મોદી પર કોઈક દબાણ હોય એમ પશ્ચિમી મીડિયા માને છે. એને કારણે એશિયન અખબારી આલમમાં સંખ્યાબંધ અહેવાલો છપાઈ રહ્યા છે. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચર્ચા ચોતરફ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને સાંકળીને ભારતીય જનતા પક્ષે સેવા પખવાડિયું ઉજવવાનું શરૂ કર્યું છે, તેવા જ સમયે ભાજપમાં નરેન્દ્ર મોદી પછી કોણ? તેની ચર્ચા મહારાષ્ટ્રથી શરૂ થઈને છેક દેશની રાજધાની સુધી પહોંચી ગઈ છે.
કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી તત્કાળ રાજીનામું આપતા અને બે-પાંચ મહિનામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતે જનાદેશ મેળવીને જ ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે, તેવી જાહેરાત કરતા, પરોક્ષ રીતે સુપ્રિમ કોર્ટની ’કન્ડીશન્સ’ને ચેલેન્જ અપાઈ હોવાની ચર્ચા થઈ રહી છે, અને હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીરની સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજવાનો પડકાર ફેંકીને કેજરીવાલે માસ્ટર સ્ટોક માર્યો હોવાના તારણ પણ નીકળી રહ્યા છે.
બીજી તરફ વર્ષ ર0ર1 માં કોરોનાના કારણે નહીં થઈ શકેલી વસતિગણતરી રૂપિયા બાર હજાર કરોડ જેટલા ખર્ચે ટૂંક સમયમાં થશે, અને તેમાં જ મહિલાઓની સંખ્યાને ધ્યાને લઈને મહિલા અનામતના લક્ષ્યને સિદ્ધ કરવાનો પ્રયાસ કરાશે, તો લોકોને આ વખતે વસતિ ગણતરીમાં 30 થી વધુ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, તેવી ચર્ચા વચ્ચે એવા સંકેતો પણ મળી રહ્યા છે કે પ્રશ્નાવલીમાં જ એવા પ્રશ્નો ઉમેરી દેવાશે, જેથી વિપક્ષોની જાતિ આધારિત જનગણનાની માંગણીનો છેદ જ ઊઠી જશે… જોઈએ, હવે શું થાય છે તે…!આ દરમિયાન વન નેશન વન ઈલેક્શનની ચર્ચાએ પણ જોર પકડ્યું છે, જે ઘણું જ સૂચક છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના બોલકા નેતાએ ભાજપના એક વરિષ્ઠ મહારાષ્ટ્રીયન નેતાનું જાહેરમાં સમર્થન કરીને અચંબો સર્જી દીધો છે. ભૂતકાળમાં ભાજપ-શિવસેના એક હતા, ત્યારે મોદીભક્ત ગણાતા અને અત્યારે તેના ઘોર વિરોધી બની ગયેલા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી ભાજપના સર્વમાન્ય નેતા છે, અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જોવામાં આવતા હોય, તો તેમાં કોઈ ખોટું નથી!… ગડકરી અંગેના આ નિવેદનના પ્રત્યાઘાતો છેક દેશની રાજધાની દિલ્હી સુધી પડ્યા છે.
હકીકતે પી.એમ. મોદીના રાજકીય ઉત્તરાધિકારી તરીકે નીતિન ગડકરીનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. અત્યાર સુધી તો માત્ર રાજકીય ચર્ચાઓમાં જ આ મુદ્દો ચર્ચાતો હતો, પરંતુ હવે ખુદ ગડકરીએ જ જાહેર મંચ પરથી કહ્યું કે તેઓને પદની કોઈ લાલચ નથી. એક વિપક્ષી વરિષ્ઠ નેતાએ તેને વડાપ્રધાન પદ માટે સમર્થન આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ તેમણે (ગડકરીએ) ઈન્કાર કર્યો હતો. ગડકરીએ ઓફર કરનાર નેતાનું નામ તો લીધું નહોતું, પરંતુ તેઓ કોઈ પદની લાલચમાં ભાજપ સાથે ગદ્દારી નહીં કરે, તેવા પ્રકારની વાત કરી હતી.તે પછી આ મુદ્દો દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોઈ કહે છે કે આ રીતે ગડકરીએ સ્વયં એવું ગતકડું વહેતું મૂક્યું છે, જે ’મોદી પછી કોણ?’ની અટકળોમાં અત્યાર સુધી ચર્ચાતા ત્રણ નામોને ચેલેન્જ કરે છે. આ ત્રણ નામ ક્યા ક્યા છે, તે અંગે પણ જબરદસ્ત ચર્ચા છે, પરંતુ મોટાભાગે મોદીના રાજકીય ઉત્તરાધિકારી તરીકે પ્રથમ અમિત શાહ, દ્વિતીય યોગી આદિત્યનાથ અને તૃતીય ક્રમે રાજનાથસિંહનું નામ ચર્ચાય છે. બીજી તરફ સ્વયં મોદી તો ’વર્ષ’ ર0ર9 માં પણ પોતે જ મેદાનમાં હશે, તેવા સંકેતો આપી રહ્યા છે!!!”
“આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, તે પછી પહેલી વખત ગઈકાલથી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. ગઈકાલે વડસર પહોંચ્યા અને એરફોર્સના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી તેઓના રાજભવનમાં રાત્રિ રોકાણ દરમિયાન મુખ્યમંત્રી અને મંત્રીઓ તથા ભાજપની પ્રાદેશિક નેતાગીરી સાથે સ્વાભાવિક રીતે જ રાજકીય ગૂફ્તેગુ પણ થઈ જ હશે ને? આજે પણ તેઓના ભરચક્ક કાર્યક્રમો હોવાથી તેઓ જ પ્રેસ-મીડિયા-સોશ્યલ મીડિયામાં છવાયેલા છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74 વર્ષના થયા અને 17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતી એટલે કે બીજી ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસોને સાંકળીને ઉજવાઈ રહેલા સેવા પખવાડિયાના અહેવાલોની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન-કવનને જે રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે, તે વર્ષ ર013 માં તેઓ જ્યારે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થયા હતાં તેની યાદ તાજી કરાવી રહ્યું હોય તેમ લાગે છે. લોકસભાની ચૂંટણીમાં ધારણા મુજબની બેઠકો ભાજપને મળી નહીં. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ’ઢીલા’ પડી ગયા હોવાના વિપક્ષી નેતાઓના આક્ષેપો વચ્ચે આ પ્રકારની પ્રસ્તૃતિ પુન: ઈમેજ બિલ્ડીંગ માટેનો પ્રયાસ હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.આજના દિવસે દેશની રાજનીતિના કેન્દ્રમાં રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બન્ને માટે ’ઈમેજ બિલ્ડીંગ’ના પ્રયાસો તેઓની પાર્ટી તથા સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેવું માનનારા લોકો એવું પણ કહે છે કે ચંપઈ સોરેનના દૃષ્ટાંત પછી દિલ્હીમાં ’કામચલાઉ’ મુખ્યમંત્રી બનનાર નેતા જ ભવિષ્યમાં ઘોર વિરોધી બની ન જાય, તે માટે આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી સુધી ’વચગાળા’ના મંત્રી તરીકે પાર્ટી ઉપરાંત કેજરીવાલને વ્યક્તિગત રીતે પણ વફાદાર (રબ્બર સ્ટેમ્પ) નેતાને જ મૂકશે, અથવા પાર્ટી તથા ધારાસભ્યોના અત્યંત આગ્રહને માન આપીને સુનિતાબેન કેજરીવાલને જ મુખ્યમંત્રી બનાવી દેશે, જેથી કરોડોના ખર્ચે બનાવેલું સી.એમ. હાઉસ ખાલી ન કરવું પડે!!
કેજરીવાલે હરિયાણાના બદલે પહેલા દિલ્હીની ચૂંટણીની જ વાત કરી અને તેના પર જ વધુ ભાર મૂક્યો, તે પણ ઘણો જ સૂચક છે. કોંગ્રેસના નેતાઓ પણ કેજરીવાલનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે, અને ભાજપના તાનાશાહીથી કંટાળેલી જનતા હવે હરિયાણા પછી દિલ્હીમાં પણ જનાદેશ આપશે તેવો દાવો કરી રહ્યા છે, તની સાથે દિલ્હીમાં પ્રચંડ બહુમત મળે તે સુપ્રિમ કોર્ટની શરતો હટી જાય ખરી? તેવા પ્રશ્નો પણ ચર્ચાઈ રહ્યા છે.”
નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે ચતુર ને ખેલાડી નીતિન ગડકરીનું નામ ગાજી રહ્યું છે
Published on