અમરેલી,
બી-ઝેડ ફાયનાન્સીયલની રાજુલા ખાતે આવેલી ઓફિસને તાળા લાગી જતા રોકાણ કરનારા અનેક લોકોનાં શ્ર્વાસ અધ્ધર થઇ ગયા છે અને પ્રાથમિક રીતે બહાર આવેલી માહિતી અનુસાર ત્રણ વર્ષમાં ડબલ અને માસિક સાત ટકાનાં વ્યાજની લાલચ આપી ગુજરાતભરમાંથી 6 હજાર કરોડની રકમ ઉઘરાવી લેનાર આ બી-ઝેડ ફાયનાન્સીયલ સર્વિસની ગુજરાતભરમાંઆવેલ શાખાઓ ઉપર સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા પડતા નાના મોટા અનેક રોકાણકારો રાતા પાણીએ રડી રહ્યાં હતાં. પ્રાથમિક તપાસ દરમિયાન બેંક એકાઉન્ટમાંથી 175 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળી આવ્યાં હતાં. એક નનામી અરજી ઉપરથી આ કાર્યવાહી કરાતા મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. ભુપેન્દ્ર ઝાલા એટલે કે, બી-ઝેડનાં નામે હિંમતનગર તાલુકાનાં એક ગામડામાં રહેતા શખ્સ દ્વારા પોન્ઝી સ્કીમનાં નામે ધંધો શરૂ થયો હતો જેમાં ગુજરાતભરમાં વિસ્તરેલા તેમના નેટવર્કમાં છ હજાર કરોડ જેવી રકમ એકત્ર કરાઇ હોવા સહિતની અનેક માહિતીઓને કારણે સીઆઇડી ક્રાઇમે મંગળવારથી રેડ પાડવાની કામગીરી શરૂ કરી છે.