છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં માનવ સર્જિત કરૂણાન્તિકાઓનો એક લાંબો સિલસિલો ચાલ્યો છે. એમાં રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનની ઘટનાએ પ્રજાજીવનમાં હાહાકાર મચાવી દીધો આપણે ત્યાં નોનસેન્સ નગરસેવકોની એક હરોળ છે અને સરકારી હોવા છતાં સત્તાધારી પક્ષની સેવામાં રત રહેતા અધિકારીઓની એક નિરર્થક ફોજ છે. આને કારણે મહાનગરોની હાલત મોંઘેરા મોતના ડિસ્કાઉન્ટ કાઉન્ટર જેવી બની ગઈ છે. બાળકની જિંદગીને ઠેબે ચડાવતી અવ્યવસ્થાઓ સામે આંખ આડા કાન કરવાની સરકારી નીતિ રાજકોટની અગન જ્વાળામાં છતી ગઈ છે. સંપૂર્ણપણે કામચલાઉ સ્ટ્રક્ચરમાં ફાઈવ સ્ટાર ચાર્જ લઈને બાળકોને મનોરંજન આપવાના આવા ઝોન આઝાદી પછીના ભારતમાં ઠેર ઠેર જોવા મળે છે. રાજકોટમાં આમ થવાનું નક્કી જ હતું કારણ કે માલિકો સ્વયં મૂકબધિર રહીને સંચાલન કરતા હતા.
થોડા દિવસો પહેલા જ આ ટીઆરપી ઝોનમાં એક દીકરી નાની રમકડાની રેસિંગ ફસાઈ ગઈ હતી જેમાં એના લાંબા સુંદર વાળ ખેંચાતા તે લોહીલુહાણ થઈ ગઈ હતી અને માથા પર એક લટ પણ બચી ન હતી. સૌથી ગંભીર વાત એ છે કે ગુજરાત સરકારે હજુ સુધી ગેઈમ ઝોન અંગેના કોઈ નિયમ જ બનાવ્યા નથી અને એની મંજુરીની પ્રક્રિયા તથા એના ઓડિટ માટેની આગવી વ્યવસ્થા કરી નથી. ઘણી વખત મ્યુનિસિપલ અધિકારીઓ પોતાના ભ્રષ્ટાચારની ગેઈમ રમવા માટે આવા ઝોનની મુલાકાતે આવે તો માત્ર ફાયર સેફ્ટી માટેના એનઓસીની પૂછપરછ કરીને પોતાના પૂરતી રમત રમીને જતા રહે છે. જન્માષ્ટમીના મેળાઓ, વિવિધ પ્રકારના ફન વર્લ્ડ અને આવા ગેઈમ ઝોન અંગે સરકારે હજુ સુધી પદ્ધતિસરની આચાર સંહિતા બાકી રાખી છે.
નામદાર ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે સ્વયં સુઓમોટો અરજી દાખલ કરીને સરકારને ઊંઘમાંથી જગાડી છે એ એક અલગ વાત છે. આવી કોઈ પણ ઘટના બને એટલે બે ત્રણ પ્રધાનો અને મુખ્યમંત્રી દોડીને પહોંચી જાય છે અને આશ્વાસનની ગંગા વહેતી કરે છે. એમની આ પ્રવૃત્તિ આમ તો ઘોડો છૂટી પછી તબેલાને તાળા મારવાની પ્રાચીન પદ્ધતિ જ છે. હજુ ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની શકે છે. સુરતમાં એક. ઊંચી ઇમારતના ધાબા પર ડોમ બાંધીને ચિત્રકલાના વર્ગ ચાલતા હતા અને ત્યાં આગ લાગતા જે ગંભીર જાનહાનિ થઈ એના પછી શિક્ષણ અધિકારીઓએ ઘણી બધી શાળાઓના ડોમ ઉપર નોટિસ ફટકારી પરંતુ આજે તમામ શાળાઓના ધાબા ઉપર પ્લાસ્ટિક મટીરીયલના ડોમ જડબેસલાક ઊભા છે અને એ ગમે ત્યારે ભડકે બળવાની પૂર્ણ સંભાવના ધરાવે છે.
હવે જે ઉષ્ણતામાનની ઊંચાઈ છે એમાં તો આવા મટીરીયલ એની મેળે પણ સળગી ઊઠે એમ છે. પરંતુ સરકારનું એ તરફ ધ્યાન નથી. એ જ રીતે ગુજરાતમાં હજુ અનેક બાળકો ઊંધી વળતા ડૂબવાના નક્કી છે. આમ કહેવું ઘણું કડવું લાગે છે પરંતુ એ હકીકત છે. કારણ કે ગુજરાતના જે જે તળાવમાં અત્યારે નૌકા વિહાર ચાલે છે એના લાઇસન્સ માટેની પદ્ધતિ દાદા આદમના જમાનાની છે. અને તો પણ એક લાઇસન્સ પર ચાર ચાર હોડી ચાલે છે. વળી એ તમામમાં સુરક્ષાના સાધનો હોતા નથી. વાલીઓને ઠપકો આપવા માટેનો આ યોગ્ય સમય નથી તો પણ વાલીઓએ એટલું તો જોવું જોઈએ કે તેઓ પોતાના બાળકને લઈને જ્યાં પગ મૂકે છે ત્યાં જિંદગીની સલામતી કેટલી છે. કાંકરિયા, વડોદરા કે મોરબીની ઘટનાઓ પણ લોકનજરે હજુ તરે છે જેમાં નિર્દોષ લોકોના મોતના શિલાલેખ લખાયેલા છે.
મોટા ભભકા જોઈને વાલીઓ એમ માની જ લેતા હોય છે કે આ બધું પદ્ધતિસર અને નિયમ પ્રમાણે વિવિધ મંજુરીઓ લઈને જ બનાવવામાં આવ્યું હોય. ગુજરાતમાં દરેક કોર્પોરેટર પોતાને પોતાના વિસ્તારનો રાજા માને છે. ધારાસભ્ય વળી એનાથી ઉપરનો રાજા છે. સાંસદ તો આખા જિલ્લાનો કિંગ છે. આ લોકો ગમે ત્યારે તેવા રખડું અને લુખ્ખા લોકોને પણ કહી દેતા હોય છે કે તમે તમારા ધંધો ચાલુ કરો અમે બેઠા છીએ. અને ખરેખર એ લોકો બેઠા જ રહે છે. બહુ ઝીણવટ પૂર્વક અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે ગુજરાતમાં બાળકો ને મોટેરાઓ માટે જે જે મનોરંજક સાઈટો ખોલવામાં આવી છે મુખ્યત્વે અસામાજિક તત્ત્વોનો હાથ હોય છે. વિવિધ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરીને એકત્રિત કરેલું ધન જ તેમાં પ્રયોજાયેલું હોય છે. ટીઆરપી કેસમાં પોલીસે દસ લોકોની ધરપકડ કરી છે, તેમની જન્મકુંડળી પણ તપાસવા જેવી છે.