છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે. આ ઘટનાઓના કારણે કોઈ મોટો અકસ્માત થયો નથી પણ ટ્રેનો ટકરાવાની ને રોકી દેવાની ઘટનાઓ ચોક્કસ બની રહી છે. છેલ્લી આવી ઘટનામાં રાજસ્થાનના અજમેરના લામાના પાસે રેલવે ટ્રેક પર બે જગ્યાએ મૂકેલા સિમેન્ટના બ્લોક ફૂલેરાથી અમદાવાદ જઈ રહેલી માલગાડી સાથે ટકરાતાં માલગાડી રોકી દેવી પડી. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે બની હતી અને અંધારું હોવાથી ડ્રાઈવરને સિમેન્ટના બ્લોક દેખાયા જ નહોતા.આ બંને બ્લોક અલગ-અલગ ટ્રેક પર રાખવામાં આવ્યા હતા. એક બ્લોકનું વજન 70 કિલો હોવાનું કહેવાય છે એ જોતાં કંઈ પણ થઈ શકે તેમ હતું. સદનસીબે કંઈ થયું નહીં પણ આ ઘટના ગંભીર છે. પોલીસે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે અને આ ઘટનાને ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનું ષડયંત્ર માનીને તપાસ શરૂ કરી છે કેમ કે રાજસ્થાનમાં છેલ્લા 17 દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના બની છે. રાજસ્થાનમાં આ પહેલા 28 ઓગસ્ટે બારાંના છબરામાં પાટા પર બાઇકનો સ્ક્રેપ મૂકવામાં આવ્યો હતો અને એન્જિન બાઇકના સ્ક્રેપ સાથે અથડાયું હતું. 23 ઓગસ્ટે પાલીમાં અમદાવાદ-જોધપુર વંદે ભારત ટ્રેક પર મૂકવામાં આવેલા સિમેન્ટ બ્લોક સાથે ટકરાઈ હતી.દેશનાં બીજાં રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે અને દેશમાં ત્રણ મહિનામાં આ પ્રકારની નવમી ઘટના છે. છેલ્લા 24 દિવસમાં ઉત્તર પ્રદેશમાં ત્રણ વખત ટ્રેક બ્લોક કરી દેવાયા હોય એવું બન્યું છે. 16 ઓગસ્ટે સાબરમતી એક્સપ્રેસ કાનપુરના ગોવિંદરપુરીમાં ટ્રેક પર મૂકવામાં આવેલા પથ્થર સાથે અથડાઈ હતી. 24 ઓગસ્ટે ફર્રુખાબાદથી કાસગંજ જતી પેસેન્જર ટ્રેનના પાટા પર લાકડાનો મોટો ટુકડો મૂકવામાં આવ્યો હતો. સ્પીડ ઓછી હોવાને કારણે અકસ્માત થયો ન હતો.ચાર દિવસ પહેલાં 8 સપ્ટેમ્બરે કાસગંજ ટ્રેક પર તો ગેસ સિલિન્ડર મુકવામાં આવ્યું હતું.. 8 સપ્ટેમ્બરની રાતે લગભગ 08.30 વાગે પ્રયાગરાજથી ભિવાની તરફ જતી કાલિંદી એક્સપ્રેસ ટ્રેન રેલવે લાઈન પર મૂકેલા એલપીજી સિલિન્ડર સાથે ટકરાઈ ગઈ હતી અને બ્લાસ્ટ પણ થયો હતો. યુપી પોલીસે આ ઘટનામાં આતંકવાદના એંગલની તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં આ ઘટનામાં આતંકવાદી કનેક્શનના પુરાવા મળ્યા છે એ જોતાં આ ઘટનાઓને ગંભીરતાથી લેવાની જરૂર છે.ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર પછી મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડાયું હોવાનું લાગી રહ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્ડુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મૂકી દેવાયો હતો. સદનસીબે લોકો પાયલટની સાવધાનીથી દુર્ઘટના ટળી ગઈ પણ આ ઘટનામાં પણ બીજી ઘટનાઓ જેવી જ મોડસ ઓપરેન્ડી છે એ જોતાં આતંકવાદીઓની સંડોવણીની શક્યતા નકારી ના શકાય.કાનપુરની ઘટનામાં આઈબી, એનઆઈએ, યુપી એટીએસ સહિત ઘણી એજન્સીઓ કામે લાગી છે અને દરેક પાસાથી ષડયંત્રની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓને કાનપુરમાં ટ્રેન ઉથલાવી દેવાના સંભવિત કાવતરામાં ઈસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસઆઈએસના ખોરાસન મોડ્યુલની સંડોવણી હોવાની શંકા છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આતંકી બનાવવામાં આવે છે અને સોશિયલ મીડિયા મારફતે બોમ્બ બનાવવા સહિતની ટ્રેનિંગ આપવામાં આવે છે.
