વરસાદ આવ્યો અને ગયો અને હવે ફરી આવવાનો નક્કી છે. નાગરિકો કે જેઓ ખાડાવાળે રસ્તે ગોથા ખાય છે એમનો વિચાર તંત્ર કરે તે જરૂરી છે. ભારે વરસાદ પછી માર્ગો બરબાદ થયા અને લગભગ તમામ માર્ગો ઉબડ-ખાબડ પડતર જમીન જેવા થઈ ગયા, અને વાહનો ચલાવવા અત્યંત મુશ્કેલ બની ગયા, તે પછી હવે ક્યાંક ક્યાંક થીંગડા મારવામાં આવી રહ્યા છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સ્થળે લોકો કેટલાક ખાડાઓ સ્વયં બુરીને પોતાના વાહનોને જેમ તેમ કરીને ચલાવી શકાય, તેવી વ્યવસ્થા કરી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાઓમાં આવેલા વિધાનસભા મતક્ષેત્રો માટે રાજ્ય સરકારે ધારાસભ્ય દીઠ બબ્બે કરોડ રૂપિયા ફાળવ્યા હોવાની જાહેરાત કરી હોવાથી હવે શહેરી વિસ્તારોમાં ’થીંગડા’ થોડાક ઝડપથી અને મજબૂત લાગશે, તેવી આશા રાખી શકાય, કારણ કે બે કરોડ રૂપિયામાં નવો રોડ કે અદ્યતન માર્ગ તો બનવાના નથી, માત્ર બે કરોડમાં થાય શું? તેવા સવાલો પણ ઊઠી રહ્યા જ છે ને?
જો કે, આ બબ્બે કરોડની વધારાની ગ્રાન્ટ માર્ગ અને મકાન વિભાગમાંથી ફાળવાશે, અને શહેરી વિકાસ વિભાગ માટે તો અલગથી ગ્રાન્ટ અપાય જ છે, અને તે યથાવત્ રહેશે. તેથી ધારાસભ્યોને મળતી શહેરી વિકાસ વિભાગની ગ્રાન્ટ, મહાનગરપાલિકાની માળખાકીય સુવિધાઓ માટેના રેગ્યુલર ફંડ ઉપરાંત આ વધારાની ગ્રાન્ટનું સંયોજન કરીને ઝડપભેર ભાંગી-તૂટી ગયેલા માર્ગોની હાલતુરત મરામત થાય, અને તે દરમિયાન સર્વે કરીને તદ્ન ભાંગી-તૂટી ગયેલા માર્ગો, પૂલ, પૂલિયાનું નવીનિકરણ અથવા ગુણવત્તાસભર મજબૂત પુન:નિર્માણ થાય, તે પ્રકારનું આયોજન ઘડવાની દિશામાં ઝડપભેર કદમ ઊઠાવાય, તે અત્યંત જરૂરી છે. આ નવી ગ્રાન્ટના ઉપયોગ અંગે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને મેયરે પણ કાંઈક આયોજન વિચાર્યું જ હશે ને?
રાજકોટમાં લગભગ તમામ આંતરિક માર્ગો વરસાદમાં ધોવાઈ ગયા છે, અને રહેણાંક વિસ્તારો, સોસાયટી વિસ્તારો, ઈન્ડસ્ટ્રીયલ એરિયા, પરિવહન કેન્દ્રો, કેન્દ્રવર્તી સંકુલો, કોમર્શિયલ અને એજ્યુકેશન સંસ્થાઓના એરિયા તથા હોસ્પિટલો-દવાખાનાઓને સાંકળતા માર્ગો પણ તત્કાળ મરામત માંગે છે, અને તે અંગે મનપાના શાસકોએ શું આયોજન કર્યું છે, તેની વાસ્તવિક જાણકારી પબ્લિકને મળશે, તેવું નગરજનો ઈચ્છે છે.મહાનગરપાલિકાના વિવિધ વિભાગો, માહિતી ખાતું અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને સાંકળતી ઘણી બધી પ્રેસનોટો રોજેરોજ પ્રેસ-મીડિયાને મોકલવામાં આવે છે, જે જરૂરી છે, અને લોકોને શાસકો-પ્રશાસકો દ્વારા લેવાતા પગલાં અને થતી કામગીરીની જાણકારી મળે, તેમાં કાંઈ હરકત જેવું નથી, પરંતુ માત્ર થયેલી કામગીરીની વાહવાહી, આંકડાઓની માયાજાળ અને જે કામો કે સેવાઓ કાયમી ધોરણે કરવાની જ હોય, અને તેના માટે તોતિંગ પગાર ચૂકવાતા હોય, તેવી કામગીરીને પ્રશંસાત્મક શબ્દોમાં ગુંથીને પ્રસ્તુત કરવાની ચાલાકીભરી યુક્તિઓ અજમાવાય, તે પબ્લિકની આંખમાં ધૂળ નાખવા સમાન ન ગણાય?
