ભાજપ શાસિત રાજ્યોમાં ગૌમાંસના નામે મોબ લિંચિંગનું ભૂત ફરી ધૂણ્યું છે. માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોબ લિંચિંગની બે ઘટનાઓ બનતાં સૌ સ્તબ્ધ છે. બંને ઘટનામાં ભોગ બનનારા મુસ્લિમો છે અને બે ઘટનામાંથી એક ઘટનામાં તો કહેવાતા હિંદુ ધર્મના ઠેકેદારોએ જેને ફટકાર્યો તેનું મોત પણ થઈ ગયું.
હરિયાણાના ચરખી દાદરીમાં બંગાળથી મજૂરી કરવા આવેલા મજૂર સાબીર મલિકને કહેવાતા ગૌરક્ષકોએ માત્ર શંકાના આધારે એટલો ફટકાર્યો કે બિચારો મરી ગયો. સાબીર મલિકની સાથે બીજા એક મજૂરને પણ હિંદુત્વના બની બેઠેલા ઠેકેદારોએ ફટકારેલો પણ એ બચી ગયો ત્યારે મલિક ઝીંક ના ઝીલી શકતાં સીધો ઉપર પહોંચી ગયો. બીજી ઘટનામાં મહારાષ્ટ્રમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 72 વર્ષના હાજી અશરફ નામના વૃદ્ધને ગૌમાંસ લઈ જતા હોવાની શંકાના આધારે ગાળાગાળી કરીને બેરહમીથી ફટકાર્યા. સદનસીબે તેમનો જીવ બચી ગયો પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.આ બંને ઘટના શરમજનક અને આઘાતજનક છે કેમ કે સાબીર મલિક કે હાજી અશરફ પાસે ગૌમાંસ હોવાના કોઈ પુરાવા વિના માત્ર મુસ્લિમ હોવાના કારણે શંકાના આધારે ટાર્ગેટ કરવામાં આવ્યા.સાબીર મલિક મજૂરી કરવા બંગાળથી હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં આવીને રહેતો હતો. સાબીર મલિકે ગૌમાંસ ખાધું કે નહીં એ ખબર નથી પણ 27 ઓગસ્ટે ગૌમાંસ ખાવાની શંકામાં સાબીરને ફટકાર્યો તેમાં એ ગુજરી ગયો એ હકીકત છે. ગૌરક્ષા દળના અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલ નામના લોકોને સાબીર તથા તેના સાથીએ ગૌમાંસ ખાધું તેની માહિતી ગમે ત્યાંથી મળી હશે એટલે તેમણે સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યો હતો.
સાબીર પોતાના સાથી સાથે પહોંચ્યો એટલે દુકાનમાં પૂરીને તેને ઢોર માર માર્યો. કેટલાક લોકોએ તેમને રોકવા માટે પ્રયત્ન કર્યો તેમાં તો આરોપીઓ સાબીર મલિકને બીજી જગ્યાએ લઈ ગયા અને તેને ફરીથી માર માર્યો તેમાં સાબીર ગુજરી ગયો. સાબીરને મારનારા પાંચ લોકોમાં બે તો કિશોરો છે.
મહારાષ્ટ્રની ઘટના તેના કરતાં વધારે ગંભીર છે કેમ કે તેમાં સીટને મુદ્દે થયેલા ઝગડાને હિંદુત્વનો રંગ આપી દેવાયો. મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના કલ્યાણમાં રહેતા 72 વર્ષના વૃદ્ધ હાજી અશરફ મુનિયારે પોતાની દીકરીને મળવા માટે માલેગાંવ જવા માટે ધુલે એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલા. કેટલાંક લોકોએ પહેલાં ધુલે એક્સપ્રેસ ટ્રેનમાં સીટને મુદ્દે ઝઘડો કર્યો અને પછી ગૌમાંસ સાથે મુસાફરી કરવાનો આક્ષેપ મૂકીને ફટકાર્યા.
મુનિયાર પાસે પ્લાસ્ટિકના મોટા બોક્સમાં માંસ જેવું કંઈક નીકળ્યું તેમાં તો યુવકોનું હિંદુત્વ જાગી ગયું. હિંદુઓ માટે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે ત્યારે એક મુસલમાન માંસ લઈને જઈ જ કઈ રીતે શકે એવા સવાલ કરીને તેમણે વૃદ્ધને ફટકારવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં ટોળું લાચાર વૃદ્ધ મુનિયારને ઘેરીને ફટકારે છે, ગાળો આપે છે અને દીકરી પર રેપ કરવાની ધમકી પણ આપે છે.
કલ્યાણ અને ઈગતપુરી સ્ટેશનો વચ્ચે બનેલી આ ઘટનાનો વીડિયો જોયા પછી રેલવે પોલીસ કમિશનરે તાત્કાલિક વૃદ્ધને શોધીને ફરિયાદ નોંધાવવા માટે કહ્યું. વૃદ્ધ એટલા ડરી ગયેલા કે, શરૂઆતમાં ફરિયાદ નોંધાવવા માટે તૈયાર નહોતા. માંડ માંડ સમજાવીને હિંમત આપીને વૃદ્ધને તૈયાર કર્યા પછી તેમણે ફરિયાદ નોંધતાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને બેની ધરપકડ કરવામાં આવી છે.
વૃદ્ધને બેઈજજત કરવામાં બહુ લોકો સામેલ હતા એ જોતાં આ પગલાં પૂરતાં નથી પણ કમ સે કમ રેલવે પોલીસ કમિશનરે સંવેદનશીલતા તો બતાવી. હાથ પર હાથ મૂકીને બેસી રહેવાના બદલે વૃદ્ધને શોધીને તેમને હિંમત આપીને ફરિયાદ નોંધાવવા માટે તૈયાર કર્યા એ પણ મોટી વાત છે. તેની સામે હરિયાણાના મુખ્ય મંત્રી નયાબ સિંહ સૈનીએ તો વિચિત્ર રાગ આલાપ્યો છે.
સૈનીના કહેવા પ્રમાણે, હરિયાણાની સરકારે ગૌમાતાની સુરક્ષા માટે કડક કાયદો બનાવ્યો છે અને આ મુદ્દે કોઈ સમાધાન ના કરી શકાય. લોકોમાં ગૌમાતા પ્રત્યે શ્રદ્ધા છે અને લોકોની લાગણીઓ જોડાયેલી છે તેથી આ પ્રકારની માહિતી આવે ત્યારે ગામના લોકો પ્રતિક્રિયા આપે છે.
ભલા માણસ, ગૌમાતાની સુરક્ષા કરવી જોઈએ તેમાં કોઈને વાંધો નથી, ગૌહત્યા ના થવી જોઈએ એ પણ કબૂલ પણ ગૌહત્યા થઈ છે ખરી ? ને ગૌહત્યા થઈ હોય તો તમારી સરકાર બેઠી બેઠી શું કરે છે ? ખાલી કાયદો બનાવીને સંતોષ માની લીધો છે ?
આ માણસ મુખ્ય મંત્રી બનવાને લાયક જ નથી ને તેને ગાયોના તબેલામાં ગૌમાતાની રક્ષા કરવા બેસાડી દેવો જોઈએ. જે માણસ માત્ર અફવા પર લોકો કોઈની હત્યા કરે નાખે તેને લોકોની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો ગણાવે ને તેની સામેની પ્રતિક્રિયાને યોગ્ય ગણાવે તેનાથી મોટો ગમાર બીજો કોઈ હોઈ ના શકે. આ દેશની કમનસીબી છે કે, આવા ગમારો ગાદી પર બેસી ગયા છે.