યોગાનુયોગ આ ઘટનાઓ એવા સમયે બની રહી છે કે જ્યારે આઈએસના આતંકવાદી ફહતુલ્લા ઘોરીએ ઓડિયો ક્લિપ બહાર પાડીને ભારતમાં ટ્રેનોને ટાર્ગેટ કરવા કટ્ટરવાદીઓને કહેલું, ઘોરીએ ભારતમાં સ્લીપર સેલ તરીકે કામ કરતા આતંકીઓને ટ્રેનોને ઉથલાવીને આતંકવાદ ફેલાવવાની સલાહ આપી હતી. ભારતમાં આતંકવાદી નેટવર્ક તો સક્રિય છે જ એ જોતાં ઘોરીની સલાહ માનીને આતંકવાદીઓના પીઠ્ઠુ ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા કરી રહ્યા હોય એ શક્ય છે.યુપી એટીએસને આતંકી સંગઠન આઈએસના ખોરાસન મોડ્યૂલનો હાથ હોવાની શંકા એટલે છે કે આ મોડ્યૂલ યુવકોને કટ્ટરપંથી બનાવીને હુમલાને અંજામ આપે છે. 2017માં મધ્ય પ્રદેશમાં આવા હુમલા થઈ ચૂક્યા છે. આ મોડ્યુલનો એક આતંકી સૈફુલ્લાહ લખનઊમાં એન્કાઉન્ટરમાં માર્યો પણ ગયો હતો. તેની પાસેથી પણ સિલિન્ડર અને આઈઈડી મળ્યું હતું તેથી તેની સાથે છેડા અડતા હોવાની શક્યતા નકારી ના શકાય.આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ સ્લીપર સેલની મદદથી ભારતમાં ટ્રેનોને ઉથલાલવાની હાકલ કરતો વીડિયો લગભગ ત્રણ અઠવાડિયા પહેલા ટેલિગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ઘોરી પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને બોમ્બ વિસ્ફોટ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરતો જોવા મળે છે. આ સિવાય પેટ્રોલ અને ગેસની પાઈપલાઈન ઉડાડવાની પણ વાતો કરી રહ્યો છે. વીડિયોમાં ઘોરી હુંકાર કરે છે કે, ભારત સરકાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા મારી મિલકતોને ટાર્ગેટ કરીને સ્લીપર સેલને નબળું પાડી રહ્યાં છે પણ અમે પાછા આવીશું અને સરકારને હલાવી દઈશું.ઘોરીની ધમકીને એટલે ગંભીરતાથી લેવી જોઈએ કે, ઘોરી ખતરનાક આતંકવાદી છે. ફરહતુલ્લા ઘોરીને અબુ સુફયાન, સરદાર સાહેબ અને ફારુ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલા ઘોરીનો ગુજરાતમાં 2002માં થયેલા અક્ષરધામ મંદિર હુમલામાં પણ હાથ હતો. આ હુમલામાં 33થી વધુ લોકો માર્યા ગયાં હતાં અને 80 લોકો ઘાયલ થયા હતા. હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સની ઓફિસ પર 2005માં થયેલા આત્મઘાતી હુમલા પાછળ પણ તેનો હાથ હતો. 1 માર્ચે બેંગલુરુના રામેશ્ર્વરમ કેફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી પણ ફરહતુલ્લા ઘોરીએ સ્વીકારી હતી. ભારતમાં ભાગેડુ જાહેર થયા બાદ પાકિસ્તાનમાં રહેતા ઘોરીએ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ ની મદદથી સ્લીપર સેલ બનાવ્યું છે અને તેમના માધ્યમથી બેંગ્લોરમાં રામેશ્ર્વરમ કેફેમાં બ્લાસ્ટ કરાવ્યો હતો.ફરહતુલ્લા ઘોરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલ દક્ષિણ ભારતમાં સ્લીપર સેલનું મજબૂત નેટવર્ક વિકસાવ્યું હોવાનું કહેવાય છે. ફૈઝલ રામેશ્ર્વરમ કાફે બ્લાસ્ટના બંને આરોપી અબ્દુલ મતીન અહેમદ તાહા અને મુસાવીર હુસૈન શાજીબનો હેન્ડલર ઘોરી હતો. બંને ઈસ્લામિક સ્ટેટ મોડ્યુલના આતંકવાદીઓ છે. આ મોડ્યુલના આતંકી શારિકે નવેમ્બર 2022માં મેંગલુરુમાં વિસ્ફોટ કર્યો હતો.ઘોરીનો ખતરો એ રીતે પણ મોટો છે કે, દિલ્હી પોલીસે ગયા વર્ષે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી ત્યારે તેમણે કબૂલ્યું હતું કે, ઘોરી ઓનલાઈન જેહાદી ભરતીનું કરે છે અને ઘોરી ભારતમાં ઘણા આતંકીઓનો હેન્ડલર છે. થોડા મહિના પહેલા દિલ્હી પોલીસે પૂણેમાં આઈએસઆઈએસ મોડ્યુલના અનેક આતંકવાદીઓની ધરપકડ પણ કરી હતી. આ સંજોગોમાં એજન્સીઓ કોઈ મોટી ટ્રેન દુર્ઘટનાને અંજામ આપે એ પહેલાં તેમના પર તૂટી પડી સફાયો કરી નાખવો જોઈએ.