Homeઅમરેલીમોદીને આંતરરાષ્ટ્રીય શાંતિ પારિતોષિક જોઈએ છે એટલે યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થીનો...

મોદીને આંતરરાષ્ટ્રીય શાંતિ પારિતોષિક જોઈએ છે એટલે યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થીનો મોહ છે

Published on

spot_img

યુક્રેનિયન પ્રજા કાતિલ ઠંડીમાં થરથર કંપી રહી છે કારણ કે બધા રૂમ હીટર બંધ છે. રશિયાએ વિદ્યુત માળખાઓ પર ખતરનાક મિસાઈલો દાગી છે. નવા ડ્રોન હુમલાઓમાં અનેક વધુ નાગરિકોની જાનહાનિ થઈ છે. યુક્રેન અને રશિયા વચ્ચેનો ગજગ્રાહ હવે અનિયત ઓક્ટોપસ જેવો થઈ ગયો છે. એના અનેક છેડા છે અને એના ઘટનાક્રમની ગતિ પણ સીધી રેખા જેવી નથી. મૂળભૂત રીતે આ સંઘર્ષ અમેરિકાના જગત જમાદાર તરીકેના પદ પરના રિપ્લેસમેન્ટનો છે. મોદીને આંતરરાષ્ટ્રીય શાંતિ પારિતોષિક જોઈએ છે એટલે યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થીનો મોહ છે. અત્યારે વડાપ્રધાને અજિત ડોભાલને રશિયા અભિમુખ કર્યા છે પણ એમાં કાંઈ વળવાનું નથી. કારણ કે વૈમનસ્ય બહુ આગળ વધી ગયું છે.
અગાઉ અનેક પ્રસંગોએ ચીન પોતાની સર્વોપરિતા પુરવાર કરવા માટે કીડી ચડેલા સાપની જેમ માથા પછાડી ચૂક્યું છે છતાં અમેરિકાની સર્વોચ્ચતાને હણી શક્યું નથી. હવે રશિયાએ પોતાની તાકાતનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શરૂ કર્યું છે. પરંતુ પુતિન ખુદ પણ અમેરિકાથી ડરી ડરીને આગળ વધી રહ્યા છે. ઉત્તર કોરિયાને મહોરું બનાવીને ચીને અનેકવાર અમેરિકાને પડકાર્યું છે પણ એનું કોઈ પરિણામ આવ્યું નથી. છતાં આ વખતની રશિયાની ચાલબાજી એક માસ્ટર ગેઈમ છે.
રશિયાના ટુકડા થયા ત્યારે બધાએ માની લીધું કે રશિયન વિચારધારાના પણ ખંડ-વિ-ખંડ થઈ ગયા છે. દુનિયાને પછીથી બહુ ઝડપથી જો કે ખ્યાલ આવી ગયો હતો કે સામ્યવાદના મૂળમાં છુપાયેલો મૂડીવાદી સામ્રાજ્યવાદ હજુય રશિયાના આત્મા તરીકે છે. છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા ષણ્મુખી વાર્તાલાપ કરે છે. એણે રશિયાને ધમકી આપી પણ માત્ર પોતાના નાગરિકોની સુરક્ષા માટે. નાટો દેશોના સંગઠક પ્રવક્તા પણ સતત ફરતું ફરતું બોલે છે.
યુક્રેનના વડાપ્રધાન આંખે પાટા બાંધીને સરહદ પર ભટકતા હોય એવું ચિત્ર છે. કારણ કે તેઓ સ્પષ્ટ રીતે જાણતા નથી કે તેમની મદદમાં હવેની અંતઘડીએ કોણ કેવી રીતે આવશે. અમેરિકા સહિતના વિવિધ દેશોએ યુક્રેનને મોકલેલી લશ્કરી કુમક નહિ જેવી અને હાસ્યાસ્પદ નીવડી છે. ચારેબાજુથી સહસ્ર ફેણે શત્રુ તરીકે ફૂંફાડા મારતા રશિયા સામે યુક્રેન પહોંચેલી વિદેશી કુમકનું કોઈ મૂલ્ય નથી. ભારત રશિયાનું પ્રાચીન મિત્ર છે અને એ મિત્રતા હમણાં જ અપડેટ થયેલી છે. એટલે ભારતે અલિપ્તતા જાળવી છે.
