Homeઅમરેલીઆ લોકો અગાઉ મનમોહનસિંહને મજબૂર વડાપ્રધાન કહેતા હતા...હવે કોને કહેશો?

આ લોકો અગાઉ મનમોહનસિંહને મજબૂર વડાપ્રધાન કહેતા હતા…હવે કોને કહેશો?

Published on

spot_img

ગુજરાતીમાં કહેવત છે કે વાર્યા ન વરે તે હાર્યા વરે એટલે કે ઘણાં લોકો પોતાના મદમાં કોઈ સાચી વાત કરતું હોય કે સાચા માર્ગે વાળતું હોય, ત્યારે તેનું ન માને, પરંતુ જ્યારે તે પછડાટ ખાય ત્યારે તેને જ્ઞાન થાય, અને યોગ્ય રાહ પકડે. ઘણી વખત કોઈ ફતેહ એવી પણ હોય છે, જેમાં ખુશીના બદલે અફસોસ કે ગ્લાની થાય. ઊંચી છલાંગ મારીને સૌથી વધુ ટકા કે પર્સેન્ટાઈલ મેળવવા માંગતા વિદ્યાર્થીને તે માટે યોગ્ય દિશા પકડવી પડે અને પાછલી પરીક્ષામાં ભલે શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય તો પણ તે પછીની પરીક્ષા માટે તો નવેસરથી જ મહેનત કરવી પડે.
પહેલાની સફળતાનો અતિઆત્મવિશ્વાસ જ્યારે અહંકારનું સ્વરૂપ લઈ લ્યે, ત્યારે સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરવાના બદલે માંડ માંડ પાસ થનાર વ્યક્તિને પાસ થવાના આનંદ કરતા વધુ અફસોસ 99.99 પર્સેન્ટાઈલથી યે વધુ ગુણ મેળવવાનો અભરખો પૂરો ન થયો હોવાનો જ થાય. અત્યારે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ કાંઈક એવું જ બની રહ્યું છે, ખરું ને? એવી જ રીતે ચાર-પાંચ ટ્રાયલ આપીને પાસ થનારને આગળના વર્ષે શ્રેષ્ઠ દેખાવ કરીને નંબર મેળવવાની આશા જાગે, તો તેમાં ખોટું પણ શું છે?
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને બહુમતી ન મળી, પરંતુ એનડીએને બહુમતી મળી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભલે વડાપ્રધાન બની ગયા હોય, પરંતુ પહેલી બે ટર્મની જેમ મોદી સરકાર નિર્ણયો લઈ શકતી નથી, અથવા લીધેલા નિર્ણયો બદલવા પડી રહ્યા છે કે કદમ પાછા ખેંચવા પડી રહ્યા છે, તેનું દૃષ્ટાંત યુપીએસસી દ્વારા કેન્દ્ર સરકારના સચિવાલયમાં ઉચ્ચ જગ્યાઓ પર લેટરલ પદ્ધતિથી ભરતી કરવાની બહાર પાડેલી જાહેરાત પાછી ખેંચવી પડી, તે છે. આ પીછેહઠ એનડીએના જ સાથીદાર પક્ષોના વિરોધ તથા પોતાને મોદીના ’હનુમાન’ ગણાવતા ચિરાગ પાસવાન જેઓ અત્યારે કેન્દ્રિય મંત્રી છે, તેના દબાણ હેઠળ કરવી પડી હોવાના કટાક્ષો પણ રાજકીય વર્તુળોમાં થઈ રહ્યા છે.
આ પહેલા પણ વકફ બોર્ડનું બિલ મોદી સરકારે ઈન્ડિયા ગઠબંધનની મક્કમતા, એક્તા ઉપરાંત એનડીએના સાથીદાર પક્ષોના આંતરવિરોધના કારણે જ જે.પી.સી.ને મોકલવું પડ્યું હતું. આ મોદી 3.0 ની બીજી પીછેહઠ છે. એટલું જ નહીં, મનમોહનસિંહને ’મજબૂર’ વડાપ્રધાન કહેનારા શાસક દળના નેતાઓ માટે એ શબ્દો હવે બૂમરેંગ પૂરવાર થઈ રહ્યા હોય તેમ નાથી લાગતું?મોદી સરકારનો ’હાઉ’ હવે પહેલા જેવો રહ્યો નથી અને હવે સાથીદારો પણ જાહેરમાં પોતાના સ્પષ્ટ અભિપ્રાયો વ્યક્ત કરવાની ’હિંમત’ દાખવી રહ્યા છે, તો સુબ્રમણ્યમ્ સ્વામી જેવા પૂર્વ ’સાથીદારો’ તો નવી જ ઉપાધી (ચિન્તા) ઊભી કરી રહ્યા છે. સ્વામીએ સેબીના ચીફ માધવી બૂચને લઈને જે ધડાકો કર્યો અને એક્સિસ-મેક્સના કેસમાં દિલ્હીની હાઈકોર્ટે સેબીને જે આદેશ કર્યો છે, તે પછી તો ’સાપે છંછુદર ગાળ્યા’ જેવી હાલત કોની થઈ હશે તે કહેવાની જરૂર ખરી? આને ’સ્વામી’ની સિયાસતી ’સુનામી’ જ કહેવાય ને?”
