કેન્દ્ર સરકાર દેશના તમામ આર્થિક સંસ્થાનો પર પોતાનો સંપૂર્ણ કાબુ ચાહે છે. કેન્દ્રએ શેરબજાર ઉપરાંત હવે કોમોડિટી બજારનું નિયમન પણ એકાએક સેબીને સોંપી દીધું છે. સેબીનું મુખ્ય કામ રોકાણકારોને આકર્ષવા ઉપરાંત તેઓના હિતની સુરક્ષાનું પણ છે. સેબીને કોમોડિટી બજારની પ્રેક્ટિસ ઓછી છે એટલે એનો ગેરલાભ લેનારા લોકો પણ છે. સેબીએ રાતોરાત દેશની કોમોડિટી બજારમાં હસ્તક્ષેપ કરીને સંખ્યાબંધ માળખાગત ફેરફારો કર્યા છે.
સેબીએ દેશના કોમોડિટી માર્કેટમાં સંસ્થાગત રોકાણકારોને આકર્ષવાના પણ અનેક કીમિયા પ્રસ્તુત કર્યા છે. સેબીનો આ ખેલ જો ચાલી જાય તો ધાતુઓ અને કેટલીક કૃષિ પેદાશોના ભાવ અને ઉત્પાદકોનો નફો ઊંચે જશે. પરંતુ કોમોડિટી માર્કેટમાં સેબીની વેરહાઉસ ઝિરો ડિગ્રી એન્જોય કરે છે એને કારણે વચેટિયા અધિકારીઓ મોટા કૌભાંડો આચરતા થયા છે. મગફળી અત્યંત જ્વલનશીલ પદાર્થ છે એની તો પ્રજાને હમણાં જ ખબર પડી. એમાં પણ ગોડાઉનોમાં આગ-વી રીતે આગ લાગે છે તે આપણી એક નવી અજાયબી છે અને એ જ ભાજપ સરકારનું આ આગ-વું ગુજરાત છે. આપણે ત્યાં પેટ્રોલ-ડિઝલ કરતાં પણ વધુ જ્વલનશીલ છે એના ઘણા પત્તા હજુ ખુલવાના બાકી છે.
સેબીએ હવે કોમોડિટી એક્ષચેન્જ ચલાવવાના નિયમોમાં ધરખમ પરિવર્તનો કર્યા છે અને ઉતાવળે જાહેર કરેલા નિયમો દ્વારા બોમ્બે અને નેશનલ-બન્ને સ્ટોક એક્ષચેન્જને હવે કોમોડિટી એક્ષચેન્જ ચાલુ કરવાનો સંકેત પણ કર્યો છે. એની સામે અત્યાર સુધી કોમોડિટીમાં વ્યસ્ત એમસીએક્સ અને એનસીડેક્સને પણ શેરબજારમાં ઝંપલાવવા આહવાન આપ્યું છે. આ બહુ મહત્ત્વના ફેરફારો છે જેના તરફ હજુ સામાન્ય રોકાણકારનું ધ્યાન ગયું નથી. આના પરથી સમજી શકાય છે કે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓને કોમોડિટી બજારમાં રોકાણ કરવાની મંજુરી આપવાનો ગુપ્ત એજન્ડા ધરાવે છે.
સેબીના હસ્તક્ષેપ પછી દેશની બજારમાં ટ્રેડિંગનું વોલ્યુમ વધી રહ્યું છે અને હજુ વધશે. કેન્દ્ર સરકારની મંજુરીથી ક્રૂડ ઓઇલનું ઓપ્શન કામકાજ એમસીએક્સ ઉપર શરૂ થઇ ગયું છે, સરકારે સિલ્વર અને કોપરમાં પણ ઓપ્શનની શરૂઆત કરાવી છે. જે ખરા ખેલાડીઓ છે એ આ પ્રકારની હવે ઊઘાડ પામતી કોમોડિટી બજારમાં ફાવી જવાના છે. એક રીતે જુઓ જ્યારે સેબીની શરૂઆત થઈ ત્યારે પણ શેર બજારને કષ્ટ પડ્યું હતું પરંતુ આજે તો સેબી જ રોકાણકારોના અસલી માઈબાપ છે. કોમોડિટીમાં પણ આગળ જતાં સેબીની ભૂમિકા ઉદ્ધારક તરીકેની સાબિત થશે એમાં કોઈ શંકા નથી.
