ધારીને ધમરોળતું મીની વાવાઝોડું : કેરીના પાકનો ખો બોલ્યો

ધારીને ધમરોળતું મીની વાવાઝોડું : કેરીના પાકનો ખો બોલ્યો

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે પાંચમાં દિવસે પણ જિલ્લા સતત હળવા ભારે ઝાપટાથી ગાજવીજ અને પવન સાથે પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં સતત અવિરત કમૌસમી માવઠાના કારણે ધારી તાલુકાનાં બાગાયતી પાકમાં કેસીના પાકને તેમજ ઉનાળુ બાજરી તલ, મગ, જેવા પાકોને મોટુ નુકશાન થયેલ છે અને અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે અને રિસોર્ટમાં પણ મોટુ નુક્શાન થયું છે. ધારીનાં લેક વ્યુ રિસોર્ટમાં મેરેજ ડોમ સહિત અનેક જગ્યાઓમાં વાવાઝોડાએ નુક્શાન કરતા 23 લાખ ઉપરાંતનું નુક્શાન થયું છે.લાઠીના અકાળામાં આજે બપોર બાદ પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ પડયાનો રાજુભાઇ વ્યાસની યાદીમાં જણાવાયું છે. બગસરામાં પવન અને ગાજવીજ સાથે છાંટા પડયાનું રૂપેશ રૂપારેલીયાની યાદીમાં જણાવાયું છે. અમરેલી તાલુકાના બાબાપુરમાં પવન સાથે છુટા છવાયા છાંટા પડયા બાદ મોડી સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડતા વિજળી ગુલ થઇ ગઇ હતી અને આસપાસનાં મેડી તરવડામાં પણ વરસાદ પડ્યાનું હસમુખ રાવલની યાદીમાં જણાવાયું છે. ધારી શહેર અને પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદના ઝાપટા પડયા હતાં અને પવન હોવાથી કેરી ખરી જતાં કેરીના પાકને મોટુ નુકશાન થયેલ છે. ધારી તાલુકાના સરસીયા, જીરા, ત્રંબકપુર, પાતળા, ગોવિંદપુર, ખીચ્ચા, દેવળા, વીરપુરમાં પવન સાથે કમૌસમી વરસાદના ઝાપટા પડયાનું ઉદય ચોલેરાની યાદીમાં જણાવાયું છે. જયારે ગીર પંથકના દલખાણીયામાં વરસાદનું હળવુ ઝાપટુ પડયાનું યોગેશ સોલંકીની યાદીમાં જણાવાયું છે. અમરેલી તાલુકાના ચિતલમાં વરસાદનું ઝાપટુ પડયાનું હરેશ ધંધ્ાુકીયાની યાદીમાં જણાવાયું છે. લીલીયા તાલુકાના હાથીગઢ, ઢાંગલા, સાજણટીંબા, બોડીયા, ખારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધા કલાકમાં વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાંક મકાનોના નળીયા ઉડયાનું શ્રીકાંતદાદા દવેની યાદીમાં જણાવાયું છે. લીલીયાથી મહેશભાઇ દવેના જણાવ્યા અનુસાર ગાજવીજ અને પવન સાથે વરસાદના છાંટા પડયા હતાં. ફતેપુરથી સતિષ રાઠોડના જણાવ્યા અનુસાર ફતેપુર, ચાપાથળ, પીઠવાજાળ, વિઠલપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. ડાભાળાથી રણજીત વાળાના જણાવ્યા અનુસાર ગાજવીજ અને પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટુ પડયુ હતું. બાગાયતી પાકમાં કેરી, ઉનાળુ પાકમાં બાજરી, તલ અને મગના પાકને નુકશાન થયેલ છે. અમરેલી શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતાં રસ્તાઓ ઉપર પાણી વહેતા થયાં હતાં. લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. બાબરાનાં ગરણી અને પાનસડામાં સાંજનાં 4 કલાક આસપાસ પવન સાથે વિજળીનાં કડાકા ભડાકા સાથે કમૌસમી વરસાદ ખાબકતા અંદાજે એક ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન તેમજ વિજળીની સાથે પાણી વહેતા થયા હતાં. થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો જ્યારે કોટડાપીઠા તેમજ કર્ણુકીમાં પણ વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. તેમ કોટડાપીઠાનાં પ્રતિનિધિ શ્રી ગીરીશભાઇ મહેતાએ જણાવ્યું