અમરેલી,
અમરેલી જીલ્લાના લાઠી-લીલીયા વિસ્તારમાંથી પસાર થતી ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્ડેશનના પદમશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે જળક્રાતિની જબરજસ્ત કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી છે. હરસુરપુર દેવળીયા , કેરીયા, લાઠી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી જતા ગાગડીયો નદીમાં ઘોડાપુર આવતા નદી પર બનાવવામાં આવેલા તમામ ચેકડેમ અને બંધારાઓ ઓવરફલો થઈ જતા સમગ્ર પંથકમાં આનંદની હેલી જોવા મળી રહી છે.હરસુરપુર દેવળીયાથી લીલીયા તાલુકાના બોડીયા સુધી તૈયાર કરવામાં આવેલા ચેકડેમો અને બંધારામાં કરોડો લીટર પાણી ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પડેલ વરસાદથી સંગ્રહ થયો છે.આનાથી આ વિસ્તારના 100 જેટલા ગામડાઓના જળ સ્તરમાં ફાયદો થશે. જળક્રાતિનું સર્જન થશે. આ વિસ્તારમાં પાછલા 7 વર્ષથી થઈ રહેલ જળ સંચય કામગીરીથી જમીનના જળસ્તર ઉંચા આવી ગયા છે. પદમ શ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે આ વર્ષે ભેસાણ અને બોડીયા નજીક સાડાપાંચ કરોડના ખર્ચે બે ચેકડેમનું નિર્માણ કરી ખારાપાટનો ઈતિહાસ બદલી નાખ્યો છે. આ તકે સવજીભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે રાજય સરકારની ઈચ્છા શકિતથી 70 વર્ષમાં પહેલીવાર ગાગડીયો નદી પર જળ સંચયની નમુનેદાર કામગીરી કરવામાં આવી છે. જેનાથી સમગ્ર રાજય અને દેશમાં આ મોડેલ કામ લાગશે. સ્થાનિક ખેડુત વાલજીભાઈ માંડણકાએ જણાવ્યું હતું કે અમારાખારાપાટ વિસ્તારમાં ઈતિહાસમાં પહેલીવાર ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્ડેશન અને રાજય સરકાર દ્વારા નમુનેદાર જળ સંચય કામગીરી થયેલ છે. જેથી ખેડુતો અને પશુપાલકો માટે આવનારા દિવસોમાં આશીર્વાદ સમાન નીવડશે.