આપણા સમાનતાના અધિકારનો છેદ ઉડાવી દેનારા ઘણા કાયદાને પણ બદલો

આપણા સમાનતાના અધિકારનો છેદ ઉડાવી દેનારા ઘણા કાયદાને પણ બદલો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટું પગલું ભરીને 3 નવા કાયદા અમલી બનાવી દીધા. ’સાપ ગયા પણ લિસોટો રહ્યા’ એમ અંગ્રેજો ભલે ગયા પણ તેમના સમયથી અમલી કાયદા અને કાયદાકીય પ્રક્રિયા ભારતમાં ચાલુ હતા. આ કાયદા અને કાનૂની પ્રક્રિયા બદલવાની દિશામાં એક મોટું પગલું ભરીને મોદી સરકારે 3 નવા ક્રિમિનલ બિલ બનાવ્યાં હતાં. ધ ભારતીય ન્યાય (સેક્ધડ) સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા (સેકંડ) સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય (સેક્ધડ) સંહિતા બિલ 2023 એ ત્રણ નવા કાયદા 1 જુલાઈ, 2024થી અમલી બનતાં દેશમાંથી અંગ્રેજોના સમયની વધુ એક નિશાનીને ભૂંસી નાખવામાં આવી છે.
ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ (આઈઈએ) આપણે ત્યાં આઝાદી પહેલેથી અમલમાં હતા. ઈન્ડિયન એવિડન્સ એક્ટ (આઈઈએ) 1872માં અમલમાં આવેલો, જ્યારે ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી) તો તેનાથી પણ જૂનો એટલે કે 1860નો કાયદો છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) 1973માં અમલી બનેલો પણ એ જૂના અંગ્રેજોના વખતના કાયદા પર આધારિત હતો.
હવે ત્રણ નવા કાયદા અમલી બન્યાં તેમાં ઈન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને ભારતીય સાક્ષ્ય (સેક્ધડ) સંહિતા એક્ટ, ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ના સ્થાને ધ ભારતીય ન્યાય (સેક્ધડ) સંહિતા 2023 જ્યારે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી)ના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા (સેકંડ) સંહિતા 2023 અમલી બન્યા છે. મોદી સરકારે બ્રિટિશના કાળના જરીપુરાણા ને ઘણા કાયદા અત્યંત હાસ્યાસ્પદ થઈ ગયેલા કાયદાને બદલીને એક પ્રશંસનિય પહેલ કરી છે. મોદી સરકારે આ ત્રણેય કાયદાને સ્થાને આજના જમાનાને અનુરૂપ નવા કાયદા અમલી બનાવ્યા છે. મોદી સરકારે નવા કાયદા બનાવ્યા તેની પ્રશંસા કરવી જોઈએ પણ આ દિશામાં હજુ ઘણું કરવાનું બાકી છે. આપણે ત્યાં સેંકડો કાયદા એવા છે કે જે બદલવાની જરૂર છે.
મોદી સરકારે શરૂઆતમાં ભારે ઉત્સાહ બતાવીને એક બિલ પસાર કરીને એક સામટા 36 આવા નકામા કાયદા રદ પણ કરી નાખેલા. ગુજરાતી “આરંભે શૂરા’ એવું કહેવાય છે ને મોદીના કિસ્સામાં એ વાત સાચી પડી. મોદી આરંભે શૂરા સાબિત થયા ને આ ઉત્સાહ પછી ના ટક્યો. મોદીનું નકામા કાયદા નાબૂદ કરવાની ઝુંબેશ અટવાઈ જતાં હજુય સેંકડો નકામા કાયદા આ દેશમાં અસ્તિત્વમાં છે.
મોદી બીજું કંઈ ના કરે પણ કમ સે કમ બંધારણના વિરોધાભાસ દૂર કરે તો પણ ઘણું છે. ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ મનાય છે પણ તેમાં ઘણી ખામીઓ છે એવું બંધારણીય નિષ્ણાતો જ કહે છે. આપણું બંધારણ વિરોધાભાસી જોગવાઈઓથી ભરેલું છે. અત્યાર સુધીમાં આપણા બંધારણમાં કુલ 103 સુધારા થયા છે, છતાં બંધારણ ખામીયુક્ત રહી ગયું કેમ કે, મોટા ભાગના સુધારા રાજકીય કારણોસર થયા છે.આપણી ખરી જરૂરિયાત વિરોધાભાસી જોગવાઈઓને દૂર કરવાની છે કેમ કે આ જોગવાઈઓ બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરનારી છે.
ઉદાહરણ તરીકે, આપણા બંધારણની કલમ 14 અને 21 હેઠળ દેશનાં તમામ લોકોને જ્ઞાતિ, ધર્મ, જાતિ, રંગ સહિતના તમામ માપદંડ હેઠળ સમાનતાનો મૂળભૂત અધિકાર અપાયો છે ત્યારે પર્સનલ લો બનાવીને એ અધિકારોનો ભંગ કરાયો છે.આપણે ત્યાં દરેક ધર્મના લોકોની અંગત બાબતો માટે અલગ અલગ કાયદા છે. આ કાયદા સમાનતાના અધિકારનો છેદ ઉડાવી દે છે. હિંદુ મેરેજ એક્ટ હેઠળ હિંદુઓને એક લગ્નની છૂટ આપે છે પણ મુસ્લિમ પર્સનલ લો મુસ્લિમ પુરુષોને ચાર પત્નીઓ રાખવાની છૂટ આપે છે. હવે તમે જ કહો કે સમાનતાની વાત ક્યાં આવી ? આ ધર્મના આધારે ભેદભાવ થયો કે નહીં? મુસ્લિમોમાં પુરુષને ચાર પત્નીની છૂટ છે પણ સ્ત્રીને એવી છૂટ નથી. આ જાતિ કે લિંગના આધારે ભેદભાવ થયો કે નહીં? આ તો એક ઉદાહરણ આપ્યું પણ આવા તો કેટલાય કાયદા છે. એક ધર્મનાં લોકો માટે અલગ કાયદો ને બીજાં ધર્મનાં લોકો માટે અલગ કાયદા એ બંધારણે આપેલા સમાનતાના મૂળભૂત અધિકારનો ખુલ્લો ભંગ છે પણ એ ભંગ મતબેંકના રાજકારણને કારણે થયા જ કરે છે. આપણા બંધારણમાં સમાન સિવિલ કોડની જોગવાઈ છે પણ મતબેંકના રાજકારણના કારણે તેનો અમલ થતો નથી. એ પણ બહુ મોટો વિરોધાભાસ છે.
આ પ્રકારની ઘણી વાતો આપણા બંધારણમાં છે. આ ખામીઓ દૂર કરવા કેન્દ્ર સરકારે બંધારણ અને મહત્ત્વના કાયદાઓની સમીક્ષા કરવા બંધારણીય પંચ રચવું પડે. બિનરાજકીય અને બંધારણીય નિષ્ણાતોનું બનેલું પંચ અર્થહીન જોગવાઈઓ અને કાયદા દૂર કરવાની અને તેના સ્થાને આજના જમાના પ્રમાણેના કાયદા ઘડવા ભલામણો કરે. સંસદ તેના પર ચર્ચા કરીને સુધારાવધારા સાથે તેને મંજૂરી આપે તો આપણું બંધારણ સરખું થાય.અત્યારે તો વિરોધાભાસી જોગવાઈઓ તથા કાયદાના કારણે ન્યાયતંત્રનો સમય બગડે છે અને આપણે હાસ્યાસ્પદ લાગીએ છીએ એ સ્થિતિ બદલવી જરૂરી છે.