“મોદી સરકારની પહેલી બે ટર્મ દરમિયાન વિપક્ષના કેટલાક નેતાઓ પણ સાવધાનીપૂર્વક નિવેદનો આપતા હતાં, કારણ કે ઈ.ડી.-સીબીઆઈ-આઈ.ટી.નો ડર (દેખાડ્યો) હતો, પરંતુ મોદી 3.0 ના વર્તમાન ગાળામાં તો હવે સાથીદાર પક્ષો તથા ભૂતકાળના સાથીઓ જ નહીં, પરંતુ કેટલાક ઉચ્ચ સ્થાને બિરાજમાન બ્યુરોક્રેટ્સ તથા બંધારણીય સ્થાને બિરાજતા કેટલાક ઉચ્ચ અધિકારીઓ, નીતિનિર્ધારકો અને નેતાઓ પણ સ્પષ્ટ અને સાચો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે, એવું ઘણાં લોકો માને છે, તમે શું માનો છો? વિચારો…
ગઈકાલે એક હિન્દી ન્યૂઝ ચેનલમાં રિઝર્વ બેંકના ગવર્નર શશિકાંત દાસનો લાંબો ઈન્ટરવ્યૂ જોયો અને સાંભળ્યો, તેમણે આ વખતે કેટલીક સ્પષ્ટ વાતો રજૂ કરી અને દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિને લઈને કેટલાક દાવાઓ પણ કર્યા, સાથે સાથે તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે મોંઘવારીનો દર અનિયંત્રિત થઈ કે વાસ્તવિક મોંઘવારી સતત વધતી જ રહે, તો વર્ષ ર047 માં વિકસિત (ધનવાન) ભારતના લક્ષ્યને હાંસલ કરવું અઘરૂ છે. જો મોંઘવારી 4 ટકાની આસપાસ રહે, તો જ આપણે અર્થતંત્રમાં વધુ ઊંચી છલાંગ લગાવી શકીશું, જો કે તેમણે ભારતની અત્યારની આર્થિક ક્ષેત્રની સ્થિતિ તથા પ્રગતિને લઈને સંતોષ વ્યક્ત કર્યો હોય, તેવું પણ લાગ્યું.
તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે જનતાની દૃષ્ટિએ મોંઘવારી વધતી જણાય, ત્યારે આંકડાઓ વિરોધાભાસી જણાતા હોય છે. ખાદ્યચીજોને મોંઘવારીના માપદંડોમાંથી દૂર કરવાની બાબતમાં પોતાનો અભિપ્રાય આપતા શશિકાંત દાસે આપેલો આ અભિપ્રાય પણ ’ટોક ઓફ ધ કેપિટલ’ બન્યો છે.દેશ માટે ગૌરવની વાત એ છે કે આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસને સતત બીજા વર્ષે ’ગ્લોબલ ફાઈનાન્સ’ મેગેઝિનમાં સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ-ર0ર4 માં એ (પ્લસ) નું રેટિંગ મળ્યું છે. ગયા વર્ષે પણ આ સન્માન તેમને મળ્યું હતું. દુનિયાભરની કેન્દ્રિય બેંકોના ગવર્નરો (વડાઓ) ની કામગીરીનું મૂલ્યાંકન કરીને આ સન્માન આપવામાં આવતું હોય છે.
મોદી સરકારની આ દ્વિતીય પીછેહઠ પછી વિપક્ષો ગેલમાં છે અને ખડગે-ગાંધીએ એસ.સી.-એસ.ટી.ના હક્કો છીનવાતા અટકાવીને બંધારણની રક્ષા કરી હોવાનો દાવો કર્યો છે. તટસ્થ રીતે જોઈએ તો ’ઘમંડ’ હવે એક ગઠબંધનમાંથી બીજા ગઠબંધન તરફ સ્થળાંતર કરી રહ્યો છે, તમને શું લાગે છે?”

Latest articles

08-12-2024

07-12-2024

અમેરિકાની આ કિન્નાખોરી છે કે ભારતને વિશેષચિંતાનો દેશ ઓળખાવવામાં એને બહુ રસ છે

યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ( યુસિર્ફ ) ની એ ભલામણ ભારતને વિશેષ...

રાભડામાં શરત ચુકથી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા એેક લાખ પરત કર્યા

રાજુલા, રાજુલા શહેરમાં આવેલી આઈ. સી. આઈ. સી બેંક દ્વારા એક માનવતાનું કાર્ય કરવામાં આવ્યું...

Latest News

08-12-2024

07-12-2024

અમેરિકાની આ કિન્નાખોરી છે કે ભારતને વિશેષચિંતાનો દેશ ઓળખાવવામાં એને બહુ રસ છે

યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ( યુસિર્ફ ) ની એ ભલામણ ભારતને વિશેષ...