1948 ના દિવસે ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું હોવાને કારણે આ દિવસને તેઓ રાષ્ટ્રીય દિવસ તરીકે આજે પણ ઉજવે છે. આ જ દિવસે ઇતિહાસમાં પહેલીવાર આરબ અને ઇઝરાયેલીઓનું યુદ્ધ પણ શરૂ થયું. આ યુદ્ધ લગભગ એક વર્ષ સુધી ચાલ્યું અને 1949વમાં પૂરું થયું, જેમાં ઈઝરાયેલ જીત્યું હતું. આખરે પરિણામ એ આવ્યું કે અંદાજે સાડા સાત લાખ લોકોએ પોતાનો વતનનો વિસ્તાર છોડવો પડ્યો અને અંતમાં બ્રિટિશ રાજ્યનો જૂનો વિસ્તાર ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો. જેમાંથી ઇઝરાયેલ, વેસ્ટ બેંક એટલે કે પશ્ચિમ કિનારો અને મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશો. એની સંયુક્ત સરહદને ગાઝા પટ્ટી એવું નામ આપવામાં આવ્યું.