જો ભરપૂર વિશેષ પબ્લિસિટી કરવી જ હોય, તો એવા કામોની કરો, જે વિશેષ સ્વરૂપે અને પ્રવર્તમાન ઊભા થયેલા સંજોગોના કારણે કેટલું, ક્યાં અને ક્યારે નુક્સાન થયું છે, અને તેના માટે તંત્રે તાબડતોબ શું આયોજન કર્યું છે, અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે કેવા પગલાં લેવા જઈ રહ્યા છે, તેની વિશેષ પબ્લિસિટી કરો ને…!
જો વાસ્તવિક્તા સ્વીકારીને અને તેના સંદર્ભે તત્કાળ કદમ ઊઠાવીને તેનો પ્રચાર-પ્રસાર થશે, તો લોકો રસપૂર્વક વાચશે, સાંભળશે અને તેની નોંધ પણ લેશે. પરંતુ કાયમી ધોરણે થતી કામગીરીનું મિશ્રણ કરીને આંકડાબાજીની કરામતોની હવે લોકોને ખબર પડી ગઈ હોવાથી આ પ્રકારના અતિશયોક્તિભર્યા સમાચારોની નોંધ લેવી તો દૂર રહીં, તેના પર નજર પણ નહીં નાંખે… યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ…!
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી સર્જાયેલી સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે. આને માત્ર કુદરતી આફત ગણાવીને જવાબદારી ખંખેરી શકાય નહીં. પરંતુ વાસ્તવિક્તાનો સામનો કરવો પડે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ પછી દિવસો સુધી જલભરાવ, ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય રહે, અને તેના સંદર્ભે ઊંટના મૂખમાં જીરૂ મૂકવા જેટલી કામગીરી કરીને જાણે ઊંટને ધરવી દીધું હોય, તેવો પ્રચાર-પ્રસાર કરવામાં આવે તો તેને તો લોકો સાથેની ઉઘાડી છેતરપિંડી જ ગણવી પડે ને?
તાજેતરની અતિવૃષ્ટિ પછી જે બદતર સ્થિતિ સર્જાઈ છે, તેનો વાસ્તવિક ચિતાર આપીને તંત્રો-શાસકો દ્વારા તત્કાળ ક્યા પગલાં લેવાઈ રહ્યા છે, અને કાયમી ઉકેલ માટે શું વિચાર્યું છે, તેની સચોટ અને સાચી માહિતી સાથે કેટલી નગરપાલિકાઓના પ્રમુખો કે ચીફ ઓફિસરોએ પ્રેસ-કોન્ફરન્સો કરી? ગ્રામ્ય વિસ્તારો માટે જવાબદાર જિલ્લા પંચાયતોના પ્રમુખો, કલેક્ટરો, ડી.ડી.ઓ. તો લગભગ ખામોશ જ જણાય છે. મેયર-મ્યુનિસિપલ કમિશનરે આ અંગે પ્રેસ-કોન્ફરન્સો દ્વારા વાસ્તવિક્તા જાહેર કરીને સચોટ માહિતી વખતો-વખત આપી છે ખરી?સરકારી તંત્રો સરકારની વિરૂદ્ધમાં ન બોલે, કે પ્રેસઆઉટ ન કરે, તે સમજાય, પરંતુ જે વાસ્તવિક્તા છે, તે રજૂ કરીને, તંત્રની ઢીલાશ હોય તો તેનો સ્વીકાર કરીને અને પોતાની સત્તામર્યાદામાં જે તત્કાળ કદમ ઊઠાવ્યા હોય, ભૂલો સુધારી હોય કે ’લાપરવાહી હટાવવાની’ પ્રક્રિયા ચાલી રહી હોય, અને પોતાની સત્તા ન પહોંચતી હોય ત્યાં ઉપલી કચેરી કે સરકારમાં દરખાસ્તો કરી હોય, સમસ્યાઓના તત્કાળ હંગામી ઉકેલ પછી તેના કાયમી નિરાકરણ માટે કોઈ ચર્ચા થઈ હોય, સૂચનો કરાયા હોય કે પ્રસ્તાવો મૂકાયા હોય તો તે જાહેર કરવામાં વાંધો શું છે, તે જ સમજાતું નથી… માત્ર વાહવાહી તો આખરે બૂમરેંગ જ પૂરવાર થઈ રહી છે હો…!