સેબીના માથે આવી પડેલી નવી કોમોડિટી નિયમનની જવાબદારીમાં સેબીએ ધરખમ ધ્યાન આપવું પડશે નહિતર શેરબજારનો યશ અહીં અપયશ બનતા વાર નહિ લાગે. કારણ કે અત્યારે જ એનસીડેક્સમાં ડિલિવરી લેનારાઓને હલકો માલ પધરાવવામાં આવે છે. જે રીતે મગફળીના ગોડાઉનોની એક રીંગ બની ગઈ છે અને એક સામાન્ય માચિસની મદદથી કરોડોની ઉથલપાથલ સમગ્ર રાજ્ય અવારનવાર જોઈ રહ્યું છે તે જ રીતે કોમોડિટીમાં હલકા માલો ડિમેટ કરાવનારી રીંગ ચાલી રહી છે. છેલ્લા સાત-આઠ મહિનામાં ધાણાના વાયદામાં જે કંઇ પરાક્રમ ખેલાડીઓએ રીંગ બનાવીને કર્યું છે તેને કારણે ધાણાના હજારો ખેડૂતો અને રોકાણકારો ધોવાયા છે.
આવી બાબતોમાં સેબીને જો ભાન નહિ પડે તો કોમોડિટી બજારના બે નંબરી મગરમચ્છો એમની અજબ ગજબ ગોડાઉન લીલાથી સેબીને અહીં ઘોળીને પી જશે. પાસે નાણાં મંત્રાલયથી પણ કેટલીક વિશેષ સત્તાઓ છે જે બેન્કો પાસે પણ નથી. એટલે સેબી જ્યાં તંબુ તાણે ત્યાં એના નિષ્ફળ જવાના ચાન્સ ઓછા હોય છે પરંતુ કોમોડિટી માર્કેટના સંખ્યાબંધ કિસ્સાઓમાં ડિલિવરીમાં જૂના રદ્દી માલ પધરાવવાની જે વ્યવસ્થિત કાવતરાબાજી ચાલે છે એમાં સેબીના અધિકારીઓની ચાંચ ક્યારે ડૂબશે તે એક છે.
એ તો સ્પષ્ટ જ છે કે કેન્દ્ર સરકારે જેટલીવાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કહી છે તેટલી વાર ખેડૂતોની આવક ઘટતી જ ગઈ છે. ડબલ આવક એમ કોઈ જાદુ તો નથી. સરકારે એ માટેનો કોઈ રોડ મેપ પણ જાહેર કર્યો નથી. જો કે એ વાત અલગ છેકે કોઇએ વચનમાં વિશેષ શ્રદ્ધા રાખી નથી. સેબી (સિક્યોરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)ના બંધારણમાં જ થઇ રહેલા ફેરફારો સ્વાભાવિક છે કે તે હવે ઇ.સ. 2024ને તાકે છે.
નિર્મલા સીતારામને આજ સુધી નાણાં મંત્રાલયમાં બેસીને જે કંઇ કામ કર્યું એ માટે તેઓ પોતે હંમેશા એમ કહેતા રહ્યા છે કે હું તો લાંબા ગાળાના ફાયદા માટે આ બધું કામ કરું છું. વિધિની એ વક્રતા છે કે દેશના અર્થતંત્રને અને સીતારામનને એમ બન્નેને હાલ તો ટૂંકાગાળાના ફાયદાની પણ તાતી જરૂરિયાત છે. સેબી જે રીતે કોમોડિટી બજારના નિયમન અંગે આગળ વધે છે તેમાં કેન્દ્ર સરકાર ખરેખર જો હસ્તક્ષેપ ન કરે તો કૃષિ ઉત્પન્ન તો સુધરી શકે છે. પરંતુ ઇ.સ. 2024 પહેલાં એનડીએ સરકાર જો કૃત્રિમ તેજીનું હવામાન ઊભું કરવા માટે આ બજારને રીતસર આગળ ધક્કા મારશે તો વાસ્તવિક બજારને પાછા પડવા માટેના ધક્કા લાગશે.
એનડીએ સરકારે ભારત સરકારનો કેટલોક વહીવટ અંગત પેઢીની જેમ પણ કર્યો છે. કર્ણાટકની ચૂંટણીને કારણે સરકારના અનેક નિર્ણયો થયા છે જે ન થવા જોઇએ. પેટ્રોલ અને ડિઝલના ભાવને આંતરરાષ્ટ્રીય ભાવફેર સાથે સાંકળીને ટૂંકા પનાની વધઘટે ઘણો વધારો ફટકારી દીધા પછી હવે કર્ણાટકની ચૂંટણીના બ્યુગલ વાગ્યા એટલે એકાએક પંદર-વીસ દિવસ પછી પેટ્રોલ ડિઝલના ભાવ સ્થિર કરી દેવામાં આવશે.