ચલાલા,
ચલાલામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ કોડીનાર ચલાલા નગરપાલિકા અને ધારી તાલુકા તંત્ર દ્વારા આજે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા શહેરમાં બે વખત માઇક ફેરવી દબાણકર્તાઓને પોતાએ કરેલા દબાણો દુર કરવા જણાવ્યુ હતુ તેથી 80 ટકા દબાણકર્તાઓએ પોતાની મેળે જ પોતાના દબાણો દુર કરી નાખ્યા હતા આજે સાંજના 4 કલાકે ધારીના મામલતદાર શ્રી તથા પાલિકા ચીફ ઓફીસર ભાવનાબેન ગોસ્વામીની ઉપસ્થિતીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ચલાલાના બસ સ્ટેન્ડ ચોકથી સાવરકુંડલા રોડ, અમરેલી રોડ, ધારી રોડ, શાકમાર્કેટ રોડ, મહાદેવપરા, તીનબતી ચોક સહિતના વિસ્તારોમાં ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડીમોલીશનની કામગીરીમાં અંદાજે 110 જેટલીકેબીનો, 160 પતરાના છાપરા અને 40 ઓટા સહિતના દબાણો દુર કર્યા હતા. આ કામગીરીમાં ચલાલા પીજીવીસીએલના નાયબ ઇજનેર તથા તેમના સ્ટાફ પણ જોડાયો હતો. ચલાલા નગરપાલિકાના ચીફ ઓફીસર ભાવનાબેન ગોસ્વામી તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહી ફરજ બજાવી હતી. ચલાલાના પીએસઆઇ શ્રી રામાણીએ ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફીક ન થાય તેની પુરી કાળજી લીધી હતી. હે.કોન્સ. ભગીરથભાઇ ધાધલ અને સ્ટાફે કાયદો વ્યવસ્થાની પરિસ્થતી જળવાય રહે તે માટે જહેમત ઉઠાવી હતી આ કામગીરીમાં ધારી રેવન્યુ સ્ટાફ પણ જોડાયો હતો. ડીમોલીશનની કાર્યવાહી દરમિયાન અમુક જગ્યાએ અફડા તફડીની માહોલ સર્જાયો હતો પરંતુ કડક બંદોબસ્તના કારણે મામલો શાંત પડી જતો હતો. કેબીનો દુર થાય કેબીનના પરિવારોની રોજગારી છીનવાઇ જતા કેબીન ધારકો નોધારા બની ગયા હતા ચા. પાન, ફરસાણ, પાણી પુરી, નાસ્તા, હેર સલુન જેવા નાના ધંધાર્થીઓના કેબીનો વધારે હતા તે દુર થવાથી કેબીનધારકોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. બપોર થી જ શહેરનો વિજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. રાત્રીના સમયે પણ ડીમોલીશનની કામગીરી યથાવત રહી હતી.