Homeઅમરેલીયોગીનો ઘડો લાડવો કરવા માટે ભાજપમાં ભેદી હિલચાલ છે પણ આ યોગી...

યોગીનો ઘડો લાડવો કરવા માટે ભાજપમાં ભેદી હિલચાલ છે પણ આ યોગી હવે હલે એમ નથી

Published on

spot_img

ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ ભેગા મળીને ભાજપનો ઘડોલાડવો કરી નાખ્યો ત્યારથી ભાજપમાં ડખાપંચક ચાલે છે. ઈસવીસન 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 62 બેઠકો જીત્યો હતો પણ આ વખતે સીધો 32 બેઠકો પર આવીને ઊભો રહી ગયો છે. બીજી તરફ 2019માં ગણીને 5 બેઠકો જીતનારી સમાજવાદી પાર્ટી સીધી 37 બેઠકો પર પહોંચી ગઈ જ્યારે કોંગ્રેસ એક બેઠક પરથી 6 બેઠકો પર પહોંચી ગઈ.
ભાજપે યુપીમાં આવાં પરિણામ આવશે એવું ધારેલું નહીં તેથી ભાજપના નેતા ઘાંઘા થઈ ગયા છે અને કોને બલિનો બકરો બનાવીને વેતરી નાખવો તેનું છેલ્લા દોઢ મહિનાથી ઘમ્મરવલોણું ચાલી રહ્યું છે. ભાજપે હારનાં કારણોની તપાસ માટે સમિતિ બનાવેલી ને નરેન્દ્ર મોદીની વારાણસી તથા રાજનાથસિંહની લખનઊ સિવાયની બાકીની 78 લોકસભા બેઠકો પરથી રિપોર્ટ મંગાવેલા. લાંબા સમયથી વખારમાં નાખી દેવાયેલા ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષને બહાર કાઢીને યુપી મોકલાયેલા. આ બધી કડાકૂટને અંતે છેવટે યોગી આદિત્યનાથનો ઘડોલાડવો કરી નાખવો એવું નક્કી થયું હોય એવું લાગે છે પણ યોગી આદિત્યનાથ મચક આપવા તૈયાર નથી તેમાં ઘમાસાણ મચ્યું છે.
યોગીને રાજીનામાની ફરજ પાડવા માટે ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ કારોબારી બોલાવીને આડકતરી રીતે યોગીને જવાબદાર ગણાવવાનો દાવ પણ ખેલી જોયો પણ યોગી હાથ જ મૂકવા નથી દેતા. યુપીમાં પોલીસ અને સરકારી કર્મચારીઓ ભાજપના કાર્યકરોને ગણકારતા જ નથી તેથી કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હોવાથી ભાજપ હારી ગયો એવી રેકર્ડ ભાજપના કેટલાક નેતા વગાડે છે, આ મુદ્દો ઉઠાવીને યોગીને વેતરી નાખવાનો દાવ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનાં કારણોની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠકમાં ખેલાયેલો.
ભાજપમાં નરેન્દ્ર મોદીના રાજકીય વારસ બનવા માટે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે હરીફાઈ ચાલે છે તેથી અમિત શાહ યોગીને કટ ટુ સાઈઝ કરી દેવા માગે છે. તેના ભાગરૂપે શાહે પોતાના રમકડા જેવા નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ચાવી ચડાવીને મોકલેલા. કેશવ પ્રસાદે યોગીને ટાર્ગેટ કરીને કહ્યું કે, સંગઠન સરકાર કરતાં ઉપર છે અને કોઈ વ્યક્તિ કે સરકાર સંગઠનથી ઉપર ના હોઈ શકે. મૌર્યે આડકતરી રીતે સરકારના દ્વાર ભાજપના કાર્યકરો માટે ખુલ્લાં નથી એવો આક્ષેપ કરીને કટાક્ષ પણ કર્યો કે, કાર્યકરોનું જે દર્દ છે એ મારું પણ દર્દ છે પણ કાલિદાસ માર્ગ પરના ભાજપના કાર્યાલયનાં દ્વાર કાર્યકર માટે હંમેશાં ખુલ્લાં છે.