જે રીતે ચીનની ચાલાકીઓ છાની રહી શકી નથી અને પ્રગટ થઈ જાય છે એ રીતે રશિયા પણ હવે કોઈ અભેદ્ય કવચમાં છુપાઈ રહી શકે એમ નથી. મીડિયા અને સોશિયલ મીડિયાની પહોંચ બહુ વધી ગઈ છે. કોઈ પણ કૌભાંડ કદાચ તરત તળિયેથી નળિયે ન પહોંચે એવું બને પણ સમયની રફતારમાં એ એક ને એક દિવસે તો જગતના ચોકમાં જાહેર થયા વિના રહેતું નથી. ઝિગ ઝિગલર કહે છે કે કૌભાંડ આચરનારાઓએ પહેલેથી જ એ જાહેર થાય ત્યારના સંયોગોનો એક રોડમેપ એડવાન્સમાં ઘડી રાખવો જોઈએ.
રશિયન વડા વ્લાદિમિર પુતિનના એકછત્ર શાસનનો પૂર્ણચન્દ્ર હવે સોળેય કળાનો રહ્યો નથી ને એમાં વદચન્દ્ર જેવી ક્રમિક અંધકાર ભણીની ઓટ આવવા લાગી છે. રશિયાના આ અંધારાને ઉલેચનારા ક્રાન્તિકારી નવોદિત નેતા નેવેલ્ની હવે દુનિયામાં વિખ્યાત થઈ ગયા છે. એટલે ઘર આંગણે પુતિનને નવી લોકપ્રિયતાની તાતી જરૂર છે. એમાં જ હાથમાં આવેલો યુક્રેનનો યુદ્ધ અવસર પુતિન હવે જીતીને પૂરો કરવા ચાહે છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલય પર અગાઉ જે સાયબર હુમલો થયો તે રશિયન સૈન્યની સાયબર વિંગે કર્યો કે રશિયન હેકરોએ કર્યો એ હજુ નક્કી નથી. જેમ કોરોનાએ ચીનની ખંધી રાજનીતિને ખુલ્લી પાડીને એની તમામ હીનતાઓ છતી કરી એ જ રીતે સાયબર ક્રાઈમને કારણે રશિયા વૈશ્વિક કોર્પોરેટ જગતમાં બહુ બદનામ છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓના સર્વર અને બેન્કિંગ સિસ્ટમ હેક કરી દેનારા હેકરો રશિયામાં બેઠા છે. ન તો રશિયન સરકાર એને ઝડપી શકી છે અને ન તો આંતરરાષ્ટ્રીય કાનૂન ત્યાં સુધી પહોંચે છે.
લાખો ડોલરમાં કંપનીઓને બ્લેકમેલ કરનારા હેકરો હવે ક્રિપ્ટો કરન્સીમાં નાણાં પડાવતા થયા છે. એક ધારણા એવી પણ છે કે રશિયન જાસૂસો આ હેકરો સાથે જોડાયેલા છે. પરંતુ એ બધી પ્રવૃત્તિઓને કારણે રશિયા સાથેના ટેકનોલોજિકલ સંબંધો તોડી નાંખનારા દેશોની સંખ્યા નાની નથી. પુતિન પોતે એક પ્રકારના જેમ્સ બોન્ડ જ ગણાય છે પરંતુ એમની હાલત હવે ઓલ્ડ એજ લાયન જેવી થતી જાય છે. તેઓ પ્રજાનો વિરોધ બહુ લાંબો સમય વેઠી શકશે નહિ.
એક તરફ દુનિયાના વિવિધ દેશોના વડાઓ રશિયાને યુદ્ધને જલ્દી સમેટી લેવા માટે મંત્રણાઓ કરી રહ્યા છે તો બીજી તરફ યુક્રેન એકતા દિવસ વગેરે મનાવીને પોતાની પ્રજાને મનોવૈજ્ઞાનિક રીતે યુદ્ધ ચાલુ રાખવા માટે તૈયાર કરે છે. યુક્રેનની હાલત નાટો દેશોએ એની વકીલાત કરી કરીને એક નિર્બળ રાષ્ટ્ર તરીકે આલેખી છે પણ ખરેખર યુક્રેન નાનું તોય નાગનું બચ્ચું છે. વળતા હુમલામાં એ રશિયાને ઘણું નુકસાન કરવાની તાકાત ધરાવે છે. યુક્રેને આ યુદ્ધમાં રશિયાને પારાવાર નુકસાન કર્યું છે. છતાં હવે યુક્રેનનો વિનાશ નક્કી છે.

Latest articles

08-10-2024

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

Latest News

08-10-2024

06-10-2024

05-10-2024