યોગીએ પણ સામે ફૂંફાડો મારીને તડ ને ફડ કરીને કહી દીધું કે, યુપીમાં પોતે જે રીતે સરકાર ચલાવે છે એ રીતે જ ચલાવશે અને કોઈના કહેવાથી જરાય ફરક નહીં પડે. યોગીએ તો યુપીમાં ભાજપ અતિ આત્મવિશ્ર્વાસમાં હાર્યો છે એવું કારણ રજૂ કરીને હારની જવાબદારી સીધી મોદી પર જ નાખી દીધી. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સૌથી આત્મવિશ્ર્વાસમાં હતા ને પોતાની ગેરંટીના જોરે જીતી જવાની વાતો કરતા હતા એ જોતાં અતિ આત્મવિશ્ર્વાસની વાત બીજા કોને લાગુ પડે ? યોગીએ કટાક્ષ પણ કર્યો કે, ભાજપના કાર્યકરો સોશિયલ મીડિયામાં સવાર-સાંજ ગુડ મોર્નિંગના મેસેજ મોકલી શકે છે પણ વિપક્ષો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલી દેશે કે અનામત નાબૂદ કરી દેશે એવો પ્રચાર કરતા હતા તેનો જવાબ કેમ આપી શક્યા નહીં ? યોગીએ તો દેશ સંકટમાં હોવાનું કહીને મોદીને પણ લપેટી લીધા. મોદી વડા પ્રધાનપદે હોવા છતાં દેશ સંકટમાં હોવાની યોગીની ટીકાનો શો અર્થ એ કોઈને કહેવાની જરૂર નથી.
યોગીના આક્રમક તેવરે સૌની બોલતી બંધ કરી દીધી પછી હવે એક્શનનું કેન્દ્ર લખનઊથી બદલાઈને દિલ્હી થઈ ગયું છે. દિલ્હીમાં ઉપરાછાપરી બેઠકો થઈ રહી છે અને યોગીનો કાંટો કઈ રીતે કાઢવો તેની વ્યૂહરચનાઓ વિચારાઈ રહી છે. સમાજવાદી પાર્ટીની મજબૂત મતબેંક મનાતા ઓબીસી મતદારોને ખુશ કરવા ભાજપ હાઈકમાન્ડ ઠાકુર યોગીને બદલીને ઓબીસી મૌર્યને બેસાડવા આતુર છે પણ યોગીના આક્રમક તેવર જોતાં યોગી સીધી રીતે ખસે એ વાતમાં માલ નથી તેથી શું રસ્તો કાઢવો તેનું મનોમંથન ચાલી રહ્યું છે.
યોગી વધેરાઈ જવા માટે તૈયાર ના હોય તો એ ખોટા નથી કેમ કે લોકસભાની ચૂંટણી ઉત્તર પ્રદેશ સરકારની કામગીરી સામેનો જનાદેશ જ નથી. યોગીએ તો 2022માં જ વિધાનભાની ચૂંટણીમાં ભાજપને સળંગ બીજી વાર સ્પષ્ટ બહુમતી અપાવીને પાંચ વર્ષ રાજ કરવાનો જનાદેશ લઈ લીધેલો તેથી હવે તેમણે સીધા 2027મા જ જનાદેશ લેવા જવાનું છે.
લોકસભાની ચૂંટણી મોદી સરકારની કામગીરી સામેનો જનાદેશ છે. મતદારોએ મોદી સરકારની કામગીરીના આધારે મતદાન કર્યું હોવાથી ભાજપના ખરાબ દેખાવ માટે યોગી કે યોગીની સરકાર જવાબદાર નથી એ બહુ સ્પષ્ટ છે. જવાબદારી નક્કી જ કરવાની હોય તો એ જવાબદારી સૌથી પહેલાં નરેન્દ્ર મોદીની છે કેમ કે મોદી પોતાના નામે વોટ માગવા નીકળ્યા હતા.
મોદી પોતાને નામે ગેરંટીઓ આપતા હતા ને લોકોને ભાજપ કે બીજા કોઈની સામે જોવાની જરૂર નથી એવું કહેતા હતા. આ સંજોગોમાં ભાજપના ખરાબ દેખાવ બદલ કોઈએ રાજીનામું આપવાનું જ હોય તો મોદીએ રાજીનામું આપવું જોઈએ. મોદી તો રાજીનામું આપે નહીં તો પછી યોગી પણ શું કરવા રાજીનામું આપે ?

Latest articles

01-09-2024

જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા

આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન...

હિમાચલની કોંગ્રેસ સરકારે દીકરીઓની લગ્નવય એકવીસની ઠરાવી એને ઈતર રાજ્યો અનુસરશે?

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં ના કરી...

સહકા2ીતા સંવર્ધન કાર્યશાળાને સંબોધતા શ્રી સંઘાણી

અમરેલી, દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકા2 ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા વિસ્તા2ના વિકાસમા...

Latest News

01-09-2024

જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા

આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન...

હિમાચલની કોંગ્રેસ સરકારે દીકરીઓની લગ્નવય એકવીસની ઠરાવી એને ઈતર રાજ્યો અનુસરશે?

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં ના કરી...